એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અશોક કુમાર પાલની નકલી બેંક ગેરંટી કેસમાં મની લોન્ડરિંગના આરોપ હેઠળ ધરપકડ કરી છે. આ કેસ રૂ. 68.2 કરોડના નકલી બેંક ગેરંટી સાથે જોડાયેલ છે અને અશોક પાલની ધરપકડ અનિલ અંબાણીના વ્યવસાય સામ્રાજ્ય માટે વધુ એક મોટો ઝટકો ગણાય છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર અશોક કુમાર પાલની ગુરુવારે રાત્રે દિલ્હી સ્થિત તેમના ઓફિસમાંથી ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. EDએ આ કાર્યવાહી નકલી બેંક ગેરંટી બનાવવાના અને તેનો ઉપયોગ કરવાના મામલે મની લોન્ડરિંગ તપાસ હેઠળ કરી છે.
આ મામલો ઓડિશા સ્થિત “બિસ્વાલ ટ્રેડલિંક પ્રાઇવેટ લિમિટેડ” નામની એક શેલ કંપની સાથે જોડાયેલ છે. જે 8% કમિશનના બદલે નકલી બેંક ગેરંટી તૈયાર કરતી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે આ કંપની માત્ર કાગળ પર અસ્તિત્વ ધરાવે છે અને તેનો કોઈ વાસ્તવિક વ્યવસાય નથી.
આ કૌભાંડમાં સામેલ લોકોએ ખૂબ જ ચતુરાઈપૂર્વક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)નું નકલી ઈમેલ એડ્રેસ બનાવી નકલી દસ્તાવેજો તૈયાર કર્યા હતા. SBIનું સત્તાવાર ડોમેન ‘sbi.co.in’ છે પરંતુ આરોપીઓએ ‘s-bi.co.in’ જેવું સરનામું બનાવી તેનાથી નકલી ઈમેલ્સ મોકલ્યા હતા. જેથી તે ખરેખર SBI તરફથી મોકલાયાં હોય એવું લાગે.
તપાસમાં બહાર આવ્યું છે કે રિલાયન્સ ગ્રુપની એક એકમ તરફથી સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI) ને રૂ.68.2 કરોડની નકલી બેંક ગેરંટી આપવામાં આવી હતી. ED તપાસ કરી રહી છે કે અશોક પાલને આ નકલી ગેરંટીની જાણ હતી કે નહીં તેમજ તેને મંજૂરી આપવા અથવા મોકલવામાં તેમની સીધી ભૂમિકા હતી કે નહીં.
અશોક પાલની ધરપકડ અનિલ અંબાણી ગ્રુપ માટે વધુ એક ગંભીર આંચકો બની શકે છે. ગ્રુપ પહેલાથી જ નાણાકીય સંકટ અને કાનૂની પડકારોનો સામનો કરી રહ્યું છે. હવે EDની તપાસ આ મામલામાં વધુ મોટા નામો સામે લાવી શકે છે અને રિલાયન્સ ગ્રુપની પ્રતિષ્ઠા પર પણ તેની અસર પડી શકે છે.