Charchapatra

સાયબર ઠગનો નવો પેંતરો

જુના સિક્કા  અને જુની નોટોની ખરીદી કરનારા સોશ્યલ મીડિયા પર લોભામણી ઓફર આપે છે. ટ્રેક્ટર વાળી પાંચ રૂપિયાની  નોટના દસ લાખ રૂપિયા અને 786 નંબરવાળી નોટો  તેમજ જુના સિક્કાઓના પણ લાખો રૂપિયાની કિંમતની ઓફર થાય છે. હમણાં જ મેં સોશ્યલ મીડિયા પર એક વીડિયો જોયો જેમાં રીલ બનાવનાર ભાઈ  નોટ લેનાર ભાઈ સાથેનો વાર્તાલાપ ઉજાગર કર્યો ઠગલોકો કેવી રીતે લોકોને વિશ્વાસમાં લઈ અને પછી ઠગવામાં આવે છે તેને પૂરેપૂરી વિગતો એ રીલ થકી જાણવા મળી. નોટ કે સિક્કા ખરીદનારાઓ પહેલા તો ગ્રાહકોને વિશ્વાસમાં લઇ તેમની સાથે ફોન પર જ સોદો કરે છે અને પછી કહે છે કે તમારી નોટના બદલામાં અમારો માણસ કલાક બે કલાકમાં જ તમારા ઘરે પૈસા લઈને પહોંચી જશે.

પરંતુ તે પહેલા તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને રજીસ્ટ્રેશનની ફી ભરવાની રહેશે. ફી ભર્યા પછી  સિક્કા કે નોટ લેવા કે પૈસા આપવા કોઈ આવતું નથી કે ફરી ક્યારેય એનો ફોન એક્ટિવેટ થતો નથી અને આવી રીતે વિશ્વાસમાં લઈ લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે છેતરાયા પછી કોઈ પોલીસ ને ફરિયાદ કરતું નથી. આપણે ત્યા સાઇબર ગુના થતા રોકવા માટે પોલીસ જો પહેલેથી સક્રિય થાય અને આવી લાખો રૂપિયાની લોભામણી ઓફર આપનારા ઠગો સામે પહેલેથી જ પગલાં લેવામા આવે તો આવા ગુનેગારો કાનૂનના સકંજામાં આવી શકે છે.
સુરત     – વિજય તુઈવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top