મધ્ય પ્રદેશમાં કફ સીરપ અપાયા પછી એક ડઝન કરતા વધુ બાળકોના મોત થયા હોવાના અહેવાલોથી ફરી એક વાર બાળકો માટે જીવલેણ નિવડતી કફ સીરપ ચર્ચામાં આવી ગઇ છે. ભારતમાં આ પહેલી ઘટના નથી. ૨૦૧૯ ના શિયાળામાં, ભારતના જમ્મુ ક્ષેત્રમાં રહેતા ઘણા બાળકો બીમાર પડવા લાગ્યા જેને ઘણા લોકો રહસ્યમય બીમારી માનતા હતા. ખાંસી અને શરદીથી પીડાતા બાળકોને સ્થાનિક ડોકટરોએ કફ સિરપ લખી આપ્યું હતું. સ્વસ્થ થવાને બદલે, તેઓ ગંભીર રીતે બીમાર પડી ગયા, ઉલટી થવા લાગી, ખૂબ તાવ આવ્યો અને કિડની બંધ થઈ ગઈ.
રહસ્ય ઉકેલાયું ત્યાં સુધીમાં, બે મહિનાથી છ વર્ષની વયના ૧૧ બાળકો મૃત્યુ પામ્યા હતા. હાલમાં મધ્ય પ્રદેશમાં ૧૪ જેટલા બાળકો અને પાડોશના રાજસ્થાનમાં પણ કેટલાક બાળકો કફ સીરપને કારણે મૃત્યુ પામ્યા હોવાનું કહેવાય છે. આ તમામ બાળકોના મોત કિડનીની તકલીફને કારણે થયા છે અને તે તકલીફ દૂષિત કફ સીરપને કારણે ઉભી થઇ હોવાનું કહેવાય છે. મધ્ય પ્રદેશના છીંદવાડામાં શંકાસ્પદ કિડની ફેલ્યોરને કારણે ૧૪ બાળકોના મોત થયા પછી પોલીસે કથિત બેદરકારી બદલ એક ડોકટરની ધરપકડ કરી છે અને ઝેરી કફ સીરપના ઉત્પાદન સામે કેસ દાખલ કર્યો છે.
જેના કારણે આ મોત થયા હોવાનું કહેવાય છે તે કફ સીરપનું નામ કોલ્ડ્રિફ હોવાનું જાણવા મળે છે. મધ્યપ્રદેશ સરકારે કોલ્ડ્રિફ કફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે, અધિકારીઓએ જણાવ્યું છે કે દવાના નમૂનાઓમાં ખૂબ જ ઝેરી પદાર્થ મળી આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, કાંચીપુરમ (તમિલનાડુ) ના શ્રીસન ફાર્માસ્યુટિકલ દ્વારા ઉત્પાદિત કોલ્ડ્રિફ કફ સિરપ, છિંદવાડા જિલ્લાના પારસિયા વિસ્તારમાં ૧૧ બાળકોના મૃત્યુ માટે જવાબદાર છે. તેમણે જણાવ્યું હતું કે, કંપની અને ડૉ. પ્રવીણ સોની વિરુદ્ધ પરાસિયા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે, જેઓ અહીં સરકારી ડૉક્ટર હોવા છતાં, એક ખાનગી ક્લિનિકમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા અને સિરપ લખી આપી હતી.
પ્રાથમિક તપાસમાં એમ જાણવા મળ્યું છે કે આ કફ સીરપમાં કિડનીને ભારે નુકસાન કરી શકે તેવો પદાર્થ મોટા પ્રમાણમાં જણાયો છે. આ પહેલા પણ પરીક્ષણોમાં જાણવા મળ્યું કે એક ભારતીય દવા કંપની દ્વારા બનાવવામાં આવેલા કફ સિરપના ત્રણ નમૂનાઓમાં ડાયથિલિન ગ્લાયકોલ અથવા DEG, જે પેઇન્ટ, શાહી, બ્રેક પ્રવાહી બનાવવા માટે વપરાતું ઔદ્યોગિક દ્રાવક છે તેની હાજરી હતી. આ ઝેરી દારૂ પીધા પછી કિડની ફેલ્યોર સામાન્ય છે. થોડા સમય પહેલા આફ્રિકન દેશ ગામ્બિયામાં સંખ્યાબંધ બાળકોના મોત કફ સીરપથી નિપજ્યા હતા અને આ કફ સીરપ ત્યાં ભારતથી આયાત કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું.
આનાથી વૈશ્વિક સ્તરે પણ ભારતની પ્રતિષ્ઠાને ભારે નુકસાન થયું હતું. દૂષિત દવાઓ અને દુ:ખદ મૃત્યુઓએ ફરી એકવાર ભારતના 42 અબજ ડોલરના દવાના ધંધાને ચર્ચામાં લાવીને મૂકયો છે. ભારત મોટા પ્રમાણમાં જેનરીક દવાઓની નિકાસ કરે છે. આ દવાઓ નોન બ્રાન્ડેડ હોય છે અને તેના ઉત્પાદકો તેથી પોતાની બ્રાન્ડની પ્રતિષ્ઠાની બહુ ચિંતા કરતા નથી. પરંતુ દેશના ઔષધ નિયંત્રકે આના પર ધ્યાન આપવું જ જોઇએ. ભારતથી નિકાસ થતી દવાઓ, ખાસ કરીને જેનરીક દવાઓ અંગે વિશ્વભરમાં પ્રતિકુળ અભિપ્રાય ઉભો થશે તો ભારતના દવા ઉદ્યોગને ભારે નુકસાન થશે. આપણા વડાપ્રધાન ભારતને દુનિયાનું ફાર્મા હબ બનાવવા માગે છે ત્યારે આવી ઘટનાઓ ભારતની પ્રતિષ્ઠાને ધૂળમાં મેળવી શકે છે.
ભારતની પ્રખ્યાત રેનબેક્સી લેબોરેટરીઝની એક ફેક્ટરીને દવાઓના અયોગ્ય ઉત્પાદન માટે અમેરિકામાં ૫૦૦ મિલિયન ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો જેનેરિક્સ બનાવવામાં ભારતની પરંપરાગત કુશળતાએ તેને દવાઓનો એક પ્રચંડ ઓછી કિંમતનો ઉત્પાદક બનાવવામાં અને વૈશ્વિક ઉત્પાદન આધાર બનવામાં મદદ કરી છે. યુએસમાં વેચાતી ઓવર-ધ-કાઉન્ટર અને જેનેરિક દવાઓમાંથી લગભગ ૪૦% અને યુકેમાં વિતરિત થતી બધી દવાઓનો એક ચતુર્થાંશ ભાગ ભારતમાંથી આવે છે. દેશ HIV સામે લડવા માટે વૈશ્વિક સ્તરે લગભગ બે તૃતીયાંશ એન્ટિ-રેટ્રોવાયરલ દવાઓનો સપ્લાય કરે છે. અમેરિકાની બહાર, ભારતમાં સૌથી વધુ દવા બનાવતા પ્લાન્ટ છે – 800 – જે અમેરિકાની આરોગ્ય અને સલામતીની જરૂરિયાતોનું પાલન કરે છે. છતાં ભારતનો દવા ઉદ્યોગ ગુણવત્તાની સમસ્યાઓ અને નબળા નિયમનના આરોપોથી ઘેરાયેલો છે. સરકારે આ બાબતે ગંભીરતાથી વિચારવું જ જોઇએ.