ઘણાં લેખકો “ઈમેજ” માટે લખતા હોય છે તો ઘણાં લેખકો “ઈમાન” માટે લખતા હોય છે. લેખક અને લહિયામાં એટલો ફરક હોય છે જેટલો ખેતરે હળ સાથે જોડેલા બળદ અને ઘાણીનાં બળદમાં હોય છે. કલમની સાર્થકતા “સારો” માર્ગ બતાવવામાં નથી, “સાચો” માર્ગ બતાવવામાં છે. નવોદિત વક્તા શરૂઆતમાં શ્રોતાઓને પસંદ પડે એવું બોલતા હોય છે પછી વક્તા તરીકે પંકાય જાય એટલે પોતાને ગમે એવું બોલતા હોય છે.. ઘણાં બકતા પણ પોતાને “વક્તા” સમજતા હોય છે. સાહિત્યના પ્રકારમા પદ્ય એ કલર ફોટોગ્રાફ જેવું હોય છે.
ગદ્ય બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ જેવું હોય છે, જ્યારે વ્યાકરણ એક્સ રે જેવું હોય છે. પદ્ય એ ઘણી વખત ગગન વિહારનો વિષય બની રહે છે. ગદ્ય ઘણી વખત ધરતી વિહારનો વિષય બને છે, જ્યારે પત્રકારત્વ એ ખનન અને ખણખોદ કરી સત્યને ઉજાગર કરવાનો વિષય હોય છે. લેખકનું કામ ડૉક્ટર જેવું હોવું જોઈએ. ડૉક્ટર દર્દીને “ફાવે” એવી નહીં પણ દર્દ “મટાડે” એવી દવા આપતા હોય છે એમ લેખકે વાચકને “સારો” માર્ગ નહીં “સાચો” માર્ગ બતાવવાનો હોય છે. ગાય જ વસૂકી જાય એવું નથી, ઘણી વખત કલમ પણ વસૂકી જતી હોય છે. કલમ જ્યારે નવનીત આપવામાં ગડથોલીયા ખાય ત્યારે “અટકવાની” કળા બધાં લેખકો પાસે નથી હોતી.
સુરત – પ્રેમ સુમેસરા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.