અમેરિકાના કેલિફોર્નિયામાં ગત રોજ તા. 11 ઓક્ટોબર શનિવારે એક ભયાનક હેલિકોપ્ટર અકસ્માત થયો હતો. જેમાં પાંચ લોકો ઘાયલ થયા હતા. હંટીંગ્ટન બીચ નજીક ટેકઓફ કર્યા પછી થોડા જ સમયમા હેલિકોપ્ટર તાડના ઝાડ સાથે અથડાયું અને રસ્તા પર પડી ગયું. અકસ્માત એટલો ગંભીર હતો કે હેલિકોપ્ટર સંપૂર્ણપણે તૂટી ગયું અને આસપાસના વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો.
અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટના શનિવારે સ્થાનિક સમય મુજબ બપોરે 2 વાગ્યે હંટીંગ્ટન સ્ટ્રીટ અને પેસિફિક કોસ્ટ હાઇવે પાસે બની હતી. હેલિકોપ્ટરમાં તે સમયે બે લોકો સવાર હતા. જ્યારે રસ્તા પર ત્રણ અન્ય લોકો હાજર હતા. ક્રેશ બાદ બધાને ગંભીર ઇજા પહોંચી હતી અને તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રારંભિક તપાસ મુજબ હેલિકોપ્ટર ખૂબ ઓછી ઊંચાઈએ ઉડી રહ્યું હતું ત્યારે તેની પાંખો તાડના ઝાડના પાંદડા સાથે અથડાઈ ગઈ. આ અથડામણ બાદ હેલિકોપ્ટરનું સંતુલન બગડ્યું અને તે પલટી ગયું હતું. જેના કારણે તે રસ્તા પર પડી ગયું. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં હેલિકોપ્ટર નીચે આવતું અને ધડાકાભેર અથડાતું દેખાય છે.
અહેવાલો મુજબ ક્રેશ થયેલું હેલિકોપ્ટર 1980 મોડલ બેલ 222 હતું. જે ઉડ્ડયન ક્ષેત્રના જાણીતા પાઇલટ એરિક નિક્સનનું હોવાનું કહેવાય છે. હાલમાં સત્તાવાળાઓએ અકસ્માતના કારણની વિગતવાર તપાસ શરૂ કરી છે.
હંટીંગ્ટન બીચ પોલીસ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે પેસિફિક કોસ્ટ હાઇવેને સાવચેતીરૂપે તાત્કાલિક બંધ કરી દીધો હતો. જેથી બચાવ કામગીરી સરળ બને. બે લોકોને એરલિફ્ટ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે રસ્તા પર રહેલા ત્રણ લોકોને સ્થાનિક એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.
હાલમાં તમામ ઘાયલોની હાલત સ્થિર હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. તપાસમાં જાણવા મળશે કે હેલિકોપ્ટરમાં કોઈ ટેકનિકલ ખામી હતી કે પછી માનવ ભૂલને કારણે આ દુર્ઘટના બની હતી.