Columns

ઈશ્વરને સાચી પ્રાર્થના

ઈશ્વરને સાચી પ્રાર્થના એક દિવસ એક સંતની પાસે એક સજ્જન આવ્યા અને બોલ્યા, ‘સંતશ્રી હું રોજ મંદિરે જાઉં છું અને રોજ ભગવાન પાસે જઈને રોજ પ્રાર્થના કરું છું પણ મને સમજાતું નથી કે ભગવાન મારી પ્રાર્થના સાંભળે છે કે નહીં.’ સંત બોલ્યા, ‘એવું શું કામ લાગે છે? ભગવાન તો બધાની સાચા મનથી કરેલી સાચી પ્રાર્થના સાંભળે જ છે. તમે આ વિચાર મનમાંથી કાઢી નાખો.’

સજ્જન બોલ્યા, ‘ના બાપજી, મને સમજવું છે કે ભગવાન મારી રોજે રોજની પ્રાર્થના સાંભળે છે કે નહીં કારણ કે ક્યારેક હું તેની પાસે જે માંગું છું તે તરત મળી જાય છે અને ક્યારેક માંગી માંગીને થાકું છું પણ મળતું નથી એટલે જ મને લાગે છે કે ભગવાન રોજે રોજ પ્રાર્થના સાંભળતો નથી.’ આ સાંભળી સંત હસ્યા અને બોલ્યા, ‘એટલે તમારા મત પ્રમાણે તમે જે માંગો તે મળે તો જ ભગવાને પ્રાર્થના સાંભળી કહેવાય. પણ માઠું ન લગાડતા આ તમારી પ્રાર્થના નથી યાચના છે. તમે સાચી પ્રાર્થના કરતા જ નથી!’

સજ્જનને પૂછ્યું, ‘બાપજી ભગવાન પાસે પ્રાર્થનામાં બધા માંગણી જ કરતા હોયને જો તે પ્રાર્થના નથી તો સાચી પ્રાર્થના શું છે?’ સંતે કહ્યું, ‘કોઇપણ માંગણી વિનાની પ્રાર્થના સાચી પ્રાર્થના છે, પોતા માટે નહીં બીજા માટે કરેલી પ્રાર્થના સાચી પ્રાર્થના છે. માત્ર ભગવાનનું નામ સ્મરણ અને નમન સાચી પ્રાર્થના છે.’ સજ્જન પેટછુટી વાત કરતા બોલ્યા, ‘બાપજી, તમે કહો છો કે માંગણી વિનાની પ્રાર્થના જ સાચી પ્રાર્થના છે પણ વર્ષોથી ભગવાન પાસે બે હાથ જોડીને પ્રાર્થના કરતા તરત કૈંક માંગણી કરવાની જ આદત પડી ગઈ છે તો શું કરવું?’

સંત ફરી હસ્યા અને બોલ્યા, ‘હું જાણું છું દરેક જણને ભગવાન પાસે માંગવાની જ આદત હોય જ છે, પણ આજથી જો તમારે પ્રાર્થના કરતી વખતે ઈશ્વર પાસે માંગવું જ હોય તો એમ માંગો કે જે સુખ અને ખુશી મેં મારા માટે માંગ્યા છે તે સુખ અને ખુશી ભગવાન બધાને આપજો અને જે દુઃખ મને નથી જોઈતાં તે દુઃખ હે ઈશ્વર કોઈને પણ નહીં આપતા. આમ તમે માત્ર પોતાના માટે નહીં પણ બધા માટે માંગશો તો ઈશ્વર તે પ્રાર્થના ચોક્કસ સાંભળશે.’ સંતે બહુ સરળતાથી સાચી પ્રાર્થનાની રીત સમજાવી.- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top