Columns

સોનમ વાંગચુક સરકારની નજરમાં દેશપ્રેમીમાંથી દેશદ્રોહી કેવી રીતે બની ગયો?

કોઈ પણ લોકશાહી દેશના નાગરિકને સરકારની નીતિનો વિરોધ કરવાનો અને પોતાનો ભિન્ન મત વ્યક્ત કરવાનો અધિકાર છે. જો તે ભિન્ન મતને કચડવાનો પ્રયાસ કરવામાં આવે તો માની લેવું કે તે દેશ સરમુખત્યારશાહીના પંથે જઈ રહ્યો છે. લદ્દાખનો સામાજિક કાર્યકર અને ચળવળકાર સોનમ વાંગચુક કોઈ સમયે સરકારનો અને ગોદી મિડિયાનો ફેવરિટ હતો. આમિર ખાનની થ્રી ઇડિયટ્સ ફિલ્મનું જે મુખ્ય પાત્ર હતું તે સોનમ વાંગચુકથી પ્રેરિત હતું. સોનમ વાંગચુક લદ્દાખનાં યુવાનો માટે શિક્ષણ, પર્યાવરણ અને રોજગાર બાબતમાં પ્રેરણાસ્રોત બની ગયો છે.

ભારતના સરહદી અને સંવેદનશીલ વિસ્તારમાં લોકજાગરણની કામગીરી બજાવવા બદલ તેને અનેક જાતના એવોર્ડ પણ મળ્યા છે, પરંતુ હમણાં હમણાં સોનમ વાંગચુકને નાયકને બદલે ખલનાયક તરીકે ચિતરવાની હોડ ગોદી મિડિયામાં અને ભાજપના આઈટી સેલમાં ચાલી છે. તેનું કારણ એ છે કે લદ્દાખનાં લોકોમાં કેન્દ્ર સરકારની નીતિઓ બાબતમાં ધૂંધવાતો અસંતોષ બહાર લાવવાનું કામ સોનમ વાંગચુકે કર્યું છે. સોનમ વાંગચુકનું આંદોલન કાયમ શાંતિપૂર્ણ હતું; પણ લદ્દાખની હિંસા માટે તેને જવાબદાર ઠેરવીને તેના પર રાષ્ટ્રીય સુરક્ષા ધારો લગાવવામાં આવ્યો છે અને તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. આ માટે સોનમ વાંગચુકની પાકિસ્તાન મુલાકાત અને બાંગલા દેશના વર્તમાન વડા પ્રધાન સાથેના તેના સંબંધોનું કારણ આપવામાં આવી રહ્યું છે.

એન્જિનિયર, ઇનોવેટર, શિક્ષણવિદ્ અને પર્યાવરણીય કાર્યકર્તા સોનમ વાંગચુક છેલ્લા એક વર્ષમાં વિવિધ પ્રસંગોએ બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં લદ્દાખનો સમાવેશ કરવા માટે મરણાંત ઉપવાસ કરી ચૂક્યો છે અને આ માટે તેણે દિલ્હી સુધી કૂચ પણ કરી છે. ગયા વર્ષે માર્ચમાં તેણે લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા અને છઠ્ઠી અનુસૂચિમાં તેનો સમાવેશ કરવાની માંગણી સાથે ૨૧ દિવસની ભૂખ હડતાળ કરી હતી. ઓક્ટોબર ૨૦૨૪ માં તેણે આ માંગણીને સમર્થન આપવા માટે લદ્દાખથી દિલ્હી સુધી કૂચનું નેતૃત્વ કર્યું હતું. જો કે, દિલ્હી પોલીસે તેને સિંધુ બોર્ડર પર અટકાયતમાં લીધો હતો. સોનમ વાંગચુક કદી હિંસાને સમર્થન આપતો નથી, ભારત વિરુદ્ધ ઉશ્કેરણી કરતો નથી અને ગાંધીજીના માર્ગે આગળ વધવામાં માને છે.

ભારતના ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં હિંસા માટે સોનમ વાંગચુકને જવાબદાર ઠેરવવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે સોનમ વાંગચુકે ઉશ્કેરણીજનક નિવેદનો આપીને ટોળાંને ઉશ્કેર્યાં હતાં અને જ્યારે હિંસા શરૂ થઈ ત્યારે તેણે પોતાની ભૂખ હડતાળ સમાપ્ત કરી અને એમ્બ્યુલન્સમાં પોતાના ગામ જવા રવાના થઈ ગયો હતો. સોનમ વાંગચુકને ગૃહ મંત્રાલયના આ નિવેદન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે આ નિવેદન આશ્ચર્યજનક નથી. સરકાર મારો અવાજ દબાવવા માંગે છે. બુધવારે જે બન્યું તેના માટે તેઓ મને દોષી ઠેરવી રહ્યા છે. સરકાર મને જેલમાં નાખી શકે છે. મારી શાળાની જમીન પાછી લેવામાં આવી છે. અનેક FIR દાખલ કરવામાં આવી છે. રાજદ્રોહનો આરોપ પણ દાખલ કરવામાં આવ્યો છે. તેઓ ઇચ્છે છે કે હું લદ્દાખથી દૂર રહું, તેથી તેઓ PSA લાદવાની તૈયારી કરી રહ્યા છે.

જ્યારે સોનમ વાંગચુકને તેમની પાકિસ્તાન મુલાકાત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે મેં આ વર્ષે જાન્યુઆરીમાં પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. ત્યાં સંયુક્ત રાષ્ટ્રનો પર્યાવરણીય કાર્યક્રમ હતો. મેં વડા પ્રધાન મોદીના ઉત્તમ પર્યાવરણીય કાર્યક્રમોની પણ પ્રશંસા કરી હતી.  તેમાં ફક્ત હું જ નહીં પરંતુ ભારતના છ અન્ય નિષ્ણાતો પણ હાજર હતા. આ કોઈ ગુપ્ત મુલાકાત નહોતી. આ ઉપરાંત, બાંગલા દેશની વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસ સાથે સોનમ વાંગચુકનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટામાં યુનુસ અને સોનમ વાંગચુક એકબીજાને ભેટી રહેલા જોવા મળે છે.

જ્યારે સોનમ વાંગચુકને આ ફોટા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે જો તમે તેની તારીખ જુઓ. હું ૨૦૨૦માં ત્યાં ગયો હતો. તે વખતે તેઓ બાંગલા દેશના વડા પ્રધાન બન્યા નહોતા. હું જે પણ દેશમાં જાઉં છું, ત્યાંના અગ્રણી વ્યક્તિઓ મને મળવા આવે છે. તે સમયે કોઈપણ ભારતીય મોહમ્મદ યુનુસને આ રીતે મળતો હોત. હવે બાંગલા દેશમાં એક બળવો થયો છે અને મોહમ્મદ યુનુસે ભારતવિરોધી વલણ અપનાવ્યું છે, તેથી તેમને ખલનાયક તરીકે દર્શાવવામાં આવી રહ્યા છે.

લદ્દાખ ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ પ્રદેશ છે, કારણ કે તે ચીન અને પાકિસ્તાન બંને સાથે સરહદો ધરાવે છે. ભારત છેલ્લાં કેટલાંક વર્ષોથી ચીન સાથેની સરહદ પર તણાવનો સામનો કરી રહ્યું છે અને પાકિસ્તાન સાથે પણ સરહદ પર સતત તણાવ ચાલુ છે. લદ્દાખ ભારતની સુરક્ષા માટે એક મહત્ત્વપૂર્ણ પ્રદેશ છે. જ્યારે લદ્દાખને શરૂઆતમાં કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો, ત્યારે ત્યાંનાં લોકો તેના વિશે સકારાત્મક હતાં, પરંતુ ધીમે ધીમે તેમને લાગવા લાગ્યું કે તે તેમના લાભમાં નથી. લદ્દાખનાં લોકોને લાગતું હતું કે બહારનાં લોકો તેમની નોકરીઓ છીનવી રહ્યાં છે અને તેમની સંસ્કૃતિને નુકસાન પહોંચાડી રહ્યાં છે. લદ્દાખનાં લોકોની માંગણીઓ ખોટી નથી, પરંતુ હિંસા તેને પ્રાપ્ત કરવાનો માર્ગ નથી. લદ્દાખનાં લોકોની માંગણીઓને સરકારે અત્યંત સંવેદનશીલતાથી સાંભળવી જોઈએ, તેને બદલે તેમના અવાજને કચડવામાં આવી રહ્યો છે.

લદ્દાખમાં ચાલી રહેલા આંદોલન પાછળ સોનમ વાંગચુક મુખ્ય વ્યક્તિ છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, જ્યારે ૨૦૧૯ માં લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો, ત્યારે ખૂબ જ સકારાત્મક વાતાવરણ હતું. હવે અચાનક પરિસ્થિતિ કેમ બદલાઈ ગઈ છે? શું લદ્દાખનાં લોકોએ ત્યારે ખોટી ગણતરી કરી હતી? તેના જવાબમાં સોનમ વાંગચુકે  જણાવ્યું કે અમે હંમેશા વિધાનસભા સાથે કેન્દ્રશાસિત પ્રદેશની માંગણી કરી છે. અમને આશા હતી કે કાશ્મીરની જેમ લદ્દાખ પણ વિધાનસભા સાથે કેન્દ્રશાસિત પ્રદેશ બનશે. અહીં એક વ્યક્તિ શાસન કરે છે.

તેની પાસે બધી સત્તા છે. અમારી પાસે કોઈ લોકશાહી મંચ નથી. ત્યાં ઘણી બધી મનમાની અને ભ્રષ્ટાચાર છે. જો તમે અમારાં જૂનાં બેનરો જુઓ, તો તેઓ સ્પષ્ટપણે વિધાનસભા સાથે કેન્દ્રશાસિત પ્રદેશની માગણી કરે છે. હવે માંગણી પૂર્ણ રાજ્યની છે. લદ્દાખમાં બેરોજગારી અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓને કેન્દ્રશાસિત પ્રદેશ સાથે જોડવામાં આવી રહ્યા છે. શું વિધાનસભા કે પૂર્ણ રાજ્ય ધરાવતું કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા પછી આ બધી સમસ્યાઓનો અંત આવશે? સોનમ વાંગચુક કહે છે કે મોટા ભાગે. જો લદ્દાખને છઠ્ઠી અનુસૂચિનું રક્ષણ મળે તો પણ તે અમારા માટે સારું રહેશે. તે પછી અમને સરકાર તરફથી બધું જ મળશે. પછી બધી જવાબદારી અમારી રહેશે.

શું લદ્દાખમાં ચાલી રહેલાં વિરોધ પ્રદર્શનોની જમ્મુ અને કાશ્મીર પર અસર પડશે? લેફ્ટનન્ટ જનરલ હુડ્ડા કહે છે કે જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રીએ જે કહ્યું છે તેના પરથી એવું લાગે છે કે જમ્મુ અને કાશ્મીરને એક વચન આપવામાં આવ્યું હતું. જ્યારે આપણે કાશ્મીર અને લદ્દાખની તુલના કરી શકતા નથી, પરંતુ આંદોલનની અસર તેની પોતાની સીમાઓ સુધી મર્યાદિત નથી. હવે બધું ધ્યાન સોનમ વાંગચુક પર કેન્દ્રિત છે. મારું માનવું છે કે એક વ્યક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવા અથવા તેને વિવાદમાં ઘસડવા કરતાં લોકોની માંગણીઓને સંવેદનશીલતાથી ધ્યાનમાં લેવી વધુ સારું છે.

આ આંદોલન કોઈ એક વ્યક્તિ સાથે જોડાયેલું નથી. વરિષ્ઠ પત્રકાર રાહુલ પંડિત ચેતવણી આપે છે કે સરકારે લદ્દાખ અંગે સતર્ક રહેવું જોઈએ અને તેને નિયંત્રણ બહાર ન જવા દેવી જોઈએ.  આપણે ચીનને તક આપવી જોઈએ નહીં. જો સરકાર લદ્દાખનાં વિરોધ પ્રદર્શનોને યોગ્ય રીતે હેન્ડલ કરવામાં નિષ્ફળ જશે તો તેનાં પરિણામો કાશ્મીરમાં પણ જોવા મળશે. લદ્દાખ ભારતની આંતરિક અને બાહ્ય સુરક્ષા બંને માટે મહત્ત્વપૂર્ણ છે. સોનમ વાંગચુક પણ જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનું સમર્થન કરે છે.

સોનમ વાંગચુક માને છે કે છઠ્ઠી અનુસૂચિ લદ્દાખનાં આદિવાસી લોકોને સશક્ત બનાવશે. સોનમ વાંગચુક કહે છે કે શરૂઆતમાં કેન્દ્ર સરકાર લદ્દાખને રાજ્યનો દરજ્જો અને છઠ્ઠી અનુસૂચિનું રક્ષણ આપવા માંગતી હતી, પરંતુ પાછળથી ઔદ્યોગિક લોબીના દબાણને કારણે સરકાર આનાથી દૂર રહી હતી.  સોનમ વાંગચુક કહે છે કે હવે આપણે જે જોઈએ છીએ તે એ છે કે સરકાર કોર્પોરેટ ગૃહોને જમીનો આપી રહી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top