વન ડેની કેપ્ટનશીપ ગુમાવ્યા બાદ પહેલીવાર રોહિત શર્મા કોઈ જાહેર કાર્યક્રમમાં આવ્યો છે અને તેણે પોતાની પ્રતિક્રિયા આપી છે.
ઓસ્ટ્રેલિયા સામેની ODI શ્રેણી પહેલા રોહિત શર્માએ પોતાની પ્રતિક્રિયા આપી છે. આ શ્રેણી પહેલા BCCI એ એક મોટો ફેરફાર કર્યો છે, શુભમન ગિલને ભારતના નવા ODI કેપ્ટન અને શ્રેયસ ઐયરને ઉપ-કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે.
રોહિત અને વિરાટ કોહલીને ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે પરંતુ તેમને કોઈ જવાબદારી સોંપવામાં આવી નથી. આ નિર્ણય ઘણા ચાહકો અને અનુભવી ખેલાડીઓ માટે આશ્ચર્યજનક હતો, કારણ કે રોહિતની કેપ્ટનશીપ હેઠળ ભારતે માર્ચ 2025 માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. હવે ODI કેપ્ટનશીપ છીનવી લેવામાં આવ્યા પછી રોહિતની પ્રતિક્રિયા પહેલી વાર સામે આવી છે.
હિટમેને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો. મંગળવારે CEAT એવોર્ડ સમારોહ દરમિયાન, તેણે કહ્યું, “મને ઓસ્ટ્રેલિયા સામે રમવાનું અને ત્યાં રમવા જવાનું ખૂબ ગમે છે. ત્યાંના લોકો ક્રિકેટને ખૂબ પ્રેમ કરે છે.”
જોકે તેમણે કેપ્ટનશીપ ગુમાવવા અંગે સીધો જવાબ આપ્યો ન હતો, પરંતુ તેમના નિવેદન પરથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું કે તેઓ આ ફેરફારથી વધુ ચિંતિત નથી અને આગામી શ્રેણીને લઈને ઉત્સાહિત છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ખેલાડી તરીકે રમશે
અહેવાલો અનુસાર, રોહિત શર્મા હવે ઓસ્ટ્રેલિયામાં એક ખેલાડી તરીકે ODI શ્રેણીમાં ભાગ લેશે. ટીમ ઈન્ડિયા આ પ્રવાસ પર ત્રણ ODI મેચ રમશે. પહેલી મેચ 19 ઓક્ટોબરે રમાશે. ઘણા ક્રિકેટ નિષ્ણાતો માને છે કે આ ODI શ્રેણી રોહિત શર્મા અને વિરાટ કોહલી બંનેના આંતરરાષ્ટ્રીય કારકિર્દીની છેલ્લી ODI શ્રેણી સાબિત થઈ શકે છે.
રોહિતે કોચ દ્રવિડના વખાણ કર્યા
મંગળવારે રાત્રે મુંબઈમાં CEAT ક્રિકેટ રેટિંગ એવોર્ડ સમારોહમાં, રોહિત શર્માએ સ્વીકાર્યું કે ભૂતપૂર્વ કોચ રાહુલ દ્રવિડના કાર્યકાળ દરમિયાન નક્કી કરાયેલી યોજનાનું પાલન કરવાથી ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી શકી. રોહિતે કહ્યું, મને તે ટીમ અને તેમની સાથે રમવાનું ખૂબ ગમે છે. અમે બધા વર્ષોથી આ સફરમાં છીએ. તે એક કે બે વર્ષનો પ્રોજેક્ટ નહોતો. તે લાંબા ગાળાનો પ્રયાસ હતો. અમે ઘણી વખત ટ્રોફી જીતવાની ખૂબ નજીક પહોંચ્યા પણ શક્યા નહીં. ત્યારે બધાએ નક્કી કર્યું કે અમારે કંઈક અલગ કરવાની જરૂર છે, અને તેને જોવાની બે રીત છે.
તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેનારા બધા ખેલાડીઓએ મેચ કેવી રીતે જીતવી, પોતાને કેવી રીતે પડકાર આપવો અને આત્મસંતુષ્ટ ન થવું અને કોઈ પણ બાબતને હળવાશથી ન લેવી તે વિશે વિચાર્યું. જ્યારે અમે T20 વર્લ્ડ કપની તૈયારી કરી રહ્યા હતા ત્યારે આ પ્રક્રિયાએ રાહુલ ભાઈ અને મને ખૂબ મદદ કરી. અમે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ આ વાતને જાળવી રાખી.
નોંધનીય છે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ગંભીર કોચ હોવા છતાં રોહિતે પૂર્વ કોચ રાહુલ દ્રવિડના વખાણ કરતા રોહિત-ગંભીર વચ્ચે કંઈક ગરબડ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અગરકરનું નિવેદન પણ ચર્ચામાં
અગાઉ BCCI ના મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે જણાવ્યું હતું કે રોહિતને કેપ્ટનશીપમાં ફેરફારની જાણ કરવામાં આવી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું રોહિત અને કોહલી 2027 ODI વર્લ્ડ કપ સુધી રમવાનું ચાલુ રાખશે, ત્યારે તેમણે કહ્યું, “હાલ તે આ ફોર્મેટમાં રમી રહ્યો છે અને તેથી જ તેને ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. અત્યારે 2027 વર્લ્ડ કપ વિશે વાત કરવાની જરૂર નથી. કેપ્ટનશીપમાં ફેરફાર સાથે આ સામાન્ય વિચારસરણી છે.”
રોહિતે આ નિર્ણય કેવી રીતે લીધો તે પૂછવામાં આવતા, અગરકરે કહ્યું, “તે મારા અને રોહિત વચ્ચેનો છે. પરંતુ જેમ મેં કહ્યું, તેને જાણ કરવામાં આવી છે.”
અગરકરે એ પણ સ્પષ્ટતા કરી હતી કે આજકાલ બહુ ઓછી ODI મેચ રમાઈ રહી છે, તેથી ત્રણ અલગ અલગ કેપ્ટનની નિમણૂક ટીમની યોજનાઓને અસર કરી શકે છે.