એક પારસી કાકા પોતાની ૨૫ વર્ષ જૂની ગાડીને પણ રોજ ચમકાવતા, સાફ પણ જાતે કરતા અને પોતે જ ચલાવતા. કોઈ ડ્રાઈવર કે ઘરના સભ્યને પણ પોતાની ગાડી ચલાવવા ન દેતા. દર મહિને અચૂક સર્વિસિંગ માટે મોકલતા અને તેમની આ માવજતનું જ પરિણામ હતું કે તેમની ૨૫ વર્ષ જૂની ગાડી આજે પણ નવી નક્કોર લાગતી અને ૨૫ વર્ષમાં એક વાર પણ બગડી ન હતી કે રીપેર કરાવવી પડી ન હતી.
પારસી કાકાનો જન્મદિવસ હતો અને ઘરમાં જ નાનકડી પાર્ટી ગોઠવવામાં આવી હતી.મસ્તી મજાક ચાલી રહી હતી, તેમના નાના ભાઈએ મજાક કરી કે મારો મોટો ભાઈ ઘર, ગાડી અને ભાભીનું જે ધ્યાન રાખે છે તેવું તો કોઈ નહિ રાખતું હોય…ન ગાડીનું સર્વિસિંગ ભૂલે …ન ઘરનો પ્રોપર્ટી ટેક્સ…ન પત્નીનો બર્થ ડે કે એનીવર્સરી ભૂલે અને ન ઘરના કોઈની અચીવમેન્ટ સેલિબ્રેશન કરવાનું બાકી રાખે એટલે જ બધા તેને બહુ પ્રેમ કરે છે. પારસી કાકા બોલ્યા, ‘ભલે, મારી મજાક ઉડાડો પણ મારી પાસેથી આ બધું કરતાં શીખી જાવ તો હંમેશા મજ્જામાં રહેશો સમજયા. હું આ લેસન જાપાનથી શીખીને આવ્યો છું. તે તમને જણાવું છું.’ બધા વાત જાણવા આતુર બન્યાં. પારસી કાકાએ વાત શરૂ કરી…
હું જયારે ૨૪-૨૫ વર્ષનો હતો ત્યારે જાપાન ગયો હતો. ત્યાં જાપાની બિઝનેસમેન પોતાની ગાડીનું જીવની જેમ ધ્યાન રાખતો હતો તે મેં ત્રણ દિવસમાં જોયું. મેં તેમને પૂછ્યું હતું કે ગાડીનું ધ્યાન રાખવામાં આટલી બધી મહેનત અને સમય કેમ વેડફો છો; છે તો એક મશીન, બગડી જશે તો રીપેર થઈ જશે. જાપાની બિઝનેસમેન વયસ્ક હતા. તેમણે કહ્યું, ‘અહીં અમે દરેક વસ્તુ અને વ્યક્તિની બહુ કિંમત કરીએ છીએ અને જાળવીએ છીએ. કર હોય, મશીન હોય, ઘર હોય કે પછી સ્વજનો સાથેના સંબંધો આ બધાંની ખૂબ જાળવણી કરવી જોઈએ. તેમના મેઈન્ટેનન્સ પાછળ સમય અને પૈસા ખર્ચવા જોઈએ અને બરાબર ધ્યાન રાખવું જોઈએ. જે તમને સરવાળે સારું અને સસ્તું પડે છે, ફાયદાકારક રહે છે. જો ધ્યાન ન રાખો અને મશીન કે કાર કે ઘરમાં કંઈ બગડે તો તેનું રીપેરીંગ ઘણું મોંઘુ પડે છે અને ક્યારેક તો એવી ખરાબી આવે છે કે તે વસ્તુ આપણે ગુમાવવી પડે છે.’ જાપાની બિઝનેસમેનની વાત તો સાચી હતી.
મેં પૂછ્યું, ‘પણ સર, રિલેશનશીપનું મેઈન્ટેનન્સ કઈ રીતે કરી શકાય.’તેમણે કહ્યું, ‘દરેક રિલેશનશીપ, સ્વજનો સાથેના સંબંધોનું મેઈન્ટેનન્સ આપણે જાતે અને સતત કરવું પડે. કુટુંબને, સ્વજનોને , મિત્રોને, પ્રિયજનને સમય આપો …તેમની લાગણીઓ સમજો …તેમની વાત સાંભળો અને જાણો …હંમેશા પોતાને ગમતું નહિ ક્યારેક પ્રિયજનને ગમતું કરો …તેમની સફળતા વધુ જોશથી ઉજવો…નાની નાની ભેટ આપો ..સરપ્રાઈસ આપો. આવું ઘણું બધું કરતાં રહો તો જ સંબંધો જીવંત રહેશે અને તમે તેને જાળવી શકશો. સંબંધો જાળવવા સૌથી વધુ જરૂરી છે કારણ કે બગડેલા સંબંધોનું રીપેરીંગ કરવું બહુ અઘરું છે.’પારસી કાકાએ પોતાની જુવાનીમાં શીખેલી આ શીખ જીવનભર અપનાવી જેથી તેમની પાસે ૨૫ વર્ષ જૂની નવીનક્કોર લાગતી કાર અને લાગણીભર્યો પરિવાર હતો.