Gujarat

MPમાં 16 બાળકોના મોતઃ કફ સિરપનું ઉત્પાદન કરતી ગુજરાતની 500 કંપનીમાં તપાસના આદેશ

મધ્યપ્રદેશના છિંદવાડામાં કફ સિરપ પીધા બાદ કિડની ફેલ્યોરના કારણે 16 બાળકોના મોતની ઘટના બાદ સમગ્ર દેશના આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. મધ્ય પ્રદેશ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસમાં ગુજરાતની કંપનીઓમાં બનેલી રીલાઈફ અને રેસ્પિફ્રેસ ટીઆર નામની કફ સિરપમાં ખતરનાક કેમિકલ ડાયએથિલિન ગ્લાઈકોલનું પ્રમાણ નિયત મર્યાદા કરતા વધુ મળ્યું છે, તેને પગલે તપાસનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો છે. આ તરફ ગુજરાત સરકાર પણ એલર્ટ થઈ છે. ગુજરાતમાં કફ સિરપ બનાવતી 500 કંપનીઓમાં તપાસના આદેશ અપાયા છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે રાજ્યમાં અંદાજિત 500 જેટલી કંપનીમાં કફ સિરપનું ઉત્પાદન થાય છે. આ તમામ કંપનીમાં કફ સિરપની ગુણવત્તાની તપાસ કરવા આદેશ અપાયા છે. ભારત સરકારની એડવાઈઝરી જાહેર કરાઈ છે. તેના આધારે ગુજરાત સરકાર પણ ટૂંક સમયમાં એડવાઈઝરી જાહેર કરશે.

શું છે મામલો?
છેલ્લાં પંદરથી વીસ દિવસના ટૂંકા ગાળામાં મધ્ય પ્રદેશના છિંદવાડામાં કિડની ફેલ થવાના લીધે 16 બાળકોના મોત થયા છે. આ તમામ બાળકોના મોત પાછળ કફ સિરપ જવાબદાર હોવાનું બહાર આવતા મધ્યપ્રદેશના આરોગ્ય તંત્રમાં હોબાળો મચી ગયો છે. દરમિયાન છિંદવાડાની ઘટનાની તપાસમાં MFG-M/s Shape pharma Pvt. Ltd.માં બનેલી રી લાઈફ અને MFG- M/s Rednonex Pharmaceuticals Pvt. Ltd.માં બનેલી રેસ્પિફ્રેસ ટીઆર નામની કફ સિરપમાં ખતરનાક કેમિકલ ડાયએથિલિન ગ્લાઈકોલનું પ્રમાણ વધુ મળ્યું છે. તેથી મધ્યપ્રદેશ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આ બંને સિરપ પર પ્રતિબંધ લગાવવાની કાર્યવાહી શરૂ કરાઈ છે.

Most Popular

To Top