Comments

ગાઝા માટે ‘શાંતિ’ની દરખાસ્ત ખરેખર શાંતિ લાવી શકશે?

બે વર્ષથી ગાઝાપટ્ટીમાં દ્દુનિયા મોત અને તબાહીનો તમાશો જોઈ રહી છે. હમાસે ઈઝરાઈલ પર આક્રમણ કરી આશરે ૧૨૦૦ લોકોની હત્યા કરી એ ઘટનાને ૭મી ઓક્ટોબરે બે વર્ષ થયાં અને ઈઝરાયેલને જાણે લાઈસન્સ ટુ કીલ મળી ગયું. ગાઝામાં લગભગ ૬૭,૦૦૦ લોકો મૃત્યુ પામ્યાં છે. ગાઝા અત્યારે લગભગ સંપૂર્ણપણે તારાજ છે. આ વિસ્તારમાં જે થઇ રહ્યું છે એ હવે યુદ્ધની વ્યાખ્યામાં બેસતું નથી. એને માનવસંહાર જ કહી શકાય. શહેરો કાટમાળમાં ફેરવાઈ ગયાં છે. બોમ્બથી મરનારના આંકડાની સાથે ભૂખમરાનો આંકડો પણ વધતો જાય છે. અનાજ, પાણી કે દવા જેવી કોઈ માનવીય મદદ પણ ગાઝા સુધી પહોંચે નહિ એની તકેદારી ઇઝરાયેલી સેના લઇ રહી છે. ૪૪ દેશોમાંથી ૫૦૦ નાગરિકોનો ‘સુમુદ ફ્લોટીલા’નામે કાફલો ૪૦ વહાણ લઇ દરિયાઈ માર્ગે ગાઝા પહોંચવા નીકળ્યો જેને આંતરવામાં આવ્યો, તેના સભ્યોની ધરપકડ થઇ અને તેમની સાથે બર્બરતાપૂર્વક વ્યવહાર કરવામાં આવ્યો, જાણે તેઓ આતંકવાદી હોય. આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ હવે એમને છોડી પણ દેવાયા.

આ બધાની વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ સમાપ્ત કરી વીસ મુદ્દાની શાંતિની દરખાસ્ત રજૂ કરી છે જેમાં ગાઝાના પુનર્નિર્માણ અને આર્થિક પરિવર્તન માટેની દરખાસ્ત છે. યુરોપના દેશો અને આરબ દેશો તરફથી એને વ્યાપક આવકાર મળ્યો છે. વડા પ્રધાન મોદીએ પણ પ્લાનને આવકારતા ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વનાં વખાણ કર્યાં છે. હમાસે બધા બંધકોને મુક્ત કરવાનું તો સ્વીકાર્યું છે પણ પ્લાનની બધી શરતો સ્વીકારી નથી. માત્ર હમાસ જ નહિ પણ પેલેસ્ટાઇનના રાજકારણનું નજીકથી નિરીક્ષણ કરનારા પત્રકારો, એક્ટીવીસ્ટો અને સંશોધકોએ પણ આ પ્લાન સામે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.

પ્લાન પ્રમાણે શાસનની પ્રક્રિયામાં જેમની જમીન પર સંહાર થઇ રહ્યો છે, જેમના કલ્યાણ માટે શાંતિની જરૂર છે એવા પેલેસ્ટાઇનના લોકોનું કોઈ પ્રતિનિધત્વ જ નથી! હમાસના ગુનાઓને ઝાંખા પાડે એટલા અનેક અત્યાચાર કરી ગુનાઓની બધી સીમા વટાવી ચૂકેલા ઇઝરાયેલ માટે ઠપકાના બે શબ્દો પણ નથી! વક્રોક્તિ તો ત્યાં છે જ્યારે ટ્રમ્પની યોજના પ્રમાણે પેલેસ્ટાઈનવાસીઓને દેશ છોડવા માટે મજબૂર કરવામાં આવશે નહીં! અરે ભાઈ, આ એમનો દેશ છે. એ લોકો તો અહીં જ રહેવાનાં છે. દેખીતી રીતે દ્વિ-રાષ્ટ્રીય દરખાસ્તને સદંતર અવગણવામાં આવી છે!

પ્લાનનો પહેલો મુદ્દો ગાઝાને કટ્ટરપંથીઓથી મુક્ત કરવાનો છે. આ પ્રદેશની અશાંતિ માટે ઈઝરાઈલ પણ તો જવાબદાર છે જે અંગે પ્લાનમાં કોઈ ઉલ્લેખ નથી. યુદ્ધવિરામના પ્રયત્નો ઈઝરાઈલી હુમલાઓને કારણે પડી ભાંગ્યા છે એ હકીકત કેમ ભૂલાય? ઈઝરાઈલી સૈન્ય ગાઝામાંથી પાછા વળવા અંગે ત્રણ તબક્કા નક્કી કરવામાં આવ્યા છે પણ તેની શરતો ધૂંધળી છે તેમજ કોઈ ચોક્કસ સમયરેખા પણ નથી. આ ઉપરાંત, યુદ્ધ ગાઝામાં ચાલે છે એ બહાને છેલ્લાં બે વર્ષમાં વેસ્ટબેંક વિસ્તારના હજારથી પણ વધુ નાગરિકોને ઈઝરાઈલી દળોએ મારી નાંખ્યાં છે. જમીન કબજે કરવાના મિશનની ઝડપ વધી ગઈ છે. પેલેસ્ટાઈનની જમીન પચાવી ત્યાં રહેવા ઈઝરાયેલીઓને સબસીડી આપવાની નીતિ અશાંતિનાં બીજ રોપતી આવી છે એ અંગે ટ્રમ્પની શાંતિ દરખાસ્તને કશું કહેવાનું નથી.

પ્લાનમાં થયેલી દરખાસ્ત મુજબ પેલેસ્ટિનિયન સત્તા હાથમાં લે ત્યાં સુધી ‘બોર્ડ ઓફ પીસ’ નામની વચગાળાની સંસ્થાની દેખરેખ હેઠળ શાસન ચાલશે. આ બોર્ડનું સંચાલન ડોનાલ્ડ ટ્રમ્પ પોતે કરશે. ટોચની સમિતિમાં કોઈ પેલેસ્ટિનિયન નાગરિકનો ઉલ્લેખ નથી. એમના ભાગે માત્ર પ્લાનનું પાલન કરાવવાનું છે. ટોચની સમિતિમાં ભૂતપૂર્વ બ્રિટીશ વડા પ્રધાન ટોની બ્લેરનું નામ પણ છે, જેમની સામે મધ્ય-એશિયામાં થયેલા યુદ્ધના ગુનાઓમાં શામેલ હોવાનો આક્ષેપ હતો. સલાહકાર બોર્ડમાં એમની હાજરી પર આ વિસ્તારના નેતાઓને સ્વાભાવિક રીતે વિશ્વાસ પડે એમ નથી. વળી, ‘બોર્ડ ઓફ પીસ’ ના હાથમાં ક્યાં સુધી સંચાલન રહેશે અને ક્યારે પેલેસ્ટિનિયન લોકોને સત્તા સોંપવામાં આવશે એની કોઈ ચોક્કસ સમયરેખા નથી.

સંસ્થાનવાદી વૃત્તિ જગતમાંથી ગઈ નથી. દુનિયાના શક્તિશાળી દેશોને હજુ પણ લાગે છે કે તેઓ બધી રીતે ચડિયાતા છે અને દુનિયાના અન્ય ખૂણાની સાંસ્કૃતિક, રાજકીય અને આર્થિક બાબતોમાં તેમની દખલથી સૌનું ભલું થશે. વર્તમાન ખૂન-ખરાબાના મૂળમાં પણ સંસ્થાનવાદી ઈતિહાસ જ છે. જ્યારે શક્તિશાળી દેશોએ ભેગા થઇને નક્કી કરી લીધું કે યહુદીઓ માટે અલગ દેશ હશે અને સ્થાનિક લોકોને પૂછ્યા વગર દુનિયાભરમાંથી યહુદીઓને લાવી ઈઝરાઈલમાં વસાવ્યાં.

આજની તારીખમાં પેલેસ્ટિની લોકો માટે કોઈ પણ પ્રકારે શાંતિ સ્થપાય એ જરૂરી છે, મોતનો આ ખેલ તાત્કાલિક અટકાવવો જરૂરી છે. પણ, આવા કોઈ પ્લાનથી શાંતિ આવશે એવી ભ્રામક આશા સેવવામાંથી બચવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ કે સમુદાય માટે તેમની ગરિમા જળવાય એ ખૂબ જરૂરી છે. જગત જમાદારો જો સત્તાનો કબજો પોતાના હાથમાંથી છોડશે નહિ તો ફરીથી લોકોનો વિદ્રોહ એક યા બીજા પ્રકારે ઊભો થઇ શકે છે. હમાસ માત્ર થોડાં કટ્ટરપંથી લોકોનો સમૂહ નથી, એ એક વિચાર છે જે બીજા સ્વરૂપે ફરી ઊગી શકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top