Columns

આ ભગવાનનું ઘર છે

બેંકમાં એક વૃધ્ધ કાકાએ કાંપતા હાથે પેન પકડીને આજુબાજુ જોયું એક કોલેજીયન યુવાન સાથે નજર એક થઈ યુવાને પાસે જઈને પૂછ્યું, ‘કાકા શું થયું? કઈ મદદ કરું?’ કાકા બોલ્યા, ‘ભાઈ મારો હાથ ધ્રુજે છે તું મને સ્લીપ ભરી આપીશ?’ કોલેજીયન યુવાને કાકાએ કહ્યું તે પ્રમાણે સ્લીપ ભરી આપી. કાકાએ કેશિયરને આપીને પૈસા લીધા અને યુવાનને કહ્યું જરા બરાબર ગણી આપ અને પછી થેન્કયુ કહીને બેન્કની બહાર નીકળ્યા. કોલેજીયન યુવાન પણ પોતાનું કામ પૂરું કરી બેન્કની બહાર આવ્યો જોયું તો કાકા રીક્ષા શોધી રહ્યા હતા. યુવાને તેમની પાસે જઈને કહ્યું, ‘કાકા, વાંધો ન હોય તો હું તમને ઘરે મૂકી જાઉં? તમારું ઘર ક્યાં છે?’ કાકા એ હા પડતા કહ્યું, ‘હું ભગવાનના ઘરમાં રહું છું તે ચાર રસ્તા ચોક પાસે છે.’

યુવાનને આવો જવાબ સાંભળી કંઈક વિચિત્ર લાગ્યું પણ તેણે હસીને કહ્યું, ‘કાકા બાઈક પર ફાવશે ને?’કાકા યુવાનનો ખભો પકડી બાઈક પર બેસી ગયા અને પોતાના આલીશાન બંગલા પર પહોંચ્યા. કાકાને કોઈ અજાણ્યા સાથે આવેલા જોઇને કાકી બહાર દોડી આવ્યા બોલ્યા, ‘શું થયું ?’કાકા બોલ્યા, ‘મને કંઈ નથી થયું? આ તો ભગવાને મદદગાર મોકલી આપ્યો એટલે બેન્કનું કામ કરી લીધું અને રીક્ષા નહોતી મળતી એટલે આ દીકરો મૂકવા પણ આવ્યો.’

કાકીએ યુવાનને કહ્યું, ‘ભાઈ ચલ અંદર આ ભગવાનના ઘરમાં તારું સ્વાગત છે. ચા બનવું કે કોફી?’ કાકા યુવાનને હાથ પકડી અંદર લઇ ગયા, ચાલતા ચાલતા કહેવા લાગ્યા, ‘આ ભગવાનનું ઘર છે એમાં અમે બંને જ રહીએ છીએ બાળકો વિદેશ છે.’ હવે યુવાનથી ન રહેવાયું તેણે પૂછ્યું, ‘કાકા આ તમારું ઘર છે તો પછી તમે દર વખતે ભગવાનનું ઘર… ભગવાનનું ઘર એમ કેમ બોલો છો.’

કાકા હસ્યા અને બોલ્યા, ‘યુવાન દોસ્ત બેસ, અમારા ઘરમાં અનેક વર્ષોથી પરંપરા છે કે અમે ઘરને ભગવાનનું ઘર જ કહીએ છીએ અને અમે ભગવાનની સાથે રહીએ છીએ.ભગવાનના ઘરમાં ભગવાનની સાથે રહેવાનો આનંદ અમે જીવતેજીવ રોજે રોજ માણીએ છીએ. લોકો મૃત્યુ પામે ત્યારે ભગવાનના ઘરે જાય છે અને તેમનું સાનિધ્ય મેળવે છે પરંતુ અમે તો આખું જીવન ભગવાની સાથે જ રહીએ છીએ.’

કાકી કોફી અને નાસ્તો લઈને આવ્યા અને બોલ્યા, ‘ચા દીકરા થાકી ગયો હોઈશ થોડો પ્રસાદ લઇ લે.’ યુવાન આ અનોખી રીત જાણીને અચંબિત થયો કાકીએ પૂછ્યું, ‘દીકરા તારું નામ શું છે?’ યુવાન બોલ્યો, ‘શ્યામ’ કાકા બોલ્યા, ‘અરે વાહ મારા ભગવાનનું નામ તેને જ તને મને મદદ કરવાની પ્રેરણા આપી હશે.’ યુવાન બોલ્યો, ‘હા, કાકા એવું જ હશે તમારી પાસેથી આજે મને અનોખી રીત શીખવા મળી હું પણ યાદ રાખીશ અને બધાને કહીશ કે હું પણ ભગવાનના ઘરમાં રહું છું.’

Most Popular

To Top