આજે મંગળવારે તા. 30 સપ્ટેમ્બર 2025ના રોજ ક્વેટામાં પાકિસ્તાની સેનાના મુખ્યાલયમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો. પૂર્વી ક્વેટામાં ફ્રન્ટિયર કોર્પ્સ મુખ્યાલય પાસે એક શક્તિશાળી વિસ્ફોટ પછી ગોળીબાર થયો. સંવેદનશીલ વિસ્તાર ગણાતા મોડેલ ટાઉન અને આસપાસના વિસ્તારોમાં આ વિસ્ફોટનો અવાજ સંભળાયો. વિસ્ફોટથી નજીકના ઘરો અને ઇમારતોની બારીઓ તૂટી ગઈ.
પાકિસ્તાની ન્યૂઝ વેબસાઇટ ડોન અનુસાર, વિસ્ફોટમાં 10 લોકોના મોત અને 32 ઘાયલ થયાના અહેવાલ છે. મૃત્યુઆંક વધી શકે છે.
બલુચિસ્તાનના આરોગ્ય પ્રધાન બખ્ત મુહમ્મદ કાકર અને આરોગ્ય સચિવ મુજીબ-ઉર-રહેમાને સિવિલ હોસ્પિટલ ક્વેટા, બીએમસી હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટરમાં કટોકટી જાહેર કરી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર બધા કન્સલ્ટન્ટ, ડોકટરો, ફાર્માસિસ્ટ, સ્ટાફ નર્સ અને પેરામેડિકલ સ્ટાફ ફરજ પર છે. બચાવ સૂત્રોએ પુષ્ટિ આપી છે કે ઘાયલો અને મૃતકોના મૃતદેહોને ક્વેટાની સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, વિસ્ફોટથી શહેરમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાસ્થળે ગોળીબારનો અવાજ પણ સંભળાયો હતો. ત્યારબાદ લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. ઘટનાસ્થળેથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા.
શરૂઆતના અહેવાલો દર્શાવે છે કે વિસ્ફોટ ખૂબ જ જોરથી હતો, પરંતુ વિસ્ફોટનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. વિસ્તારમાં બચાવ કામગીરી ચાલી રહી છે. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે.
એક સીસીટીવી કેમેરામાં વિસ્ફોટનો અવાજ અને જ્વાળાઓ દેખાઈ રહી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસ્ફોટનું કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે. બચાવ ટીમો અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે, જ્યારે શોધખોળ કામગીરી માટે વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર બધા ડોકટરો, ફાર્માસિસ્ટ, સ્ટાફ નર્સ અને પેરામેડિકલ સ્ટાફ ફરજ પર છે. ક્વેટા પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતની રાજધાની છે. આ પ્રદેશ ઉગ્રવાદી હિંસાનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે.
અહીં અલગતાવાદી અને ઉગ્રવાદી હિંસાની ઘટનાઓ સામાન્ય છે, જેમાં લશ્કર-એ-ઝાંગવી (LeJ) અને ઇસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંત (ISKP) દ્વારા સંચાલિત હિંસાનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) પણ સક્રિય છે. તાજેતરમાં બલૂચ અલગતાવાદી હુમલાઓમાં પણ વધારો થયો છે.