શહેરના ઈચ્છાપોર વિસ્તારમાં તાડી પીધા બાદ એક 18 વર્ષીય યુવકનું મોત નિપજતા હોબાળો મચી ગયો છે. યુવાનના મૃત્યુ બાદ ગુસ્સે ભરાયેલા તેના પરિવારજનો અને ગ્રામજનોએ તાડી વેચનારના ઘરે જઈ જનતા રેડ કરી હતી. તાડીના અડ્ડા પર તોડફોડ કરી, વીડિયો ઉતારી નશાના ધંધાનો પર્દાફાશ કર્યો હતો. લોકોનો ગુસ્સો જોઈ પોલીસ દોડતી થઈ ગઈ હતી. અડ્ડા પરથી તાડી બનાવવાના સાધનો કબ્જે લઈ તપાસ હાથ ધરી હતી.
બનાવની મળતી માહિતી અનુસાર ઈચ્છાપોરની બોમ્બે કોલોનીમાં રહેતો અને છૂટક મજૂરી કરતો 18 વર્ષીય રાહુલ ઉર્ફે રોહિત કચેનભાઈ રાઠોડ મિત્રો સાથે ગઈ તા. 9 ઓક્ટોબરની બપોરે ઈચ્છાપોરના ભાઠાગામમાં તાડી પીવા ગયો હતો.
પરિવારજનોના આક્ષેપ અનુસાર તાડી પીતી વખતે મિત્રો વચ્ચે મજાકમસ્તીમાં ગાળાગાળી થઈ હતી, જેણે ઝઘડાનું સ્વરૂપ લીધું હતું. ત્યાર બાદ મિત્રોમાં મારામારી થઈ હતી. મારામારી બાદ રાખલનગર પાસે રાહુલની તબિયત અચાનક બગડી હતી અને તે ઢળી પડ્યો હતો.
બેહોશ થયેલા રાહુલને 108માં નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે તાડીના લીધે તેનું મોત નિપજ્યું છે. કારણ કે મારામારીના નિશાન શરીર પર નથી. મારામારી તાડીના અડ્ડા પર થઈ હતી.
રાહુલના મોતના પગલે પરિવારજનો અને ગ્રામજનો ગુસ્સે ભરાયા હતા અને તાડીના લીધે જ મોત થયું હોવાનું માની અડ્ડા પર ધસી ગયા હતા. તોડફોડ કરી હતી. પરિસ્થિતિ વણસે તે પહેલાં તાડી વેચનાર પરિવાર ઘર છોડીને ભાગી ગયો હતો. ત્યાર બાદ પરિવાર અને ગામના લોકોએ સાથે મળી તાડી વેચનારના ઘરનો દરવાજો તોડી અંદર પ્રવેશ કરી જનતા રેડ કરી હતી. ઘરમાંથી કોથળીઓમાં પેક કરેલી તાડી અને તાડી બનાવવાનો સામાન મળ્યો હતો.
દરમિયાન કોઈકે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસ અધિકારીઓએ કહ્યું કે અકસ્માત મોતનો ગુનો દાખલ કારયો છે. રાહુલના શરીર પર બાહ્ય ઈજાના નિશાન નથી. મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે.