Comments

ફાફડા-જલેબી અમર રહો..!

પ્રેમ કરો ના પંછી જૈસા, પેડ સૂકે તો મર જાય
પ્રેમ કરો તો મછલી જૈસા, સમુદ્ર સૂકે મર જાય
પ્રેમની યુનિવર્સિટી એકેય નથી, છતાં પ્રેમોલોજીમાં  જેવો કાંદો કાઢે, એટલો ભણવામાં નહિ. પ્રેમ પણ કેવો..?  હાથીના દાંત જેવો. દેખાડવાનો અલગ અને ચાવવાનો અલગ! મેઈડ ઇન ચાઈના જેવો! ચલા તો ચલા, નહિ તો શેખચલ્લા! ત્રણ ડઝન પાણી પુરી ખવડાવવી હોય, પણ એક સૂકી પુરી નહિ ખાવા દીધી હોય તો, Break up કરી નાંખે..! પ્રેમ એટલે રમત અને રમત એટલે પ્રેમ..! ચલા-ચલીના ખેલ જેવું!

‘એક પલ હૈ હંસના એક પલ હૈ રોના, કૈસા હૈ જીવનકા ખેલા,
એક પલ હૈ મિલના એક પલ બિછડના, દુનિયા હૈ દો દિનકા મેલા’
અમારા ચમન-ચલ્લીની ચકુડી પ્રેમના ટ્રાફિકમાં એવી અટવાઈ ગયેલી કે, બારમા ધોરણમાં ભણતરનું પણ એણે બારમું કરી નાંખ્યું. ફરી વાર પરીક્ષા તો આપી, પણ ભણતર  આગળ ફરી વાર પ્રેમ ફાવી ગયો. ફરી નાપાસ થઇ. આ વખતે તો, ચલ્લીએ ચોખ્ખું  ચોપડાવી દીધું કે, હવે નાપાસ થઇ તો  તને રિક્ષાવાળા જોડે પરણાવી દઈશ! એણે તરત એના પ્રેમીને મેસેજ કર્યો કે, આપણું લફરું ઝાઝું ચાલે એમ નથી.  મારે હવે ભણવામાં ધ્યાન આપવું પડશે. નહિ તો મારા બાપા મને રિક્ષાવાળા સાથે પરણાવવા તૈયાર થયા છે. પેલો કહે, ‘ ચિંતા નહિ કર! મારે પણ એવું જ છે. મારા બાપાએ પણ કહ્યું છે કે, આ વખતે નાપાસ થયો તો હું તને રીક્ષા લઇ આપીશ!’ એના કપાળમાં કાંદા ફોડું, કીડીને કણ હાથીને મણ ને પ્રેમલા-પ્રેમલીને પણ, આવું જોડકું મળી જ રહે!

બોસ!  પ્રેમ હો તો ફાફડા જલેબી જૈસા! આદિકાળથી આ બંનેનું લફરું ચાલી આવે છે મામૂ! ‘અમર પ્રેમકી અમર કહાની’ જેવું! બે વચ્ચે ક્યારેય ભંગાણ પડ્યું નથી. ભૂસાનો ભાવ કોઈ નહિ પૂછે, પણ દશેરો આવે એટલે, ફાફડો પણ ઊંચકાય ને જલેબી પણ!  ફાફડા-જલેબીનાં કુમકુમ પગલાં ઘરમાં પડવા જ માંડે. જલેબી ફાફડાની વાઈફ થતી  હોય, એમ ફાફડો જલેબીનું પાનેતર પકડીને જ ઘરમાં આવે. આ બંને વચ્ચે પ્રેમ જ એટલો ‘સોલ્લીડ’ કે, રોમિયો-જુલીયેટ કે ‘શિરી-ફરહાદ’ નો પ્રેમ પણ બંને વચ્ચે પાણીચું લાગે. એટલો  વિખ્યાત થયો નથી. દશેરાએ રાવણને બદલે, ફાફડા જલેબી જ લોકોને  વધારે યાદ આવે. દશેરો જાણે લગ્ન જયંતી હોય એમ, ફાફડા-જલેબીમાં પણ ઊર્જાનો ચમકારો આવી જાય!

પ્રેમનું ઉપાર્જન કેવી રીતે કરવું એ ફાફડા-જલેબી પાસેથી શીખવા જેવું યાર? ફાફડા-જલેબી જેવો પ્રેમ જેમણે પાથર્યો છે, એમના સંસારને  અધૂરપનાં ગ્રહણ ક્યારેય લાધ્યાં નથી. બંનેની માંગ જ એવી વ્યાપક કે, આગલી રાતથી માંડવામાં ફાફડા-જલેબી તળાવા માંડે ને લોકોની ભીડ જુઓ તો, સુલભ શૌચાલય માટે લાઈન લગાવીને ઊભા હોય એમ, જબરદસ્ત  લાઈન લાગી જાય.  મરદ મુછાળા મહીપતિઓ પણ ફાફડા-જલેબી માટે લાઈનમાં ઊભા હોય. કુકડા કરતાં વહેલાં ઊઠીને, આવી જાય. આપણામાં કહેવત છે કે, દશેરાના દિવસે ઘોડું નહિ દોડે તો નહિ ચાલે.

નહિ ઊઠે તો ઘરની કૂકડીનો કકળાટ સહન કોણ કરે?  ધોઈ નાંખે, એવું તો નહિ કહેવાય પણ, એને જ પ્રેમનો આવિષ્કાર કહેવાય!  ત્યારે આજનો પ્રેમ કેવો?  સવારે વિવાહ થાય, બપોરે લગન થાય ને સાંજે તો ખબર આવી જાય કે, બંનેના છુટાછેડા થઇ ગયા. જય રામજીકી! ત્યારે ફાફડા-જલેબીના સિતારા આદિકાળથી  બુલંદ! બંનેના છેડા હજી છૂટા થયા નથી! કોઈ અઘોરી ઋષિનું વરદાન પામેલા હોય એમ, અખંડ સૌભાગ્યવતીનું જોડું! આજે તો પ્રેમનો મહિમા એટલે,  ‘તું મારી ગરોળી ને હું તારી ભીંત, ફાવ્યું તો ફાવ્યું નહિ તો તેલ લેવા જાય પ્રીત!’ શું કહો છો ચમનિયા? માટે પરમ પ્રેમની સમીપ રહેવું હોય તો, દશેરાના ફાફડા-જલેબી ઉલેળવા જ પડે. એમાં પ્રેમના શગુન રહેલા છે દાદૂ! 

દશેરાનો કોઈ ગુણિયલ સંદેશ હોય તો એટલો જ કે,  પ્રેમ કરો તો ફાફડા-જલેબી જેવો કરો. ફાફડા-જલેબીને પ્રેમ કરવા માટે કોઈ તિથિ, તોરણ કે ચોઘડિયાં નડતાં નથી. દશેરો હોય કે હોળી, કાયમનાં બારમાસી ફૂલ જેવાં, ખીલતાં જ હોય! ઘર-ઘર સુધી પહોંચે. આ ઘટના નાની નથી. સુર્પણખાનું નાક લક્ષ્મણે કેમ કાપેલું, કે સુર્પણખાં રાવણની શું સગી થાય એવી પંચાતમાં ફાફડા જલેબી પડતાં નથી, એટલે  લાંબુ ટકેલાં છે!  અને એટલે જ બંનેનું જોડું,  ‘તારક મહેતાનાં ઊંધાં ચશ્માં’ વાળા  ‘બાઘા ને બાવરી’ જેવું મુલાયમ છે!

બંને વચ્ચે ક્યારેય ‘સાવધાન’ ની ધાર્મિક વિધિ થઇ નથી કે, જલેબીએ ક્યારેય ફાફડાનું પાનેતર ઓઢ્યું નથી ને ફાફડાએ જલેબીને કયારેય ‘ફાફડા-સૂત્ર’ [મંગલ-સૂત્ર] બાંધ્યું નથી. છતાં બંને વચ્ચે આજે પણ અતૂટ પ્રેમ છે! બંનેમાંથી શીખવા જેવું હોય તો એ જ કે, એક ફાફડા જેવો સીધો  હોય ને  સામે જલેબી જેવી ગૂંચળાવાળી તો પણ, સંસાર  હરા-ભરા કબાબ જેવો જ બને! જલેબીમાં એક ખૂબી છે, એ હોય ભલે ગૂંચળાવાળી પણ, મીઠી ફોઈ જેવી. એટલે જ ‘લીવ એન્ડ રીલેશન’’ની માફક લાંબા સમયથી ગાડું ગબડાવ્યા કરે ને મીઠી ફોઈઓને તો આદત જ હોય કે, ‘મસાલા’વાળો માલ મળતો હોય તો વહેલો ઉપાડી લેવાનો! તંઈઈઈઈ!

બાકી, સીધા માણસનાં હરણ જલ્દી થાય એનો તો ઈતિહાસ સાક્ષી છે. પછી એ સત્યવાદી રાજા હરીશ્ચંદ્ર હોય, તારામતી હોય કે મા સીતા હોય! તો પછી, ફાફડો કયા ખેતરની મૂળી? બાકી, જલેબીનો કોઈ ભરોસો નહિ. એ  લાભ જોઇને ઘડિયાળનો સમય બદલે! ગાંઠિયા હોય કે પાપડી, ખમણ હોય કે ઢોકળાં, ભાખરવડી હોય કે સમોસા, મોજ આવી તો  કોઈનો પણ છેડો પકડીને ચાલતી પકડે! ફાફ્ડા સીધા પણ ખરા ને ‘ટેસ્ટી’ પણ ખરા. પણ એક પત્નીવ્રતા! પેટમાં જલેબી જેવા ગૂંચળાં નહિ રાખે.  જલેબી ભલે સર્વધર્મસમભાવ જાળવીને વિચલિત થતી. સહન કરી લે. એમાં ચટણીનું તો પૂછવું જ નહિ..! ગર્લફ્રેન્ડ જેવી. સાથે સુરાપુરા મરચાં જેવાં આંગળિયાત પણ રાખે ને ‘ફલર્ટ’ ની મઝા માણ્યા કરે..! ખૂબી એ વાતની કે, ચટણી ભલે રૂપરૂપના અંબાર જેવી ને ‘ટેસ્ટી’ હોય.  ફાફડો ક્યારેય એની સાથે ‘ડેટિંગ’ ઉપર જતો નથી!

દશેરો પ્રગટ થાય એટલે જેઠાલાલ-બબીતાની માફક ફાફડા-જલેબીની જોડી  ફૂટી નીકળે? જલેબી પણ દશેરાના દિવસે સૌનો  છેડો ફાડીને, ફાફડાનો જ છેડો પકડે! સાલું સમજાય નહિ કે, ફાફડા-જલેબી જોઇને દશેરો પ્રગટ થાય છે કે, દશેરાને જોઇને ફાફડા જલેબી પ્રગટ થાય છે?  ફાફડા-જલેબીનો સ્વયંવર થવાનો હોય એમ, આગલા દિવસથી માંડવા બંધાવા માંડે ને લોકો  પણ સ્વયંવરમાં વ્યવહાર કરવા આવ્યા હોય એમ, માંડવે માંડવે ભીડ જમાવીને ઊભા હોય.

જલેબી તો  ફેસિયલ-બેસીયલ કરાવીને સ્વપ્નસુંદરીની માફક બની-ઠનીને બેઠી જ હોય! પણ લોકોની નજર તળાતા ફાફડા ઉપર જાય.  અમુકને તો ફાફ્ડાને બદલે રાવણ તળાતો હોય એવી અનુભૂતિ થાય. મઝા તો ત્યારે આવે કે, ફાફડા-જલેબી લેવા આવેલાની લાઈનમાં જો કોઈ વચ્ચે ઘૂસવા ગયું તો રાવણનું આખું ખાનદાન ફરી વળે. ફાફ્ડે-ફાફ્ડે ફટકા મારવાનો હોય એમ, યુદ્ધ ફાટી નીકળે!દશેરાના દિવસે,  ફાફડા જલેબીની એ જાહોજલાલી છે!

મને હજી સુધી સમજાયું નથી કે, દશેરાના દિવસે જ લોકો શું કામ ફાફડા-જલેબી ઉલાળતા હશે? શું આ ફરસાણનો જનક લંકાનો હશે? કે પછી  આપણો સુરતી-લાલો જ લંકામાં નિકાસ થયેલો હશે? જો ના હોય તો, દશેરાના દિવસે ફાફડા જલેબી ખાવાનો ચીલો આવ્યો ક્યાંથી? યાર, એકાદ રામાયણમાં તો લખ્યું હોય ને કે, ”ફાફડા જલેબીસ્ય નાસ્તૈ: પ્રભાત્સ્ય ઝાપટે લંકેશ:!” શું કહો છો ચમનિયા..?!”    [સંસ્કૃતવિદ્દોએ સંસ્કૃતના વ્યાકરણમાં માથું મારવું નહિ. સુરતીનું સંસ્કૃત છે, એમ માનીને ભૂલ હોય તો  માફ કરી દેવાનું. સુરતીને ભાષાની ગરબડ તો રહેવાની..!] આ તો એક ગમ્મત! ચમનિયાને તો હજી શંકા છે કે, સુરત બાજુ પણ રાવણે એકાદ આંટો લગાવી ફાફડા-જલેબીના કારીગરનું હરણ કરેલું હોવું જોઈએ! સોનાની લંકામાં સોનાનો ચળકાટ જોઇને એકાદ કારીગર પલળી પણ ગયો હોય! કહેવાય નહિ! બાકી ફાફડા જલેબી એટલે સુરતનાં! શું કહો છો દાદૂ?

લાસ્ટ બોલ
દશેરાના દિવસે, ૮૦ વર્ષના એક કાકા, કાકી સાથે ફાફડા-જલેબી ખાવા એક હોટલમાં  આવ્યાં. કાકો પ્રેમથી કાકીને કહે, ‘બોલ જાનુ..!  ફાફડા-જલેબી કેટલાં મંગાવું?
કાકી કંઈ નહિ બોલી!
કાકાએ ફરી પૂછ્યું, ‘બોલ ને ડાર્લિંગ કેટલા મંગાવું? જલ્દી બોલ ને બેબી!
હું બાજુમાં જ બેઠેલો, મેં કહ્યું, ‘કાકા આ ઉંમરે તમે કાકીને જાનુ કહો, ડાર્લિંગ કહો, બેબી કહો તે સારું લાગે?
કાકો કહે, ‘ શું કરું..? લગનનાં ૬૦ વર્ષ થયાં, તારી કાકીનું નામ જ ભૂલી ગયો છું. એટલે આ રીતે ગાડું ગબડાવ્યા કરું!
તારા કપાળમાં કાંદા ફોડું!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top