Dahod

જુના ચાકલિયામાં ​ઘુઘરદેવ મહાદેવ મંદિરની પાંડવકાલીન ગુફામાં ડાયનાસોરની હયાતીના અવશેષ મળ્યા

​પ્રાગૈતિહાસિક પુરાવા મળતા દાહોદ જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવીને નિરીક્ષણ કર્યું

રાત્રે મંદિર ખાતે કલેક્ટરે રાત્રી ગ્રામસભા યોજી,ગુફામાં ચારથી પાંચ પંજાના નિશાન : આશરે દોઢ વેંત લગભગ 9થી 10 ઇંચ જેટલા કદના પગલાંના નિશાન મળ્યા


દાહોદ: દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાનું જુના ચાકલીયા ગામ હાલમાં રાજ્ય સ્તરે ચર્ચામાં આવ્યું છે.અહીં આવેલું આશરે 5 હજાર વર્ષ જૂનું પૌરાણિક ઘુઘરદેવ મહાદેવ મંદિર જેને પાંડવકાલીન માનવામાં આવે છે. તેની ગુફામાંથી અત્યંત ચોંકાવનારા અને પ્રાગૈતિહાસિક યુગના પુરાવાઓ મળી આવ્યા છે.

ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડની હેરિટેજ ઇમારતોની સર્વે કરતી ટીમેને સર્વે દરમિયાન ગુફાની અંદરથી ડાયનોસોરના પંજાના નિશાન હોવાનું પ્રાથમિક અનુમાન લગાવી શકાય તેવા પંજાના નિશાન મળી આવતા ધાર્મિક અને વૈજ્ઞાનિક જગતમાં ભારે ઉત્સુકતા ફેલાઈ હતી.

લાંબા સમયથી સ્થાનિક લોકો ઘુઘરદેવ મહાદેવ મંદિરને પ્રવાસન ધામ યોજનામાં સમાવવા અને તેના વિકાસની માંગ કરી રહ્યા હતા.આ કાર્યવાહીના ભાગરૂપે 1 જુલાઈ 2025ના રોજ ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડની એક ટીમે મંદિર પરિસરનો સર્વે હાથ ધર્યો હતો. સર્વે દરમિયાન મંદિરની અંદર આવેલી સફેદ પથ્થરોની માટીની ગુફામાં ટીમને આશરે દોઢ વેંત લગભગ 9 થી 10 ઇંચ જેટલા કદના પગલાંના નિશાન મળી આવ્યા હતા.

નિરીક્ષકોએ આ નિશાનોના કદ અને આકારના આધારે પ્રાથમિક અનુમાન લગાવ્યું છે કે આ નિશાન લાખો વર્ષ પૂર્વેના ડાયનોસોરના હોઈ શકે છે.​પૌરાણિક મંદિરની ગુફાની અંદર ડાયનોસોરના પંજાના નિશાન હોવાની માહિતી મળતાં જ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. સ્થાના રિપોર્ટ બાદ દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે ઝાલોદ પ્રાંત અધિકારી એ.કે ભાટિયા અને મામલતદાર શૈલેન્દ્ર પરમાર સહિત વહીવટી તંત્રની એક ઉચ્ચ સ્તરીય ટીમે મોડી સાંજે તાત્કાલિક જુના ચાકલીયા દોડી જઈ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.આ નિરીક્ષણ બાદ કલેક્ટરની અધ્યક્ષતામાં મંદિર ખાતે જ એક રાત્રી ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં જિલ્લા કલેક્ટરે પંથકના લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા.​ઘુઘરદેવ મહાદેવ મંદિરની ગુફામાં ડાયનોસોરના નિશાન મળવાની વાતથી સમગ્ર દાહોદ જિલ્લામાં ભારે ચર્ચા જાગી છે.

રિપોર્ટ બાદ કલેક્ટરની મુલાકાત

ઝાલોદ તાલુકાના ​ઘુઘરદેવ મહાદેવ મંદિરની ગુજરાત સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડની એજન્સી દ્વારા સર્વે કરાયો હતો.જેમાં આ ટીમે ઘુઘરદેવ મહાદેવ મંદિરની ગુફામાં ડાયનોસોરના પંજાના નિશાન જણાતા હોવાનો રિપોર્ટ કર્યો હતો.ત્યાર બાદ કલેકટર સાહેબ દ્વારા મંદિરની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું.ડાયનોસોરના પંજાના નિશાન હોવાનો કોઈ ચોક્કસ રિપોર્ટ નથી.
એ.કે ભાટિયા પ્રાંત અધિકારી ,ઝાલોદ


ઘણા વર્ષો પહેલાના દરિયાઇ જીવોના નિશાન પણ હોઇ શકે છે

દાહોદ જિલ્લાના ઝાલોદ ઘુઘરદેવ મહાદેવ મંદિરમાં ગુજરાત સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડના નેજા હેઠળ અતુલ્ય વારસો સંસ્થા અમારી ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો.આ સર્વે દરમિયાન ગુફા માંથી પંજાના નિશાન મળ્યા હતા.જે બાબતે અમોએ રાજ્ય કક્ષાએ રિપોર્ટ કર્યો હતો.આ નિશાન ડાયનોસોરના હોવાનું જણાતું હતું પરંતુ આ નિશાનો ઘણા જ વર્ષો પહેલાના દરિયાઈ જીવોના પણ હોઈ શકે છે.

કપિલ ઠક્કર અને રોનક રાણા , અતુલ્ય વારસો સંસ્થા ટીમ સભ્ય ,ગાંધીનગર

10 થી 15 કરોડ વર્ષ જૂના ‘જુરાસિક યુગ’ના ફોસિલ અવશેષો મળ્યા

​દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના જુના ચાકલીયા ગામ પાસેની એક મંદિરની ગુફામાં ‘ટીમ અતુલ્ય વારસો’ દ્વારા અનાસ નદીના કિનારે સર્વેક્ષણ દરમિયાન કરોડો વર્ષ જૂના ફોસિલ (અશ્મિભૂત) અવશેષો મળી આવ્યા હતા.જેમાં ​પ્રાથમિક મુખ્ય તારણો પ્રમાણે આ અવશેષોનો સમયગાળો 100 થી 150 મિલિયન વર્ષ (10 થી 15 કરોડ વર્ષ) જૂના હોઈ શકે છે. જે સંભવતઃ જુરાસિક યુગના છે.અગાઉ પણ દાહોદમાંથી ડાયનાસોરના અવશેષો મળ્યા હોવાથી આ શોધ આ વિસ્તારના પ્રાચીન ઇતિહાસ અને જૈવ-વૈવિધ્યતાને સમજવા માટે સીમાચિહ્નરૂપ ગણાય છે. આ સ્થળે વધુ સંશોધન હાથ ધરવા માટે નિષ્ણાતો અને વિદ્વાનો દ્વારા ઊંડાણપૂર્વક અભ્યાસની જરૂર છે.ગુજરાત યાત્રા ધામ વિકાસ બોર્ડમાં કામ કરતી અતુલ્ય વારસો સંસ્થા દ્વારા ઘુઘરદેવ મંદિરમાં સર્વે કર્યા બાદ આ પોસ્ટ ટ્વિટ કરીને માહિતી આપી હતી.


ભૂતકાળમાં પણ ડાયનાસોરના ઇંડા મળ્યા છે
દાહોદ શહેરથી લગભગ 8 કિલોમીટર દૂર આવેલા પાવડી ગામના એક મંદિરમાં ડાયનાસોરનું ઈંડું સિમેન્ટમાં જડેલું મળી આવ્યું હતું. આ સિવાય ​મીરાખેડી, ​વાણીયાવાવ અને ધોળીદાંતી ગામેથી પણ ભૂતકાળમાં અશ્મિઓ મળી આવ્યા હોઇ તે વિવિધ સ્થળે સંગ્રહી રખાયેલા છે. ​

લોકવાયકા મુજબ નાગ નીકળ્યો!
દાહોદ જિલ્લા કલેકટર સહિતની વહીવટી તંત્રની ટીમ દ્વારા ​ઘુઘરદેવ મહાદેવ મંદિરમાં નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા.ત્યારે ગુફા પાસે કાળો નાગ નીકળ્યો હતો.લોકવાયકા મુજબ મંજૂરી વગર મંદિરમાં કોઈ તોડફોડ કે પથ્થરો હટાવવામાં આવે તો નાગદેવતાની હાજર થાય છે. ત્યારે કલેકટરના નિરીક્ષણ વખતે નાગ નીકળ્યો હતો. મંદિરમાં યોજાયેલી સભા જ્યાં સુધી પૂર્ણ ન થઇ ત્યાં સુધી નાગદેવતા તે જગ્યા છોડી ન હતી.

અતુલ્ય વારસોની ટીમ દ્વારા સર્વે
ઝાલોદ તાલુકાના મહેસુલી ગામ જુના ચાકલીયાના ​ઘુઘરદેવ મહાદેવ મંદિરનો વિકાસ કરવા માટે તેની કાર્યવાહી જિલ્લા કક્ષાએથી ચાલી રહી છે.તેમાં ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના નેજા હેઠળ કામ કરતી સંસ્થા અતુલ્ય વારસોના ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો.ટીમે ​ઘુઘરદેવ મહાદેવ મંદિરની સ્થળ મુલાકાત લઈને વિવિધ સર્વેની કામગીરી કરી હતી.અતુલ્ય વારસો સંસ્થા ગુજરાતમાં હેરિટેજ ઇમારતોના સર્વે કરે છે.હાલમાં મંદિરની ગુફામાં ડાયનોસોરના પંજાના નિશાન હોવાની વાત બહાર આવતા હાલ આ મામલે ભારે ચર્ચા સમગ્ર જિલ્લામાં જાગી છે.

Most Popular

To Top