વિશ્વમાં ગુજરાત અને ગરબા એકબીજાના જાણે પર્યાયરૂપ બની ગયા છે. તો વર્તમાન યુગમાં શેરી ગરબા ધીમે ધીમે લુપ્ત થતા જતા હોય એમ લાગે છે. આમ છતાં ગ્રામ્ય વિસ્તારમાં અને નાના શહેરોની સોસાયટીઓના આંગણામાં માતાજીની માટલી મૂકી નવરાત્રીના પર્વની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી થાય છે. શેરી ગરબાનો મોટામાં મોટો ફાયદો એ છે કે બહેન અને દીકરીઓ વાલીઓની નજર સમક્ષ રહે છે જેને પરિણામે ગરબાના નામે જે ગોરખધંધા થાય છે તે બંધ થઈ જાય છે. શેરી ગરબામાં ગરબે ઘૂમનારાઓને એન્ટ્રી ફી ચૂકવવી પડતી નથી. એમાં ગરબા રમવા માટે કોઈ ગ્રુપની જરૂર પડતી નથી. ગામનાં અને સોસાયટીના લોકોમાં એકતાની ભાવના જન્મે છે.
અતિશય મોંઘવારીના વર્તમાન સમયમાં શેરી ગરબા રમનારાઓને ખોટો ખર્ચ થતો નથી. શેરી ગરબા એ સૌથી સલામત અને સુરક્ષિત છે. શેરી ગરબામાં આદ્યશક્તિ માતા જગદંબાની સાચા અર્થમાં આરાધના થતી જોવા મળે છે. ગરબા ગાનારાઓને અને સાંભળનારને મા અંબાનો અહેસાસનો અનુભવ થાય છે. પરંપરાગત શેરી ગરબામાં સાચા અર્થમાં પવિત્ર ભાવના જળવાય છે. આજની યુવા પેઢીમાં ગરબામાં જે ભક્તિભાવ છે તે ભૂલાતો જાય છે. આપણા હિંદુ તહેવારો મોજમજાનું સાધન બની જાય નહીં તે માટે અને ભારતીય સંસ્કૃતિ જોખમમાં મુકાય નહીં તે માટે પરંપરાગત રીતે રમાતા શેરી ગરબા એનું આધ્યાત્મિક મહત્વ ગુમાવે નહીં તે જોવાની આપણી સૌની ફરજ છે.
નવસારી – ડૉ. જે. એમ. નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.