સુરતઃ વડોદરાથી મુંબઈ જતી એક ગુડ્સ ટ્રેનને ઉથલાવી પાડવાનો સુરતમાં નિષ્ફળ પ્રયાસ થયો છે. ડ્રાઈવરની સમયસૂચકતાના લીધે મોટી દુર્ઘટના ટળી છે.
- સુરતમાં ટ્રેનને ટ્રેક પરથી ઉથલાવી પાડવાનો પ્રયાસ, ડ્રાઈવરે સમયસર બ્રેક મારતા મોટી દુર્ઘટના ટળી
શહેરના ડીંડોલી વિસ્તારમાં મોટો ટ્રેન અકસ્માત કરવાના ઈરાદે અજાણ્યા ટીખળખોરોએ ટ્રેક પર ગેલ્વેનાઈઝ લોખંડનો પટ્ટો મુક્યો હતો. જેથી ટ્રેન પસાર થાય ત્યારે પટ્ટાના લીધે ટ્રેક પરથી ઉથલી પડે. ટીખળખોરોએ પટ્ટો મુક્યો ત્યાર બાદ તે ટ્રેક પરથી વડોદરાથી મુંબઈ જતી માલગાડી પસાર થઈ હતી.
લોખંડનો પટ્ટો માલગાડીના ટાયરમાં આવી ગઈ હતી. જોકે, ડ્રાઈવરે સ્થિતિ પારખી તાત્કાલિક ઈમરજન્સી બ્રેક મારી દીધી હતી, જેના લીધે ગુડ્સ ટ્રેન અટકી ગઈ હતી અને ટ્રેક પરથી ઉથલી પડી નહોતી. આમ, ડ્રાઈવરની ચપળતાના લીધે મોટો અકસ્માત ટળ્યો હતો. ડ્રાઈવરની ફરિયાદ પર ડીંડોલી પોલીસે અજાણ્યાઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.