ભારતે અફઘાનિસ્તાન સાથેના રાજદ્વારી સંબંધોમાં મોટો નિર્ણય લીધો છે. ચાર વર્ષ બાદ ભારતે કાબુલમાં પોતાનો દૂતાવાસ ફરી ખોલવાની જાહેરાત કરી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે તાલિબાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી સાથેની મુલાકાત દરમિયાન આ નિર્ણય જાહેર કર્યો.
ભારત સરકારે અફઘાનિસ્તાન સાથેના સંબંધોમાં નવો અધ્યાય શરૂ કર્યો છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે આજ રોજ તા. 10 ઓક્ટોબર શુક્રવારે તાલિબાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી સાથે મુલાકાત કરી અને કાબુલમાં દૂતાવાસ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સાથે ભારતે અફઘાનિસ્તાન સાથે સંપૂર્ણ રાજદ્વારી સંબંધોને પુનઃસ્થાપિત કર્યા છે.
જયશંકરે જણાવ્યું કે “ભારત હંમેશા અફઘાન જનતાના કલ્યાણ માટે પ્રતિબદ્ધ રહ્યો છે. અફઘાનિસ્તાન અમારા માટે અત્યંત મહત્વપૂર્ણ દેશ છે. અફઘાન લોકોએ આતંકવાદ સામેની લડતમાં ભારતને ટેકો આપ્યો છે.” તેમણે વધુમાં કહ્યું કે કાબુલને હવે “પૂર્ણ દૂતાવાસનો દરજ્જો” આપવામાં આવશે.
દૂતાવાસ 4 વર્ષ પહેલા બંધ થયો હતો
2021માં તાલિબાન અને તત્કાલીન અફઘાન સરકાર વચ્ચેની લડાઈ દરમિયાન ભારતે સુરક્ષાના કારણે દૂતાવાસ અને અન્ય કોન્સ્યુલેટ ઓફિસો બંધ કરી દીધી હતી. તે હવે ચાર વર્ષ પછી ભારતે ફરીથી આ મિશનને સંપૂર્ણ દૂતાવાસ તરીકે કાર્યરત કરવાની જાહેરાત કરી છે.
તાલિબાન શાસન સાથે સુધરતા સંબંધો
આ નિર્ણયને તાલિબાન શાસિત અફઘાનિસ્તાન સાથેના સંબંધોમાં એક મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવી રહ્યું છે. વિદેશ મંત્રી મુત્તાકી નવી દિલ્હીની મુલાકાત લેનારા તાલિબાન શાસન હેઠળના પ્રથમ અફઘાન વિદેશ પ્રધાન છે. બંને દેશો વચ્ચે થયેલી આ બેઠકમાં વેપાર, માનવીય સહાય અને સુરક્ષા સહકાર જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
ભારતનો આ નિર્ણય માત્ર અફઘાનિસ્તાન સાથેના રાજદ્વારી સંબંધોને જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ એશિયામાં રાજકીય સંતુલન માટે પણ મહત્વપૂર્ણ ગણાય છે. કાબુલમાં દૂતાવાસના પુનઃપ્રારંભથી બંને દેશો વચ્ચે વિશ્વાસ અને સહકારનો નવો અધ્યાય શરૂ થવાની આશા છે