Editorial

જો આવું જ ચાલશે તો પાકિસ્તાન પાસે માત્ર પંજાબ અને સિંધ એમ બે જ પ્રાંત બચશે

9 ઓક્ટોબરના રોજ, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના સ્થળો પર હવાઈ હુમલા કરવામાં આવ્યા. તાલિબાને દાવો કર્યો હતો કે આ હુમલાઓ પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યા હતા. જોકે પાકિસ્તાને સ્પષ્ટપણે કહ્યું ન હતું કે તેણે આ હુમલાઓ કર્યા છે, પરંતુ તેણે તાલિબાનને ચેતવણી આપી હતી કે તે તેની ધરતી પર TTPને આશ્રય ન આપે. આ પછી, અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીએ કહ્યું, ‘પાકિસ્તાને અમારી સાથે રમત રમવાનું બંધ કરવું જોઈએ.

અમને ઉશ્કેરશો નહીં. બ્રિટન અને અમેરિકાને પૂછી લો, તેઓ તમને સમજાવશે કે અફઘાનિસ્તાન સાથે આવી રમતો રમવી યોગ્ય નથી.’ તેના જવાબમાં અફઘાનિસ્તાને પાકિસ્તાન પર જમીની હુમલો ક્યો હતો.અફઘાનિસ્તાનનો દાવો છે કે શનિવારે રાત્રે પાકિસ્તાન સરહદ પર થયેલી અથડામણમાં તેની સેનાએ 58 પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા હતા. પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે, અફઘાન સુરક્ષા દળોએ 25 પાકિસ્તાની લશ્કરી ચોકીઓ પર કબજો કર્યો હતો. આ કાર્યવાહીમાં 58 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા અને 30 અન્ય ઘાયલ થયા હતા.

અફઘાન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, ‘અમારું ઓપરેશન મધ્યરાત્રિએ સમાપ્ત થયું. જો પાકિસ્તાન ફરીથી અફઘાન સરહદનું ઉલ્લંઘન કરે છે, તો અમારી સેના દેશનું રક્ષણ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.’ પાકિસ્તાનની વાત કરીએ તો તેના ચાર પ્રાંત છે. જેમાં પંજાબ, સિંધ, બલુચિસ્તાન અને ખૈબરપખ્તુનવાનો સમાવેશ થાય છે આ ઉપરાંત પાંચમો ગણીએ તો પાકિસ્તાનના કબજા હેઠળનું કાશમીર એટલે કે પીઓકેનો સમાવેશ થાય છે. પાકિસ્તાનની હાલની પરિસ્થિતિની વાત કરીએ તો ખૈબરપખ્તુનવામાં તહીરિકે તાલિબાન પાકિસ્તાન વારંવાર પાક સૈનિકો પર હુમલો કરે છે. જો આવી જ સ્થિતિ રહી તો આ પ્રાંત નજીકના જ દિવસોમાં પાકિસ્તાનના હાથમાંથી સરકી જશે.

હવે વાત કરીએ તેના સૌથી મોટા પ્રાંત બલુચિસ્તાનની. તો ત્યાં પણ વિદ્રોહની સ્થિતિ ચરમસીમા ઉપર છે. અહીં વારંવાર પાકિસ્તાનના સૈન્ય વાહનો અને સૈનિકો પર હુમલો કરવામાં આવે છે. છેલ્લે છેલ્લે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશમીરમાં પણ હવે બળવાની શરુઆત થઇ ચૂકી છે. અહીંના લોકો પાકિસ્તાનથી ખુશ નથી. તો આસ્થિતિ જોઇએ તો પાકિસ્તાનના ટુકડા થશે તો તેની પાસે માત્ર સિંધ અને પંજાબ એમ બે જ પ્રાંત બચશે. આમ પણ પાકિસ્તાનમાં કોઇપણ સર્વોચ્ચ પદ માટે કે મહત્વની જગ્યાઓ ઉપર પંજાબના લોકો જ તૈનાત છે એટલું જ નહીં પંજાબના લિડરોએ અન્ય પ્રાંતના લોકોને અન્યાય કરવામાં કોઇ જ કસર છોડી નથી એટલે હાલમાં પાકિસ્તાના આ હાલ છે.

Most Popular

To Top