Charchapatra

ક્રિકેટની રમતનો અતિરેક

હવે દર વર્ષે વિશ્વમાં ક્યાંકને ક્યાંક ક્રિકેટની રમત રમાતી જ હોય છે. તે 20-20, વન-ડે કે પછી ટેસ્ટ મેચોની સિરીઝ હોય શકે. આટલી બધી ક્રિકેટ રમાતી હોવાને કારણે સ્વાભાવિક છે કે તે ક્રિકેટરોની શારીરિક ક્ષમતા પર અસર કરે જ. પણ કોઈપણ ક્રિકેટરને તે પડેલી હોતી નથી કારણ તેમાંથી તેમને લખલૂટ પૈસા મળતા હોય છે. અરે સામાન્ય ક્રિકેટર પણ થોડા સમયમાં કરોડોમાં આળોટતો થઈ જાય છે.

હવે તો ક્રિકેટરોની કેમ જાણે માલસામાન હોય તેમ હરાજી પણ બોલાય છે અને તેનો પણ તેમને વાંધો હોતો નથી. આખુ વર્ષ ક્રિકેટ રમાતી હોવાને કારણે અને તેનું જીવંત પ્રસારણ પણ થતું હોવાને કારણે કરોડો લોકોના મૂલ્યવાન સમયની બરબાદી થાય છે તે ઉપરાંત પ્રજા માટે મોંઘવારીમાં વધારો થાય છે કારણ કે જે કંપની તેને સ્પોન્સર કરે છે તે કંપની પોતાની પ્રોડક્ટની કિંમતમાં તેટલા પ્રમાણમાં વધારો કરે છે. એટલું જ નહીં ક્રિકેટની રમતનો મૂળ ચાર્મ જ જતો રહ્યો છે. ટૂંકમાં ક્રિકેટની રમતનો જે અતિરેક થઈ રહ્યો છે તેના પર અંકુશ લાવવાની તાતી જરૂર છે તેમાં બેમત ન હોય શકે.
નાનપુરા, સુરત    –  સુરેન્દ્ર દલાલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top