Comments

આસામમાં બીટીસીનાં પરિણામો ભાજપ માટે ચેતવણી

અત્યારે તો ચર્ચા બિહારની ચૂંટણીની છે પણ આવતા વર્ષે આસામની ચૂંટણી પણ થવાની છે. ઇશાન ભારતનું આ નાનું રાજ્ય છે અને ઇશાન ભારતમાં ભાજપે એનો પગ મજબૂત બનાવ્યો છે. આસામમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હેમંત બિસ્વા શર્મા મુખ્યમંત્રી છે, બહુ બોલકા છે પણ ચૂંટણી આવે એ પહેલાં એમની સામે પડકાર ઊભા થયા છે. બીટીસીનાં પરિણામોએ એમના માટે ચિંતા સર્જી છે અને ભાજપ માટે ચેતવણી પણ છે. બીટીસીમાં બીપીએફે બધાંનાં સૂપડાં સાફ કરી નાખ્યાં છે. છેલ્લાં નવ વર્ષથી ભાજપ આ ચૂંટણીમાં જીતતો આવ્યો છે પણ આ વેળા ભાજપને માત મળી છે અને બીટીએફે  ફત્તેહ મેળવી છે. બીટીસી શું છે એ જાણી લેવા જેવું છે.

૨૦૦૩માં બોડોલેન્ડ ટેરીટોરીયલ કાઉન્સિલ શરૂ થઇ. બોડો આંદોલનનો અંત આણવા આ સમજૂતી થઇ અને બંધારણનાં શિસ્યુઅલ ૬ તળે આ રચના થઇ છે. આવી જ માગણી લદાખમાં થઇ રહી છે. બીટીસીને કેટલીક સત્તા મળે છે. એની ચૂંટણીમાં હાગ્રામા મોહિલરીના નેતૃત્વ હેઠળની બીપીએફ પાર્ટીનો દબદબો ફરી સ્થાપિત થયો છે, જેણે ભાજપ અને તેની સાથી પક્ષોને મોટો ઝટકો આપ્યો છે. બોડોલેન્ડ ક્ષેત્ર ભાજપ માટે એક મહત્ત્વનો ગઢ માનવામાં આવતો હતો, જ્યાંથી તેને ૧૨ જેટલી વિધાનસભા બેઠકો મળે છે. આ ગઢમાં બીપીએફની મોટી જીત ભાજપની મજબૂત પકડને નબળી પાડે છે. બીપીએફ એ ૪૦માંથી ૨૮ બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. જ્યારે સત્તાધારી પક્ષો યુપીપીએલ અને ભાજપ મળીને બહુ થોડી બેઠકો જ જીતી શક્યા.

 આ ચૂંટણીને ૨૦૨૬માં યોજાનારી આસામ વિધાનસભાની ચૂંટણી માટે એક પ્રકારની સેમી-ફાઇનલ તરીકે જોવામાં આવતી હતી. બીટીસીમાં હાર એ સંકેત આપે છે કે ભાજપ-યુપીપીએલ ગઠબંધન સામે લોકોમાં અસંતોષ છે અને બીપીએફએ એક શક્તિશાળી વિરોધ પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. આમ તો બીટીએફ એનડીએનો એક ભાગ છે અને ભાજપ હવે કહે છે કે બીટીએફ તો અમારો સાથી પક્ષ છે પણ ભાજપની હાર મોટો મુદો્ બની શકે છે.

કારણ કે હાગ્રામા મોહિલરી ભાજપ માટે પડકાર બની શકે છે.  હાગ્રામા આસામમાં  અગ્રણી નેતા છે.   રાજકારણમાં જોડાતાં પહેલાં, મોહિલરી બોડો લિબરેશન ટાઇગર્સ નામના વિદ્રોહી જૂથના વડા હતા. ૨૦૦૩માં, બોડો શાંતિ કરાર થયા પછી એમણે હથિયાર હેઠાં મૂક્યાં અને મોહિલરી લોકશાહી રાજકારણના મુખ્ય પ્રવાહમાં જોડાયા. હાગ્રામાએ ૨૦૦૫માં બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટ પક્ષની સ્થાપના કરી અને તેના પ્રમુખ  બન્યા. એ બીટીસીમાં લાંબો સમય કામ કરી ચૂક્યા છે. એમના પક્ષે  બીટીસી  અને આસામ વિધાનસભાની ચૂંટણીઓમાં મજબૂત પ્રદર્શન કર્યું છે. એટલે હાગ્રામા જો ભાજપનો સાથ છોડે આસામમાં ભાજપ માટે સત્તા જાળવી રાખવાનું મુશ્કેલ બની જશે. હેમંત બિસ્વા માટે ચૂંટણી પહેલાં ઘણા પડકારો ઊભા થઇ ગયા છે. ચૂંટણી આવે ત્યાં સુધીમાં તેઓ હાગ્રામા સાથે તાલમેળ બેસાડી દે છે કે કેમ એના પર ભાજપનું ભવિષ્ય જોડાયેલું છે.

ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીમાં ૨૭% ઓબીસીથી કોને ફાયદો થશે?
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓમાં ઓબીસી માટે ૨૭ ટકા ઓબીસીને સરકારે મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી આવનારી સ્થાનિક ચૂંટણીઓમાં કોને કેટલો ફાયદો થશે એની અટકળો શરૂ થઇ છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અન્ય પછાત વર્ગ માટે ૧૦% અનામતમાંથી વધારીને ૨૭% અનામત કરવાની જાહેરાત એ એક મોટો રાજકીય નિર્ણય છે, જેનાથી અનેક પક્ષો અને સમુદાયોને અસર થશે. ૨૭%  અનામતનો સૌથી મોટો ફાયદો ઓબીસી સમુદાયના નેતાઓ અને ઉમેદવારોને થશે, જેઓ હવે સ્થાનિક સ્તરે વધુ સત્તા અને પ્રતિનિધિત્વ મેળવશે. રાજકીય રીતે, આ નિર્ણય ગુજરાતમાં ઓબીસી સમુદાયના વિશાળ વોટબેંક પર પોતાનો પ્રભાવ વધારવા માટેનું એક મોટું પગલું છે.

એ યાદ રાખવું જોઈએ કે ઓબીસીની રાજનીતિ નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા ત્યારે એમણે કરી હતી. એ કારણે ઓબીસીની કોંગ્રેસની વોટ બેંક તૂટી હતી અને ભાજપને ખાસ્સો ફાયદો થયો હતો. પુરુષોત્તમ સોલંકી આજેય મંત્રી છે, એ નાદુરસ્ત તબિયતના કારણે લગભગ ઓફિસે જતા નથી છતાં એમને હટાવાયા નથી. હમણાં મોદી ભાવનગર આવ્યા ત્યારે સ્ટેજ પર એમણે સોલંકી સાથે વાત કરી અને સોલંકી જે રીતે મોદીનો ખભો અને હાથ પકડીને વાત કરતા હતા એ દૃશ્ય સહજ તો નહોતું.

ભાજપ સરકારે આ ૨૭ ટકાનો નિર્ણય લીધો છે એટલે એનો સીધો ફાયદો ભાજપને થાય એવું માનવાનાં કારણો હોય જ. પણ ૨૭ ટકા અનમાત મળે એ માટે વિપક્ષ પણ ઘણા સમયથી માગણી કરી રહ્યો હતો એટલે વિપક્ષ માટે પણ એક તક છે. આપ આ વાતનો ફાયદો ઉઠાવી શકે છે.  અલબત્ત ઓબીસી અનામત વધારવાથી બિન-અનામત વર્ગ  માટેની બેઠકોની સંખ્યામાં ઘટાડો થશે. આથી આ વર્ગના રાજકીય નેતાઓની સ્પર્ધા વધી શકે છે. અનુસૂચિત જાતિ  અને અનુસૂચિત જનજાતિ માટેની વર્તમાન અનામત યથાવત્ રાખવામાં આવી છે. ભાજપ આ મુદો્ પોતાની તરફેણમાં લાવી શકે છે. કોંગ્રેસ અને આપ આ મુદે્ કઈ રીતે ઉમેદવારની પસંદગી અને પ્રચાર કરે છે એ જોવાનું છે.

હરિયાણામાં કોંગ્રેસમાં નવા પ્રમુખ સામે રોષ
હરિયાણામાં ગઈ ચૂંટણીમાં કોંગ્રેસની કેટલીક ભૂલોના કારણે સત્તાથી થોડું છેટું રહી ગયું હતું અને હવે હરિયાણા કોન્ગ્રેસના નવા પ્રમુખ તરીકે રાવ નરેન્દ્રસિંહની નિયુક્તિ થતાં જ પક્ષમાં અસંતોષ જણાઈ રહ્યો છે. કોંગ્રેસ સંગઠનાત્મક રચનામાં હંમેશા ભૂલ કરતી આવી છે. ગુજરાતમાં પ્રમુખ તરીકે જે રીતે અમિત ચાવડાની નિયુક્તિ થઇ એ દર્શાવે છે કે, નવીનતા અને પ્રયોગનો અભાવ છે. રાવ નરેન્દ્રસિંહની સામે કેપ્ટન અજય યાદવે ખુલ્લેઆમ વિરોધ નોંધાવ્યો છે અને કહ્યું છે કે, આ પસંદગીના કારણે કાર્યકર્તાઓનું મોરલ ડાઉન થયું છે. જો કે, વિરોધ બાદ રાવ નરેન્દ્ર ખુદ બધાને મનાવવા નીકળ્યા છે. એ કેપ્ટન યાદવને પણ મળ્યા છે પણ હરિયાણાનાં મજબૂત નેતાઓ ચૌધરી વીરેન્દ્રસીન એન. રણદીપ સુર્જેવાલા પણ નારાજ છે. રાવ હવે બધાને મળી રહ્યા છે. શક્ય છે કે ઉપર ઉપરથી બધા માની જાય પણ અંદર અસંતોષ રહેવાનો અને એ કોંગ્રેસ માટે નુકસાનકર્તા છે એ મોવડીમંડળને કેમ સમજતું નથી એ સમજવું મુશ્કેલ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top