Columns

નાના બાળકની મોટી સમજ

રોહન અને તેના પાર્ટનર વચ્ચે મોટો ઝઘડો થયો. રોહને ના પાડી હોવા છતાં પાર્ટનરે તેની જાણ બહાર મોટો સોદો કર્યો અને તેમાં નુકસાન ગયું. રોહનને આર્થિક માર તો સહન કરવો જ પડ્યો સાથે સાથે વિશ્વાસઘાત અને છેતરાયાની પીડા પણ ભોગવવી પડી. નિરાશા,હતાશા ,ગુસ્સો, છેતરામણી જેવી લાગણીઓથી તે ઘેરાઈ ગયો. હવે શું કરવું તેને કંઈ સમજાતું ન હતું. પોતાની સાથે દગો થયો તે વાતથી તે આખી રાત  સૂઈ શક્યો નહિ.

વહેલી સવારે તે મનનું દુઃખ ભૂલાવવા અને ગુસ્સો દૂર કરવા તે શૂઝ પહેરીને દોડવા નીકળી ગયો. મનના ગુબ્બાર સાથે દોડતો રહ્યો…કેટલું દોડ્યો તેનું ભાન પણ ન રહ્યું.શરીર થાક્યું ત્યારે તે એક બેંચ પર આવીને બેસી ગયો. સવારના સાત વાગ્યા હતા. બધાં બાળકોનો શાળાએ જવાનો સમય થયો હતો.રોહન બેઠો હતો તે બેંચ પર એક નાનો છ- સાત વર્ષનો છોકરો આવીને બેઠો. રોહને તેની સામે જોયું. છોકરાએ કહ્યું, ‘અંકલ, હું અહીં બેસું?’ રોહને હા પાડી. છોકરાનું મોઢું ચઢેલું હતું. એકદમ મૂડ લેસ લાગતો હતો. રોહને પૂછ્યું, ‘શું થયું?’નાનકડા છોકરાએ કહ્યું, ‘મારી સાથે આજે મોટો દગો થયો?’ રોહનને તેની સાથે વાતો કરવામાં મજા પડી. તે બોલ્યો, ‘તું આટલો નાનકડો અને તારી સાથે મોટો દગો થયો? એવું તે શું થયું?’

નાનકડો છોકરો બોલ્યો, ‘મારા પપ્પા મને અને મારા ફ્રેન્ડને રોજ કારમાં સ્કૂલે મૂકી જતા પણ મારા પપ્પા બિમાર છે એટલે મેં મારા ફ્રેન્ડને પૂછ્યું હતું કે  તારા પપ્પા આપણને સ્કૂલમાં મૂકી જશે તેણે હા પાડી હતી પણ સવારે તે અને તેના પપ્પા મને લેવા જ ન આવ્યા. તે રોજ મારી સાથે આવતો અને આજે મને જ સાથે લઇ જવાનું ભૂલી ગયો. આટલો મોટો દગો થયો છે. મારી સાથે…’આટલું કહી તે વોટર બોટલમાંથી પાણી પીવા લાગ્યો.

રોહનને કહ્યું, ‘ ખરેખર બહુ મોટો દગો થયો…હવે તું શું કરીશ??’ નાનકડા છોકરાએ એકદમ સરસ સમજવા જેવી વાત કરી, તે બોલ્યો, ‘બીજું તો શું કરું? હવે તેની જોડે દોસ્તી તૂટી જશે પણ એમ કંઈ રડીને દગો ખાઈને બેસી થોડો રહીશ. જીવન તો આગળ જીવવું જ પડશે એટલે જીવનમાં આગળ વધવા માટે બીજો મિત્ર બનાવીશ અને ધ્યાન રાખીશ કે તે મને દગો ન આપે.’નાનકડા છોકરાએ કરેલી આ વાતથી ગુસ્સા અને પીડાથી ભરાયેલા રોહનના મન અને મગજના દરવાજા ખૂલી ગયા. તેને સમજાઈ ગયું કે આમ ગુસ્સો કરવાથી કે દુઃખી થવાથી કંઈ નહિ થાય. જીવન તો જીવવું જ પડશે, આગળ તો વધવું જ  પડશે. તેણે હસીને છોકરા સામે જોયું ,તેના વાળમાં હાથ ફેરવ્યો અને આગળ વધવાના નિર્ધાર સાથે ઘર તરફ દોડી ગયો..- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top