ભાજપના પ્રદેશ પ્રમુખની ચૂંટણી જાહેર થયા બાદ નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે તે અંગે અનેક અટકળો ઉઠી હતી. ગઈકાલે ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ ગાંધીનગરમાં રાજકીય માહોલ ગરમાયો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 156 સીટ પર જીત હાંસલ કરાવી ઈતિહાસ રચનાર સીઆર પાટીલનું સ્થાન કોણ લેશે તે અંગે અનેક ચર્ચા ચાલી રહી હતી.
જોકે આજે ચર્ચાઓ અને અટકળોનો અંત આવ્યો છે. અમદાવાદના જગદીશ પંચાલ ભાજપના પ્રદેશ પ્રમુખ બનશે તે સ્પષ્ટ થયું છે. એકમાત્ર પંચાલ જ ઉમેદવારી ફોર્મ ભરે તેવી ચર્ચા છે, તે જોતાં પંચાલની બિનહરીફ વરણી થાય તેવી પૂરેપુરી શક્યતા રહેલી છે. જો પંચાલ પ્રદેશ પ્રમુખ બને તો રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ બંને અમદાવાદના જ થશે. આમ ગુજરાતના રાજકારણમાં અમદાવાદનો દબદબો વધશે.
અમદાવાદ શહેરમાં નિકોલ વિધાનસભા મત વિસ્તારમાંથી ચૂંટાયેલા જગદીશ ઈશ્વરભાઈ પંચાલનો જન્મ 12 ઓગસ્ટ 1973ના રોજ અમદાવાદ ખાતે થયો હતો. તેઓ એસવાયબીએ, એમબીએ ઈન માર્કેટિંગ ભણ્યા છે. ટેક્સટાઈલ મશીનરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. રિડીંગ, સ્વીમીંગ, બેડમિન્ટનનો શોખ છે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તેમને રાજય કક્ષાના મંત્રી તરીકે સ્વતંત્ર હવાલો સોંપાયો હતો.
રાજકીય સફરની વાત કરીએ તો પંચાલ અમદાવાદમાં ભાજપનો હંમેશાથી મોટો ચહેરો રહ્યાં છે. વર્ષ 2012માં તેઓ નિકોલમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2017માં ફરી ધારાસભ્ય બન્યા હતા. પંચાલ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે કામગીરી કરી ચૂક્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પંચાલને પર્યાવરણ મંત્રી (રાજ્ય કક્ષાનો હવાલો) બનાવાયા હતા.
પંચાલ અમદાવાદના સૌથી ધનિક ધારાસભ્ય પણ છે. તેઓ સ્વચ્છ અને નિર્વિવાદિત છબી ધરાવે છે.