Entertainment

ત્રીજા ધોરણમાં હતો ત્યારે જ એક્ટર બનવાનું નક્કી કરી દીધું હતું

2015માં ‘છેલ્લો દિવસ’થી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કારકિર્દી શરૂ કરનાર અભિનેતા યશ સોનીને આ ફિલ્ડમાં 10 વર્ષ પૂરાં કર્યા. યશની આ 10 વર્ષનું ‘જગત’ દર્શાવે છે કે તે મક્કમ ગતિથી ચોક્કસ લક્ષ્યને હાંસલ કરવા ખૂબ જ મેચ્યોર્ડ રીતે આગળ વધી રહ્યો છે. એટલે જ કદાચ યશે 10 વર્ષમાં માત્ર 13 ફિલ્મો કરી છે. જેમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ ‘ચાલ જીવી લઈએ’ નો પણ સમાવેશ થાય છે. પોતાની અપકમિંગ ફિલ્મ ‘ચણિયા ટોળી’નું પ્રમોશન કરવા સુરત આવેલા યશ સોની ‘ગુજરાતમિત્ર’ના મહેમાન બન્યા ત્યારે આ વાતોમાં જાણવા મળ્યું કે યશનું કોફી પ્રત્યેનું વળગણ હજું પણ અકબંધ છે. અને બીજી શું વાતો કરી યશે? જાણીએ…

  • છેલ્લો દિવસ આવી તે પહેલાં શું કરતા, તે ફિલ્મમાં કઈ રીતે તક મળી?
    હું નાટકોમાં અભિનય કરતો અને ઓડિશન આપતો હતો. મેં ઘણા રિજેક્શન જોયા છે. છેલ્લા દિવસમાં પણ હું પહેલી પસંદગી નહોતો. છેલ્લે સુધી નિખિલના કેરેકટર માટે કોઈ એક્ટર લોક ન થતા છેલ્લી ઘડીએ મારું ફરી ઓડિશન લીધું હતું. મેં એટલા રિજેક્શન જોયા હતા કે હું ટેવાઈ ગયો હતો. એટલે બિન્ધાસ્ત ઓડિશન આપ્યું અને પાસ થઈ ગયો. પછી તો ઈતિહાસ સર્જાયો.
  • પહેલીવાર અભિનેતા બનવાનો વિચાર કયારે આવ્યો?
    મારા પપ્પા ઈલેક્ટ્રીકલ એન્જિનિયર. હું ત્રીજા ધોરણમાં હતો. મને બંદૂક ચલાવવાનો બહુ શોખ તે એક દિવસ હું રમકડાંની ગનથી રમી રહ્યો હતો. ત્યારે પપ્પાએ પૂછ્યું તારું ધ્યેય શું છે?, મને ધ્યેય એટલે શું તે જ સમજાયું નહીં. પપ્પાએ સમજાવી પૂછ્યું કે મોટા થઈ શું બનવું છે. ત્યારે મેં વિચાર્યું અને બાળસહજ ભાવે કહ્યું કે કોઈ એક ક્ષેત્રે કારકિર્દી બનાવીશ તો તે જ બનીને રહી જાઈશ, પરંતુ અભિનેતા બનું તો બધું જ કરી શકું. એટલે મારે અભિનેતા બનવું છે. મારા પેરેન્ટ્સે મારી તે વાતને સિરીયસલી લીધી. મને નાટકોમાં અભિનય કરવા પ્લેટફોર્મ પુરું પાડ્યું. એ માટે હું તેમનો જેટલો આભાર માનું ઓછો છે.
  • ઈન્ડસ્ટ્રીમાં 10 વર્ષ કેવા રહ્યાં, આ જર્નીને કઈ રીતે ડિસ્ક્રાઈબ કરશે?
    અમેઝિંગ જર્ની રહી છે. 17 વર્ષનો હતો ત્યારે પહેલી ફિલ્મ છેલ્લો દિવસની શૂટિંગ કરતો હતો. નાની ઉંમરમાં સફળતા મળી તે સારું જ લાગે. પાછલા દસ વર્ષમાં હું વધુ મેચ્યોર થયો છું. વધુ સાહસિક થયો છું.
  • 10 વર્ષમાં 13 જ ફિલ્મ કરી છે, કોઈ ખાસ કારણ..?
    હું એવી જ ફિલ્મો પસંદ કરું છે પાત્રને હું દિલથી ભજવી શકું. જેની સાથે એક રસ થઈ શકું. નાટક કરતો ત્યારનાં મારા ગુરુ સ્વ. નિમીષ દેસાઈ મારા માર્ગદર્શક રહ્યાં છે. ડિસ્પીલિનમાં રહી ઓછું પણ સારું કામ કરવાની પ્રેરણા તેમના તરફથી મળી છે. એટલે થોડું ઓછું કામ કરી શકું છું.
  • આ દરમ્યાન સદીના મહાનાયક સાથે કામ કરવા મળ્યું, તે અનુભવ કેવો રહ્યો?
    હા, હું લકી છું. બે ફિલ્મોમાં મને અમિતાભ બચ્ચન સાથે કામ કરવાની તક મળી. હું તેમની સાથે કામ કરતી વેળા ખૂબ જ નર્વસ હતો. મારી કોઈ ભૂલ થઈ જશે તેવો ડર સતત સતાવતો. પરંતુ જ્યારે શૂટિંગ પૂરું થયું ત્યાર બાદ હું સાતમા આસમનમાં હતો. ખૂબ નાચ્યો…
  • તો બોલિવૂડમાં જવાનો કોઈ પ્લાન ખરો?
    હિન્દી ફિલ્મોમાં કામ કરવાનું કોને ન ગમે?, મને પણ ઓફરો મળી હતી પરંતુ કેટલાંક કમિટમેન્ટના લીધે કરી ન શક્યો. સારું કામ મળે તો જરૂર કરીશું. પણ એક વાત કહું ગુજરાતી ફિલ્મોમાં મજા આવે છે. હવે અહીં નવું નવું કામ થઈ રહ્યું છે.
  • ગુજરાતી ફિલ્મોમાં શું નવું થઈ રહ્યું છે?
    હવે ગુજરાતી નિર્માતા, દિગ્દર્શકો અને અભિનેતા પ્રયોગશીલ બન્યા છે. કૃષ્ણદેવ યાજ્ઞિકની વશ અને વશ-ટુ તેનું ઉદાહરણ છે. વશની રિમેક હિન્દીમાં શૈતાન બની. વશ-ટુ ગુજરાતી-હિન્દી બંનેમાં સાથે રિલિઝ થઈ. જાનકીને નેશનલ એવોર્ડ મળ્યો. મારી અપકમિંગ મૂવી ચણિયા ટોળી પણ એક મોટો પ્રયોગ છે. એક યુવાન સાવ અભણ, ગામડાની સાત બહેનો અને એક વૃદ્ધ કે જેઓએ જીવનમાં ક્યારેય બેન્ક જોઈ નથી તેઓની ટોળી બનાવી બેન્ક લૂંટવાનો પ્લાન બનાવે છે. આવી ફિલ્મો કરવાની મજા પડે છે.
  • ચોક્કસ પ્રોડક્શન અને દિગ્દર્શક સાથે વારંવાર કામ કરવાનું કોઈ કારણ?
    ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક વિશે તમે પૂછી રહ્યાં હોવ તો કહું કે યાજ્ઞિક ગુજરાતી ઈન્ડસ્ટ્રીને મળેલી અમૂલ્ય ભેંટ છે. તેમની આગલી ફિલ્મનો કન્સેપ્ટ પાછલી ફિલ્મ કરતા સાવ જુદો હોય છે, તેથી તેઓ સાથે વારંવાર કામ કરવાનું ગમે છે. કમ્ફર્ટ લેવલ છે. એવું જ પ્રોડક્શન હાઉસનું પણ છે. ઈશારાથી વાત સમજી જાવ તેવા મેચ્યોર્ડ રિલેશન થયા હોય પછી કામ કરવાની મજા વધી જતી હોય છે.
  • સંબંધોની વાત કરો છો તો પર્સનલ લાઈફમાં તમારે કોઈની જોડે ખાસ સંબંધ ખરો?
    ના…, મારે કોઈની જોડે ખાસ સંબંધ નથી. હું સમજું છું કે તમારો ઈશારો ક્યાં છે, પરંતુ હું તમારા માધ્યમથી જ ક્લિયર કરું કે જાનકી સાથે મારે કોઈ ખાસ રિલેશન નથી. તે માત્ર એક પીઆર પોસ્ટ હતી.
  • મલ્હાર સાથે દોસ્તી કેવી?, એક પોડકાસ્ટમાં મલ્હારે તમારા વિશે કોમેન્ટ કરી હતી તે અંગે શું કહેશો?
    મલ્હાર ઠાકર સાથે ખૂબ સારા સંબંધ છે. હું જાહેર ફોરમ પર આવા જવાબો આપવાનું પસંદ કરતો નથી એટલે અત્યાર સુધી મારું કોઈ વર્ઝન તે અંગેનું તમે સાંભળ્યું નહીં હોય. મલ્હાર સાથે આ મામલે વર્ષો પહેલાં ચર્ચા થઈ જ ચૂકી છે. તેથી તે અંગે વધુ વાત કરવાનો કોઈ અર્થ રહેતો નથી.
  • સુરતના મહેમાન થયા છો, તો તમને સુરતમાં શું ગમે છે, સુરત વિશે કંઈ કહેશો..
    ખરું કહું મને સુરત ખૂબ જ વ્હાલું છે. અહીં મારી બે ફોઈ રહે છે. બાળપણથી અહીં આવતો રહ્યો છું. મને અહીંનો લોચો અને બ્લેક કોફી ખૂબ પસંદ છે. સુરત જ્યારે આવતો હોઉં ત્યારે ખાસ એક કેફે છે ત્યાંની બ્લેક કોફી પીઉં છું. કેફેમાં ન જઈ શકું તો મંગાવી લઉં છું. તે સિવાય મને અહીંના સ્ટુન્ડ્સ ફેન્સ ખૂબ જ પસંદ છે. તેઓ સાથે ફોટા પડાવવાનું ખૂબ ગમે. કારણ કે તેમનો ઉમળકો, તેમના તરફથી મળતો રિસ્પોન્સ અદ્દભૂત હોય છે. તેઓની ફેશન સેન્સ પણ જબરજસ્ત હોય છે. ઘણીવાર તો મુંબઈ કરતા સારો કપડાં સુરતના કોલેજિયનોને પહેરેલા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે.
  • છેલ્લો સવાલ, તમારા માટે સફળતા એટલે શું?
    રાતે નિરાંતની ઊંઘ આવે એ સફળતા.

Most Popular

To Top