Columns

નિષ્ણાતો કહે છે કે સોનાના ભાવમાં જોવા મળતી તેજી હાલમાં ચાલુ જ રહેશે

બુધવારે ભારતમાં દસ ગ્રામ સોનાનો ભાવ ૧,૨૨,૦૦૦ રૂપિયાને વટાવી ગયો હતો. નિષ્ણાતો આગામી મહિનાઓમાં સોનાના ભાવમાં વધારો ચાલુ રહેવાની અપેક્ષા રાખે છે. ફોર્બ્સ ઈન્ડિયા અનુસાર વર્ષ ૨૦૦૦ માં પ્રતિ દસ ગ્રામ સોનાનો ભાવ ૪,૪૦૦ રૂપિયા હતો. ૨૦૧૦ માં તે વધીને ૨૦,૭૨૮ રૂપિયા થયો અને ૨૦૨૦ માં ૫૦,૧૫૧ રૂપિયા પર પહોંચી ગયો હતો. છેલ્લાં પાંચ વર્ષમાં જ સોનાનો ભાવ એક લાખ રૂપિયાને પાર કરી ગયો છે. છેલ્લાં ૨૫ વર્ષમાં સોનાના ભાવમાં લગભગ ૨૫ ગણો વધારો થયો છે. રોકાણકારો જાણવા માગે છે કે સોનાના ભાવમાં વધારો થવાનો આ ટ્રેન્ડ ક્યાં સુધી ચાલુ રહેશે અને શું નજીકના ભવિષ્યમાં આ ભાવ ઘટી શકે છે? ભારતમાં તહેવારો અને લગ્નની મોસમ દરમિયાન સોનાની માંગને તથા વિશ્વબજારને ધ્યાનમાં લેતાં નિષ્ણાતો માને છે કે સોનાના ભાવમાં વધારો ટૂંક સમયમાં બંધ થાય તેવું લાગતું નથી.

સોનાના ભાવમાં ઝડપી વધારા પાછળ ઘણાં કારણો જવાબદાર છે. આ પાછળનું સૌથી મૂળભૂત કારણ એ છે કે વિશ્વભરમાં ઘણી જગ્યાએ ચાલી રહેલા લશ્કરી સંઘર્ષો અને આર્થિક ઉથલપાથલ વચ્ચે લોકો સોનાને સુરક્ષિત રોકાણ માને છે. જો આપણે પાછલાં વર્ષોનાં વલણો પર નજર કરીએ તો સોનામાં રોકાણ ક્યારેય ખોટ કરતો સોદો રહ્યો નથી. ઇકોનોમિક ટાઇમ્સના હેવાલ અનુસાર છેલ્લાં ૨૦ વર્ષમાં ફક્ત ચાર વર્ષ એવાં રહ્યાં છે, જ્યારે સોનાના ભાવમાં ઘટાડો થયો હોય, જેના પરિણામે રોકાણકારોને થોડું પણ નુકસાન થયું હોય.

જો કે, આ નુકસાન સિંગલ ડિજિટ સુધી મર્યાદિત હતું. ઉદાહરણ તરીકે વર્ષ ૨૦૧૩માં સોનાના ભાવમાં ૪.૫૦ ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે ૨૦૧૪માં ૭.૯ ટકાનો ઘટાડો થયો હતો, ૨૦૧૫માં ૬.૬૫ ટકાનો ઘટાડો થયો હતો અને વર્ષ ૨૦૨૧માં સોનાના ભાવમાં ૪.૨૧ ટકાનો ઘટાડો થયો હતો. જ્યારે પણ વિશ્વભરના શેરબજારોમાં ઉથલપાથલ હોય છે, ત્યારે સોનામાં રોકાણ વધારવું અનિવાર્ય બની જાય છે. સોનાના ભાવમાં વધારાનું બીજું એક મોટું કારણ કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદીમાં થયેલો વધારો છે.

ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન ટેરિફ અંગેની અનિશ્ચિતતા અને વૈશ્વિક બજારોમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે વિશ્વભરની કેન્દ્રીય બેંકો વધુ ને વધુ સોનું ખરીદી રહી છે. સોનાના ભાવમાં વધારો થવા છતાં, વિશ્વભરની કેન્દ્રીય બેંકો તેમના વિદેશી હૂંડિયામણમાં વૈવિધ્ય લાવવા અને અમેરિકન ડોલર પરની તેમની નિર્ભરતા ઘટાડવા માટે સોનું ખરીદી રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા અનુસાર ગયા ઓગસ્ટ મહિનામાં વિશ્વભરની કેન્દ્રીય બેંકોએ તેમના ભંડારમાં ચોખ્ખું ૧૫ ટન સોનું ઉમેર્યું છે. ગોલ્ડમેન સૅક્સના એક રિપોર્ટ મુજબ, જો યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં ઘટાડો કરે છે, તો રોકાણકારો સોના તરફ વળે છે અને જ્યારે વધુ ને વધુ લોકો સોનામાં રોકાણ કરવાનું શરૂ કરે છે, ત્યારે સોનાની કિંમત પણ વધે છે. નિષ્ણાતો કહે છે કે જ્યારે કોઈ દેશ ડોલરથી દૂર જાય છે અથવા તેનાથી દૂર થઈ જાય છે, ત્યારે તેને ડી-ડોલરાઇઝેશન કહેવામાં આવે છે.

દેશો ઘણી વાર તેમના વિદેશી હૂંડિયામણ ભંડારમાં અનામતના રૂપમાં અમેરિકન ડોલર અથવા યુએસ ટ્રેઝરી બોન્ડ રાખે છે અને તેમાં સતત વધારો કરે છે કારણ કે તેમને ક્રુડ તેલ અથવા અન્ય માલની આયાત માટે ડોલરમાં ચૂકવણી કરવી પડે છે. ડોલરના સંદર્ભમાં આ વલણ વર્ષોથી ચાલી રહ્યું છે. જો કે, તાજેતરનાં વર્ષોમાં, અમેરિકાની મનસ્વી નીતિઓએ ઘણા દેશોમાં ડોલર અંગે ચિંતા વ્યક્ત કરી છે. ૨૦૧૫ અને ૨૦૧૬માં અમેરિકા દ્વારા રશિયા પર વિવિધ પ્રતિબંધો લાદવામાં આવ્યા બાદ કેટલાક દેશોનો ડોલર પરનો ભરોસો ઊઠી ગયો છે. આ કારણે વિશ્વની ઘણી સેન્ટ્રલ બેન્કો તેમના ડોલર કે ટ્રેઝરી બોન્ડ વેચીને સોનું ખરીદી રહી છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા અનુસાર, છેલ્લા દાયકામાં વિશ્વભરની કેન્દ્રીય બેંકોએ તેમના સોનાના ભંડારમાં લગભગ બમણો વધારો કર્યો છે. આ દર્શાવે છે કે વિશ્વભરના દેશો સોનાને વિશ્વસનીય વૈશ્વિક સંપત્તિ માને છે. ભારતે પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેના સોનાના ભંડારમાં સતત વધારો કર્યો છે. બીજું મુખ્ય પરિબળ યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા સપ્ટેમ્બર ૨૦૨૫માં ૦.૨૫ ટકા વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત છે. જો શ્રમ બજારના ડેટા નબળા રહેશે તો વધુ દર ઘટાડાની શક્યતા છે.

જ્યારે અમેરિકામાં વ્યાજ દર ઘટે છે, ત્યારે ડોલર નબળો પડે છે, જેના કારણે સોનાના ભાવમાં વધારો થાય છે, કારણ કે રોકાણકારો સુરક્ષિત આશ્રયસ્થાનો શોધે છે. વધુમાં રશિયા-યુક્રેન યુદ્ધ, મધ્ય પૂર્વમાં તણાવ અને અસમાન વૈશ્વિક આર્થિક વૃદ્ધિએ પણ રોકાણકારોને સોના તરફ આકર્ષિત કર્યા છે. ભારતીય રૂપિયાના નબળા પડવાથી આ વધારાને વધુ વેગ મળ્યો છે. જ્યારે ડોલર સામે રૂપિયો નબળો પડે છે, ત્યારે આયાતી સોનું વધુ મોંઘુ બને છે, જેના કારણે સ્થાનિક બજારમાં ભાવ ઊંચા આવે છે.

છેલ્લાં ૩૦ વર્ષોમાં, સોનાએ રૂપિયાના સંદર્ભમાં આશરે ૧૧ ટકા વાર્ષિક વળતર આપ્યું છે, જે ડોલરના સંદર્ભમાં આશરે ૭.૬ ટકા છે. આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં ૬૦ ટકાથી વધુનો વધારો થયો છે. જાન્યુઆરી ૨૦૦૮ થી ઓગસ્ટ ૨૦૧૧ દરમિયાન સોનાના ભાવમાં લગભગ ૧૦૦ ટકાનો વધારો થયો હતો અને જાન્યુઆરી અને ઓગસ્ટ ૨૦૨૦ દરમિયાન આશરે ૫૩ ટકાનો વધારો નોંધાયો હતો. આ વખતે પણ, સોનું ૪,૦૦૦ ડોલર પ્રતિ ઔંસના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. અમેરિકન સરકાર બંધ થવાથી બજારોમાં અનિશ્ચિતતા વધી ગઈ છે, જેના કારણે રોકાણકારો સુરક્ષિત સ્વર્ગ તરીકે સોના તરફ વળ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૫માં સોનું ૭૮-૮૦ હજાર રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામમાં વેચાતું હતું, હવે તેની કિંમત ૧ લાખ ૨૫ હજાર રૂપિયાની નજીક પહોંચી ગઈ છે. ઓગસ્ટમાં દુનિયાની મધ્યસ્થ બેંકોએ ૧૫ ટન સોનું ખરીદ્યું હતું. રસપ્રદ વાત એ છે કે કઝાકિસ્તાનની મધ્યસ્થ બેંકે ઓગસ્ટમાં અડધું, એટલે કે ૮ ટન સોનું ખરીદ્યું હતું. આનાથી તેનો સોનાનો ભંડાર ૩૦૮ ટન થયો છે. બલ્ગેરિયા, તુર્કી અને ચીનની મધ્યસ્થ બેંકોએ પણ ૨-૨ ટન ખરીદ્યું છે.

ચીનની મધ્યસ્થ બેંકે સતત દસમા મહિને સોનું ખરીદ્યું. આનાથી ચીનની મધ્યસ્થ બેંકનો સોનાનો ભંડાર પહેલી વાર ૨,૩૦૦ ટનથી વધુ થયો છે. જો કે, અમેરિકાની સેન્ટ્રલ બેંક સોનાના ભંડારમાં અગ્રેસર છે. વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાની મધ્યસ્થ બેંક ફેડરલ રિઝર્વ ૮,૧૩૩ ટન સોનું ધરાવે છે. રસપ્રદ વાત એ છે કે અમેરિકાનો સોનાનો ભંડાર છેલ્લાં ૨૫ વર્ષમાં યથાવત્ રહ્યો છે. RBI એ ૨૦૨૫ ના પહેલા આઠ મહિનામાં ત્રણ વાર સોનું ખરીદ્યું હતું. WGC એ જણાવ્યું હતું કે RBI એ જાન્યુઆરીથી ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન માત્ર ૩.૮ ટન સોનું ખરીદ્યું હતું, જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળામાં તેણે ૪૫.૪ ટન સોનું ખરીદ્યું હતું. ૨૯ ઓગસ્ટ સુધીમાં, RBI પાસે કુલ ૮૭૯.૯૮ ટન સોનું હતું.

ભારત સહિત એશિયન દેશોમાં સોનાને મૂડી તરીકે જોવામાં આવે છે. સોનું ખરીદવું એ લાંબા સમયથી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ રહ્યો છે. દિવાળી અને નવરાત્રી જેવા તહેવારો હોય કે લગ્ન અને નિકાહ, ભારતીયો માટે સોનું ખરીદવું મહત્ત્વપૂર્ણ બની જાય છે. જ્યારે વિશ્વભરના વિવિધ દેશોમાં લોકો તેમની આવકનો સરેરાશ ૨ થી ૩ ટકા સોનાના રૂપમાં રાખે છે, ત્યારે ભારતમાં આ હિસ્સો ૧૬ ટકા સુધીનો છે. આવી સ્થિતિમાં, તમારા મનમાં એક પ્રશ્ન ઉદ્ભવી શકે છે કે સોનાના આસમાને પહોંચેલા ભાવ હોવા છતાં, શું ભારતીયો એ જ ગતિએ સોનું ખરીદી રહ્યા છે કે આ ગતિ થોડી ધીમી પડી ગઈ છે? ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસીએશનના પ્રવક્તા સુરિન્દર મહેતાએ જણાવ્યું હતું કે ઘરેણાંના વેચાણમાં ૨૭ ટકાનો ઘટાડો થયો છે, પરંતુ સિક્કા અને સોના-ચાંદીના વેચાણમાં વધારો થયો છે. ભારતભરમાં લોકો મોટી સંખ્યામાં સોનું ખરીદી રહ્યા છે.

ભારત સરકારના નાણાં મંત્રાલયના એક નિવેદન અનુસાર સોનું અને ઝવેરાત રાખવા પર કોઈ મર્યાદા નથી. કોઈ પણ વ્યક્તિ પોતાની આવક અનુસાર ગમે તેટલી માત્રામાં સોનું ખરીદી શકે છે અથવા રાખી શકે છે. જો પૂછપરછ અથવા તપાસ દરમિયાન તેઓ તેનો કાયદેસર સ્રોત સાબિત કરી શકે અને જો જરૂરી હોય તો બિલ અને રસીદો પણ મેળવી શકે છે. એક પરિણીત મહિલા ૫૦૦ ગ્રામ સુધીનું સોનું રાખી શકે છે અને એક અપરિણીત મહિલા ૨૫૦ ગ્રામ સુધીનું સોનું રાખી શકે છે. આ સાથે, પરિણીત અને અપરિણીત બંને પુરુષો ૧૦૦ ગ્રામ સુધીનું સોનું રાખી શકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top