સંસાર અસાર છે અને વૈરાગ્યમાં જ પ્રભુભક્તિ થઈ શકે એમ માની ઘણી વ્યક્તિઓ સંસારત્યાગ કરી સાધુ-સંત થવાને માર્ગે પ્રયાણ કરે છે. ક્યારેક એમના મનોજગતમાં સંસારસુખની લાલસા દબાયેલી હોય છે! ‘‘નસીબદાર’’ સાધુ-સંતો અદ્યતન આશ્રમો સ્થાપી વ્યાપાર વિશ્વ પણ વિકસાવે છે! એમના ભક્તોની ‘‘અતિ શ્રદ્ધા’’ નાણાંકીય ધોધ પણ વહાવતા રહે છે! આરતી પણ ઉતારતા રહે છે! શું સાધુ-સંતના બિરુદ સિવાય પ્રભુભક્તિ ન થઈ શકે? સંસારમાં રહીને સમાજ ઉપયોગી, માનવતાલક્ષી કાર્યો પણ થઈ શકે ને?
ઈશ્વરે સૌને આર્થિક રીતે એટલા સંપત્તિવાન નથી બનાવ્યા. તો જે વર્ગ માંગી શકે એમ ન હોય એને પરોક્ષ રીતે મદદ થાય એમાં ઈશ્વર વધુ રાજી રહેશે. મદદ લેનારનું સ્વમાન ન ઘવાય અને મદદકર્તાનું અભિમાન ન પોષાય એ જ સાચું દાન. સંસારત્યાગી સાધુ-સંતો ઉપદેશો આપી સ્વયંનું સામ્રાજ્ય ફેલાવતા રહે છે. જ્યારે સંસારી સાધુ પરોપકારના કાર્ય કરી માનવતા મહેકાવે છે. ઘણા સંસારત્યાગી સાધુઓના આડંબર-દંભ વિ. સમયાન્તરે અખબારી આલમ દ્વારા જાણવા મળે જ છે. દિલ્હીના એક ધર્મગુરુનો કિસ્સો પ્રગટ થયો જ હતો. કુદરતી વૃત્તિઓમાં સંયમ ન જળવાતો હોય તો શા માટે સાધુત્વ લજવવું? સંસારમાં રહો અને યોગી ન બનો પણ ઉપયોગી જરૂર બની શકાય.
રાંદેર રોડ, સુરત – નેહા શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.