આસામમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ને મોટો ઝટકો લાગ્યો છે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ચાર વખત ભાજપના સાંસદ રહી ચૂકેલા રાજેન ગોહૈને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. તેઓ રાજીનામા સુપરત કરવામાં અન્ય 17 સભ્યો સાથે જોડાયા છે. રાજેન ગોહૈને રાજ્ય ભાજપ પ્રમુખ દિલીપ સૈકિયાને લખેલા પત્રમાં પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ તાત્કાલિક અસરથી પ્રાથમિક સભ્યપદ અને પાર્ટીની તમામ જવાબદારીઓ છોડી રહ્યા છે.
આ કારણે ભાજપ નેતાએ રાજીનામું આપ્યું
સૂત્રો અનુસાર રાજીનામું આપનારા મોટાભાગના સભ્યો ઉપલા અને મધ્ય આસામના છે. પત્રકારો સાથે વાત કરતા રાજેન ગોહૈને કહ્યું કે તેમણે રાજીનામું આપ્યું કારણ કે પાર્ટી “આસામના લોકોને આપેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળ ગઈ અને બહારના લોકોને રાજ્યમાં સ્થાયી થવા દેતી વખતે સ્થાનિક સમુદાયો સાથે દગો કર્યો.”
જણાવી દઈએ કે હાલમાં આસામમાં મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માના નેતૃત્વ હેઠળની સરકાર સત્તામાં છે. ઉત્તરપૂર્વીય રાજ્ય આસામમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. ભાજપ આસામમાં જીતની હેટ્રિક મેળવવાનું લક્ષ્ય રાખી રહી છે. પરંતુ ગોહેન સહિત 18 નેતાઓના રાજીનામાને કારણે ભાજપને મોટો ફટકો પડ્યો છે.
ગોહૈને 1999 થી 2019 સુધી નાગાંવથી સંસદ સભ્ય તરીકે સેવા આપી
રાજેન ગોહૈન ૧૯૯૯ થી ૨૦૧૯ સુધી નાગાંવ સંસદીય મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હતા અને ૨૦૧૬ થી ૨૦૧૯ સુધી રેલ્વે મંત્રાલયમાં રાજ્યમંત્રી તરીકે સેવા આપી હતી. ભાજપમાં તેમના સમય દરમિયાન તેમણે પક્ષના પ્રદેશ પ્રમુખ તરીકે પણ સેવા આપી હતી. તેઓ ચાના બગીચાના માલિક પણ છે અને અન્ય ઘણા ક્ષેત્રોમાં તેમનો નોંધપાત્ર પ્રભાવ છે. તેમના જવાથી રાજ્યમાં ભાજપને નોંધપાત્ર નુકસાન થઈ શકે છે.