કપાસ અને ગુજરાતનો સંબંધ બહુ ઘનિષ્ઠ છે. અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કહેવાતું એટલી બધી કોટન મિલો અમદાવાદમાં હતી. ગુજરાતમાં કપાસની ખેતી હવે પ્રમાણમાં ઓછી થાય છે. ૫૦ વર્ષ પહેલાં દક્ષિણ ગુજરાત પણ કપાસની ખેતીમાં અગ્રેસર હતું. રોકડિયા પાક તરીકે કપાસની વાવણી થતી. દેશી કપાસને સ્થાને શંકર-૪ કપાસ વવાયો અને એની સાથે તેના ફ્લીકરણ માટે કોથળી બાંધવાની પ્રક્રિયા થઈ. પુંકેસરની પરાગરજ લઈ બીજા ફૂલોના સ્ત્રીકેસરના પરાગાસન પર લગાડી તેના પર કોથળી બાંધી દેવામાં આવતી.
આ કામમાં રોજિંદા મજૂરોને રોજી મળતી. અમને બાળકોને એ સમયે આ રંગબેરંગી પાતળા કાગળની કોથળીનું ભારે આકર્ષણ રહેતું. શંકર -૪ ની સાથે જંતુનાશક દવાનો પણ ખેતરમાં પગપેસારો થયો. દવા છાંટવાના પંપ લઈ ખેતરે જતો ખેડૂત પોતે તો ઝેરીલો ન બન્યો પણ ખેતપેદાશો ઝેરીલી બનવા માંડી. જંતુનાશક દવાની બીજી એક આડઅસર એ પણ થઈ કે યુવાનોમાં આ દવા પીને આત્મહત્યા કરવાનું પ્રમાણ પણ વધ્યું. સ્હેજ અમસ્તુ લાગી આવે કે કંઈક ધાર્યું ન થાય એટલે તણાવમાં આવી દવા પી જવાનો સીલસીલો એ સમયે વધી ગયેલો. અંતરંગ – ગામડાના અનુભવી વૃદ્ધ કપાસને જગઢાંકણી કહેતાં. એમને મન જગ એટલે મનુષ્યો. મનુષ્યોને ઢાંકે તે જગઢાંકણી.!
કીમ, સુરત – પ્રકાશ પરમાર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.