જ્યારે પણ સરકારી નોકરી માટે જાહેરાતો આવે છે ત્યારે નોકરી લેવા માટે લાખો ઈચ્છુકો ઉમટી પડે છે. સરકારી નોકરી માટે ભીડ લાગવા પાછળ એ કારણ હોય છે કે સરકારી નોકરીમાં સમયસર પગારની સાથે સમયસર વધારો અને હવે તો સરકારી તંત્ર દ્વારા જો તહેવાર આવતા હોય તો સમય પહેલા પણ પગાર આપી દેવામાં આવે છે. આ જ કારણે સરકારી નોકરીની બોલબાલા દિવસેને દિવસે વધી રહી છે. હાલમાં દિવાળી આવી રહી છે ત્યારે ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાજ્ય સરકારે એક મહત્ત્વનો અને રાહતરૂપ નિર્ણય લીધો છે. ચાલુ વર્ષે દિવાળીનો તહેવાર તા. 20 ઓક્ટોબરના રોજ હોવાથી કર્મચારીઓ અને પેન્શનરો ઉત્સાહપૂર્વક તહેવારની ઉજવણી કરી શકે તે માટે ઑક્ટોબર-2025 માસના પગાર-ભથ્થાં અને પેન્શનની ચુકવણી વહેલી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સામાન્ય રીતે રાજ્ય સરકારના કર્મચારીઓના પગાર જે માસના ચૂકવવાપાત્ર હોય તેના પછીના માસના પ્રથમ ત્રણ કામકાજના દિવસો દરમિયાન સ્ટેગરીંગ પ્રથા અનુસાર ચૂકવવામાં આવે છે. જોકે, દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને આ જૂના ઠરાવમાં છૂટછાટ આપવામાં આવી છે. આ નિર્ણય અનુસાર, ઑક્ટોબર-2025ના સરકારી કર્મચારીઓ/પેન્શનરોના પગાર-ભથ્થાં/પેન્શનની ચુકવણી તબક્કાવાર રીતે 14, 15 અને 16 ઓક્ટોબર દરમિયાન કરવામાં આવશે. આ પગારની સાથે સાથે બે-ત્રણ દિવસ પહેલા જ રાજ્ય સરકારે છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ પણ તા. 1 જુલાઈ 2025થી આપવાનો નિર્ણય કર્યો હતો.
આ નિર્ણય અંતર્ગત સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. પગાર સમય પહેલા મળવાની સાથે સરકારી કર્મચારીઓને એ રીતે પણ બખ્ખાં થઈ ગયા છે કે સરકારે તેમને દિવાળીમાં સળંગ આઠ દિવસનું વેકેશન પણ આપી દીધું છે. 19મી ઓક્ટોબરથી શરૂ કરીને સળંગ 8 દિવસની એટલે કે 26 ઓક્ટોબર સુધીની રજા સરકારે જાહેર કરી છે.
આ રજામાં બે રવિવાર તથા એક શનિવારનો પણ સમાવેશ થાય છે અને આ રજા સરકારી કચેરીઓ, બોર્ડ, કોર્પોરેશનો અને પંચાયતો માટે પણ લાગુ પડનાર હોવાથી હવે આઠ દિવસ સરકારી તંત્ર ઠપ્પ થઈ જશે. આ કારણે જ સરકારી નોકરી મેળવવાની તમામને ઈચ્છા હોય છે. હાલમાં જ સરકાર પર કર્મચારીઓનું ભારણ વધારે છે. મહેકમનો ખર્ચો કરોડો પર પહોંચી ગયો છે. સરકારની મોટાભાગની આવક પગારોમાં જ જતી રહે છે. ઉપરથી રાજકારણીઓ દ્વારા રોજ હજારો નોકરીઓ ઊભી કરવાના વચનો આપવામાં આવે છે. આ સંજોગોમાં સરકારી નોકરી લેવા માટે દાવેદારોની સંખ્યા વધતી જ રહે છે.
ગુજરાતમાં હાલમાં 4.78 લાખ સરકારી કર્મચારીઓ છે. તેમાં પણ મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતોનો સમાવેશ કરવામાં આવે તો આ આંકડો 10 લાખ સુધી પહોંચે છે. આ સંજોગોમાં નવી નોકરીઓ ઊભી કરવું સરકાર માટે અઘરૂં છે. જોકે, તહેવારને કારણે સમય પહેલા પગાર આપી દેવાની સરકારની જાહેરાત એ કર્મચારીઓ માટે લાભદાયક પગલું જ છે. વહેલો પગાર મળતાં કર્મચારીઓ તહેવારો માટે ખરીદી કરી શકશે પરંતુ સાથે સાથે આને કારણે સરકારી નોકરી પ્રત્યેનો લોકોનો મોહ વધશે તે નક્કી છે.