આપણા રાજ્યના છોટાઉદેપુર જિલ્લાના તુરખેડા ગામે આઝાદી બાદ 5 કિ.મી. સુધી રસ્તો જ નથી. વ્યકિતને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાની હોય ત્યારે કપડાંની ઝોળીમાં લઇ જવાની ફરજ પડે છે. ગત વર્ષે તુરખેડા ગામની એક પ્રસૂતાને કપડાની ઝોળીમાં 5 કિ.મી. સુધી સારા રસ્તે હોસ્પિટલ ખાતે લઇ જવાઇ રહી હતી ત્યારે રસ્તામાં પ્રસૂતિ થઇ ગઇ હતી અને પ્રસૂતાનું મૃત્યુ થયું હતું. ગુજરાત સરકારે તા. 3 ઓક્ટો. 24ના રોજ જાહેરાત કરી હતી કે તુરખેડા ગામ સુધી 7 કિ.મી. રસ્તાનું બાંધકામ તરત જ હાથ ધરવામાં આવશે.
ગુજરાત હાઇકોર્ટે પણ આ કરુણ બનાવની નોંધ લીધી હતી. ઉપર્યુકત બનાવને એક વર્ષ વીતવા આવ્યું છે ત્યારે તુરખેડા ગામની પ્રસૂતા સાથે ફરી આવો જ બનાવ બન્યો છે. રસ્તો હજુ સુધી તૈયાર થયો નથી. આ જ રીતે પ્રસૂતાને કપડાની ઝોળીમાં 5 કિ.મી. લઇ જવામાં આવી ત્યાંથી તાલુકા મથક ક્વાંટ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે તેણીને દાખલ કરવામાં આવી. સારવાર દરમ્યાન પ્રસૂતાનો જીવનદીપ બૂઝાઇ ગયો. ગોકળગાયની ગતિએ ચાલતા સરકારી વહીવટમાં જો ગતિ લાવીને રસ્તો તૈયાર થઇ ગયો હોત તો આ બીજી પ્રસૂતાને જીવ ગુમાવવાનો વારો આવ્યો ન હોત.
બનાસકાંઠા- પ્રો. અશ્વિન ન. કારીઆ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે