Comments

જન્મનાં ૧૫૬ વર્ષ પછી જનનાયક ગાંધીને યાદ કરવાનું કારણ?

અહીં એ પ્રશ્ન છે કે ૩૦ જાન્યુઆરી ૧૯૪૮માં સંસાર છોડી દેનાર રાષ્ટ્રપિતાને આપણે કેમ ભૂલ્યા નથી! એક હ્રસ્વ-દીર્ઘના ફરકથી પ્રજાસત્તાક ભારતે અઢળક રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પણ આપ્યા છે, પરંતુ નવી પેઢીનાં સ્મરણમાં કઈ એકાદ-બે રાષ્ટ્રપતિથી વધુ મહાનુભાવો હશે નહીં અને તેઓનાં કર્તવ્યની સ્મૃતિમાં જાહેર શ્રમયજ્ઞ કરવા કે ખાદી વસ્ત્ર પહેરવા આજના યુવાનો કેમ તૈયાર થાય?

ત્યારે સવાલ થાય કે, જનસમૂહની યાદમાં આજે પણ ગાંધી કેમ બિરાજમાન છે? આવા પ્રશ્નનાં જવાબમાં એક શિક્ષકે કહ્યું, રૂ.૫૦૦/-ની નોટ ઉપર તેઓ શ્રીની તસ્વીર બિરાજમાન છે આથી. પણ જમીન ઉપરની સ્થિતિ એ છે કે કાઠિયાવાડના બીજા એક ગામ રાજકોટની દીકરી પારુલનાં કરોડો ફોટા પારલે-G બિસ્કીટનાં પેકેટ ઉપર આજે પણ છપાતા રહે છે પણ પારુલ તો કોઈનાં દિલો-દિમાગમાં નથી! મહાત્મા ગાંધી શાથી લોકપ્રિય છે તેવા એક સવાલનો જવાબ શોધવા ૧૯૪૨માં અમેરિકન પત્રકાર લુઈ ફિશર વર્ધાની મુલાકાતે આવેલ.

બળબળતાં તાપ વચ્ચે ગાંધીજી સાથે ગાર-માટીની ઝૂંપડીમાં રોજ એક-દોઢ કલાક વાતચીતમાં અને ૩૦ મિનિટ ભોજનાલયમાં ગાળતા. પત્રકારનો બાકીનો સમય પાણી ભરેલા લોખંડનાં ટબમાં બેસી લખતા રહેવા અને રાત્રે ખુલ્લાં આકાશ નીચે શેતરંજી પાથરી સૂવાના કપરાં અનુભવ વચ્ચે પસાર થયો. આમ છતાં, લુઈ ફિશરે પોતાની નોંધપોથીનાં મથાળે લખ્યું, ‘હિંદુસ્તાનનાં લોક નાયક સાથે મને આનંદ ભેર સમય ગાળવા મળ્યો.’ મહાદેવભાઈએ પણ નોંધમાં લખ્યું કે, “ગાંધીજીએ પરદેશીઓ સાથે જે વાત કરી છે, તેમાંની પત્રકાર લુઈ ફિશર સાથેની મુલાકાત સહુથી અગત્યની છે.’’

લુઈ ફિશર મહાત્માને સ્વરાજનો રથ હાંકનાર સફળ સેનાની તરીકે જન નાયકનો શિરપાવ આપે છે અને ‘octagon presser ‘’નાં મથાળેથી ગુલામ ભારતનાં પ્રશ્નો દર્શાવ છે જે (૧)વિશ્વયુદ્ધ અને જાપાનનું દબાણ(૨) સુભાષ બાબુ અને જર્મનીથી ઊભી થયેલ પરિસ્થિતિ (૩) જિન્હાએ છૂપાવી રાખેલ કેન્સરની બીમારી અને ઉગ્ર બનતી અલગ પાકિસ્તાનની માગણી (૪) રજવાડાંઓની સ્વાયત્તતાની કપટનીતિ (૫) મોગલ સામ્રાજ્ય તરફ વળવાની મુસ્લિમ લીગની ખેવના(૬) અતંત્ય ગરીબ, રોગિષ્ટ, અશિક્ષિત ભારતની પૃષ્ઠ ભૂમિ (૭) બ્રિટીશ સરકારની ઉગ્ર શોષણ નીતિ (૮) કોંગ્રેસનાં સદસ્યોની સત્તા લાલસા. આમ છતાં મહાભારતનાં યુદ્ધમાં ભગવાન કૃષ્ણે મહા બળવાન કૌરવ શૂરવીરો વચ્ચે અર્જુનને વિજય અપાવ્યો. તેમ ગાંધીએ વિકરાળ પ્રશ્નો વચ્ચેથી દેશને ઉગાર્યા, આથી આજે તેમને યાદ કરીએ છીએ,

જોકે, ગાંધીનું કૌશલ્ય તેમનાં વિચારમાંથી પ્રગટેલું અને આ વિચારની ભૂમિકા હિંદ સ્વરાજમાંથી મળે છે. આજથી ૧૧૭ વર્ષ પહેલાં ૬૫૦ વર્ષથી ગુલામીમાં સબડતાં હિંદને મોહનદાસે ૧૯ રચનાત્મક દિશાઓ આપી. જેમાં કોમી એક્તા, અસ્પૃશ્યતા, વ્યસન મુક્તિ અને સ્વચ્છતા જેવાં સામાજિક કામો આપ્યાં. સાથોસાથ ખાદી, ગ્રામોદ્યોગ, ખેતી અને પશુપાલન પ્રકારે આર્થિક સુધારો જણાવ્યા. મેકોલેની નવી શિક્ષણ પ્રણાલીનાં નામે ઉજરાડાઈ ગયેલ સમાજને પુનઃ નઈ તાલીમ, પ્રૌઢ શિક્ષણ, માતૃભાષા, રાષ્ટ્રભાષા અને યુવાવિકાસ પ્રત્યે ગાંધીએ આશાવાન દિશા આપી. ગાંધીજી રચનાત્મક અભિગમથી આરોગ્ય, બાળઆરોગ્ય અને રક્તપિત્તો પ્રત્યે કરુણાને આવકારી તો આદિવાસી, મજદૂર, શ્રમિકો અને સ્ત્રીઓ પ્રત્યે સમાન અભિગમને પ્રચલિત કર્યા.

ગાંધીને આ રચનાત્મક અભિગમ ર૧મી સદી માટે પણ હ્યુમન ફ્રેન્ડલી, વેલ્યુ ફ્રેન્ડલી અને ઈકો ફ્રેન્ડલી હોવાથી આજે ગાંધીનું મૂલ્ય વૈશ્વિક બન્યું છે. ગાંધી વધુ ને વધુ સાંપ્રત બની રહ્યા છે. મહાત્મા ગાંધીને આજે ૧૫૬ વર્ષ થયા, પરંતુ ૧૨૨ વર્ષ પહેલા ‘સત્યના પ્રયોગો’ લખતાં લખતાં “રામરાજ્ય અને રામકાજ’ એવો શબ્દ પ્રયોગ કર્યો. પુત્ર હરિલાલને જેલવાસ દરમિયાન પત્ર લખતા કહ્યું, ‘ગુણો જડ નથી, ચૈતન્ય છે.”અહીં ગુણોનો સંદર્ભ ચિંતન્ય હોય. શ્રી રજનીશે પણ કહેવું પડયું કે, ગાંધીની સર્જનશીલતા એમની પ્રાર્થના હતી.

મહાત્માએ દેશને છ શતકની ગુલામીની જંજીરથી મુક્ત કરવા માટે સૂચવેલ. સામાજિક પરિવર્તનની દિશા સ્વયં એક કાર્ય પદ્ધતિ હોય. જવાહરલાલ નહેરુએ ગાંધીને એક રોશની કહ્યા, તો કાકા કાલેલકરે રસાયણ તરીકે જાણ્યા, બર્નાડ શોએ ગાંધીની રચનાત્મક વિચાર સરણીને માનવીય ચેતના સાથે જોડતા કાર્યો તરીકે નોંધ્યા છે.આજે પણ, દેશ ગાંધી ચિંધ્યા માર્ગે ચાલવા પ્રયત્ન કરે છે. તેનું કારણ ગાંધીજીએ ટકાઉ અને વૈજ્ઞાનિક અભિગમ આપ્યો છે. ‘સત્યનાપ્રયોગો’ માં રામકાજ, રામરાજ્ય અને રામરસાયણ પ્રકારે વૈચારિક ભાવના વ્યક્ત કરનાર ગાંધી પહેલાં ૨૯૦૦ વર્ષ અગાઉ જૈન ધર્મમાં આત્માને જ્ઞાની જાણવામાં આવ્યો છે. તો ચરકસંહિતામાં ૨૧૨૫ વર્ષ પહેલા માનવશરીરને પંચરસતા તરીકે જાણવામાં આવ્યું છે.

મનોવિજ્ઞાનના આધારે જેકોબ્સે ૩૫૦ વર્ષ પહેલા માનવ મસ્તિષ્કને પિંડ રસાયણ જાણ્યું અને છેક ૨૧મી સદીના પ્રારંભે જર્મનીથી શોધાયેલ બ્રેઈન મેપિંગ શરૂ થયું છે, ત્યારે પણ ઉપનિષદ્થી ગાંધી અને ગાંધીથી આધુનિક મનોવિજ્ઞાન અને સમાજવિજ્ઞાન સુધીની એકસૂત્રતા દ્રઢતાથી પ્રસ્થાપિત થાય છે. ગાંધી આજે પણ પ્રસ્તુત છે. ગાંધીનાં રચનાત્મક કાર્યો આજે પણ માણસને સક્રિય થવા પ્રેરે છે. કારણ (૧)ગાંધીની વિચારસરણી સમાજ પરિવર્તનની ક્ષમતા ધરાવે છે. (૨) વ્યક્તિગત પરિવર્તન માટે પ્રેરક બને છે. (૩) રસાયણરૂપે કર્મ માનવ દેહે આનંદિત રહે છે. (૪) કર્મ ચિંતન્ય સાથે અનુબંધ જાળવી રાખે છે અને આથી વર્ષ ૧૯૦૮માં ગાંધીજીએ હિંદ સ્વરાજમાં મૂકેલ વિચારે આજે પણ રચનાત્મક કાર્ય રીતે જીવંત છે અને એજ ગાંધીનાં સ્મરણ સાતત્યનું કારણ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top