Columns

સોનાની સરખામણીમાં ચાંદીના ભાવો કેમ ઝડપથી વધી રહ્યા છે?

વર્ષ ૨૦૨૫માં સોના અને ચાંદીમાં અકલ્પનીય તેજીનો વંટોળિયો જોવા મળી રહ્યો છે. ગયા શુક્રવારે ચાંદીના ભાવોમાં કિલો દીઠ ૪,૦૦૦ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. ચાંદીના ભાવો હવે કિલો દીઠ ૧,૫૦,૦૦૦ની નજીક પહોંચી ગયા છે. આ વર્ષના એપ્રિલમાં સોનાના ભાવો ૧૦ ગ્રામ દીઠ આશરે ૯૦,૦૦૦ રૂપિયા હતા અને ચાંદીના ભાવો કિલો દીઠ આશરે ૯૦,૦૦૦ રૂપિયા હતા. ટેકનિકલ ભાષામાં કહીએ તો સોના અને ચાંદી વચ્ચેનો ગુણોત્તર ૧૦૦ હતો.

છેલ્લા ૬ મહિનામાં સોનાના ભાવો દસ ગ્રામ દીઠ ૯૦,૦૦૦ રૂપિયાથી વધીને ૧,૧૭,૦૦૦ રૂપિયા પર પહોંચી ગયા છે, જ્યારે ચાંદીના ભાવો કિલો દીઠ ૯૦,૦૦૦ રૂપિયાથી વધીને ૧,૪૫,૦૦૦ રૂપિયા પર પહોંચી ગયા છે. હાલમાં સોના અને ચાંદી વચ્ચેનો ગુણોત્તર ઘટીને ૮૦ ઉપર આવી ગયો છે. ૬ મહિનામાં ૧૦ ગ્રામ સોનું ખરીદનારને ૨૭,૦૦૦ રૂપિયાનો ફાયદો થયો છે, જ્યારે તેટલી જ રકમમાં એક કિલો ચાંદી ખરીદનારને ૫૫,૦૦૦ રૂપિયાનો ફાયદો થયો છે.

જો આપણે આંતરરાષ્ટ્રીય બજારભાવની વાત કરીએ તો ૬ મહિના પહેલાં એક ઔંસ ચાંદીનો ભાવ ૨૮ ડોલર હતો, જે વધીને ૪૬ ડોલર પર આવી ગયો છે. ચાંદી ટૂંકમાં ૫૦ ડોલરની ઐતિહાસિક ઊંચાઈ પર પહોંચી જાય તેવી તમામ સંભાવના છે. ચાંદીના ભાવો વધવાનું રહસ્ય જાણવું જરૂરી છે. પહેલી વાત એ કે સોનાની સરખામણીમાં ચાંદીના ભાવો કૃત્રિમ રીતે નીચા રાખવામાં આવ્યા છે. સદીઓ પહેલાં ભારતમાં એક સોનામહોર સામે ચાંદીના દસ રૂપિયા જ મળતા હતા.

તે સમયે સોના અને ચાંદીનો ગુણોત્તર ૧૦ નો હતો. બ્રિટીશ કાળમાં તેને વધારીને ૨૦ નો કરી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ તો તે ૧૦૦ સુધી પહોંચી ગયો હતો. હવે જે રીતે ચાંદીના ભાવો વધી રહ્યા છે તે જોતાં સોના અને ચાંદી વચ્ચેનો ગુણોત્તર ઘટીને ૫૦ ઉપર આવી શકે છે, જે હાલમાં ૮૦ સુધી તો આવી ગયો છે. આ સંયોગોમાં જો સોનાના ભાવો ઔંસ દીઠ ૪,૦૦૦ ડોલર પર પહોંચે તો ચાંદીના ભાવો ઔંસ દીઠ ૨૦૦ ડોલર સુધી વધી શકે છે. અત્યારે ચાંદી ૫૦ ડોલરની નજીક પહોંચી ગઈ છે. જો આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી ઔંસ દીઠ ૨૦૦ ડોલર પર પહોંચી જાય તો ભારતના બજારમાં ચાંદીનો ભાવ વધીને કિલો દીઠ ૬ લાખ રૂપિયાના સ્તરને પણ આંબી શકે તેમ છે.

સોનાની સરખામણીમાં ચાંદીના ભાવો વધુ વધવાનું કારણ એ છે કે દુનિયામાં વેચી શકાય તેવી ચાંદીનો પુરવઠો મર્યાદિત છે, જ્યારે તેની ડિમાન્ડ સતત વધી રહી છે. વિશ્વમાં ચાંદીનો સૌથી મોટો સંગ્રહ લંડન બુલિયન માર્કેટ એસોસિયેશન(LBMA)ના વોલ્ટમાં કરવામાં આવે છે. ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં LBMAના લંડન વોલ્ટમાં આશરે ૭૯.૨ કરોડ ઔંસ ચાંદી હતી. જો કે, આ ચાંદીનો મોટો ભાગ ETF અને ખાનગી સંસ્થાઓની માલિકીનો છે. તેમાંની ફક્ત ૧૫.૫ કરોડ ઔંસ ચાંદી જ વેચાણ માટે મુક્તપણે ઉપલબ્ધ છે. રોકાણકારો મોટા ભાગે ફિઝિકલ ચાંદી ખરીદવાને બદલે ETF માં જ રોકાણ કરતા હોય છે.

વર્તમાનમાં ફિઝિકલ ચાંદીની માંગ વધી ગઈ હોવાથી જેમણે ETFમાં રોકાણ કર્યું હતું તેઓ પણ હવે ચાંદીની ડિલિવરી માગી રહ્યા છે. ફિઝિકલ ચાંદીની માંગની વર્તમાન ગતિએ ચાંદીનો સ્ટોક આવતા વર્ષની શરૂઆતમાં શૂન્ય થઈ શકે છે. જો LBMA ખાતે ચાંદીની અછત વિશે હેડ લાઇન્સ બહાર આવવા લાગે તો તે ચાંદીમાં વિસ્ફોટક તેજી લાવી શકે છે, જેનાથી ભાવ ઝડપથી વધી શકે છે અને ૧૦૦ ડોલર તરફ આગળ વધવાનો માર્ગ ખૂલી શકે છે. જો ચાંદીનો ભાવ સો ડોલર થાય તો કિલો ચાંદી ત્રણ લાખ રૂપિયાની થઈ જશે.

ચાંદીના ભાવોનાં વલણોને સમજવા માટે ઘણાં બધાં પરિબળોનો કાળજીપૂર્વક અભ્યાસ કરવો જરૂરી છે. આમાંનાં કેટલાંક એકબીજાની વિરુદ્ધ કામ કરે છે, જેના કારણે ચાંદીના ભાવનો અભ્યાસ વધુ જટિલ બને છે. પહેલી વાત તો એ કે સોનાની જેમ ચાંદીનું ખાણકામ સ્વતંત્ર રીતે નથી થતું પણ જસત અને તાંબાની ઉપપેદાશના રૂપમાં થાય છે. માટે, જ્યારે આ ધાતુઓનું ઉત્પાદન વધે છે ત્યારે જ ચાંદીનું ઉત્પાદન વધે છે. ચાંદીના ભાવો વધી જાય તો પણ ઉત્પાદન વધારી શકાતું નથી. જ્યારે કોઈ પણ ધાતુનો ઉત્પાદન ખર્ચ ચોક્કસ સ્તરે પહોંચે છે, ત્યારે તે ખર્ચથી નીચેના કોઈપણ બજાર ભાવને કારણે ઓછું ખાણકામ અને ઓછો પુરવઠો થાય છે. બીજી બાજુ, ધાતુના ભાવ ઊંચા થઈ જાય તો વધુ ખર્ચાળ ખાણકામ અને ઉત્પાદનને ટેકો આપે છે , જેનાથી પુરવઠો વધે છે.

સોનાની સાથે ચાંદીને પણ સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. આનો અર્થ એ થાય કે જ્યારે આર્થિક અનિશ્ચિતતા હોય છે ત્યારે પેપર કરન્સી અને શેર જેવી કેટલીક અન્ય સંપત્તિઓ કરતાં ચાંદી તેનું મૂલ્ય અને ખરીદશક્તિ વધુ સારી રીતે જાળવી રાખે છે. જો તે આર્થિક ચિંતાઓ યુદ્ધ કે કુદરતી આપત્તિ જેવી સંપૂર્ણ કટોકટીમાં ફેરવાઈ જાય ત્યારે ચાંદી અને અન્ય કિંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર રીતે વધારાનું દબાણ જોવા મળે છે.આ મુદ્દાની બીજી બાજુ એ છે કે મજબૂત, ગતિશીલ અર્થતંત્ર રોકાણકારો અને અન્ય ખરીદદારો તરફથી ચાંદીની માંગ ઘટાડી શકે છે, જ્યારે તે સક્રિય અર્થતંત્ર ઔદ્યોગિક અને દાગીનાના ઉપયોગોમાં ચાંદીની વધુ માંગ પેદા કરશે. તેનો અર્થ એ થયો કે જો અર્થતંત્ર નબળું હશે તો રોકાણકારો સેફ હેવન તરીકે ચાંદી ખરીદશે અને જો અર્થતંત્ર ગતિશીલ હશે તો ચાંદીની ડિમાન્ડ વધશે, માટે બંને પરિસ્થિતિમાં ચાંદીના ભાવો વધવાના જ છે.

ચાંદીના ભાવ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હાલની અને નવી ટેકનોલોજી દ્વારા પ્રભાવિત થાય છે. ચાંદીના આ નવા ઉપયોગોમાંથી ઘણા ફક્ત આ ધાતુમાં જોવા મળતી ભૌતિક લાક્ષણિકતાઓનો લાભ લે છે, જે તેને વર્ચ્યુઅલ રીતે બદલી ન શકાય તેવું બનાવે છે. આનો વિરોધાભાસ એ છે કે નવી ટેકનોલોજી, હકીકતમાં, વધુ સામાન્ય એપ્લિકેશનોમાં ચાંદીને બદલવામાં મદદ કરી રહી છે. ઉદાહરણ તરીકે, કેટલાક સસ્તા અરીસાઓ માટે નવા પ્રકારના એલ્યુમિનિયમ એલોય સ્વીકાર્ય રિપ્લેસમેન્ટ છે.  પરંપરાગત ચાંદીની વસ્તુઓને બદલે ઘણાં ઘરોમાં સ્ટેનલેસ સ્ટીલ ફ્લેટવેરના સામાન્ય ઉપયોગ માટે પણ આ જ વાત લાગુ પડે છે. તેમ છતાં, સૌર ફોટોવોલ્ટેઇક સિસ્ટમ્સ અને ઘણી ગ્રીન એપ્લિકેશન્સ તરફથી નવી માંગ સામાન્ય રીતે ચાંદીની માંગ અને ભાવ માટે ટેકનોલોજીને ચોખ્ખી તેજીનું પરિબળ બનાવે છે.

મોટા ભાગના વિશ્લેષકો, અર્થશાસ્ત્રીઓ અને રોકાણકારો પોર્ટફોલિયો મૂલ્ય પર ફુગાવાના કપટી સ્વભાવને સમજે છે. ફુગાવાને કારણે બેન્કમાં મૂકેલા રૂપિયાની કિંમત ઓછી થાય છે, પણ સોના અને ચાંદીની કિંમત વધે છે.  આમાં લાંબા ગાળા દરમિયાન વધતા નજીવા ફુગાવાનો પણ સમાવેશ થાય છે. આ કારણે સોના અને ચાંદીને ઐતિહાસિક રીતે તે ફુગાવા સામે એક મહાન સંરક્ષણ તરીકે જોવામાં આવે છે. ફુગાવો કાગળના ચલણના મૂલ્યને ઘટાડશે, પણ સોનું અને ચાંદી ખરીદશક્તિમાં આવા નુકસાન સામે રક્ષણ પૂરું પાડી શકે છે. દાખલા તરીકે કોઈએ આજથી પાંચ વર્ષ પહેલાં બેન્કમાં ૫૦ હજાર રૂપિયા મૂક્યા હોત તો તે આજે વધીને ૮૦ હજાર રૂપિયા થયા હોત, પણ જો તેણે ચાંદીમાં ૫૦ હજારનું રોકાણ કર્યું હોત તો તેને દોઢ લાખ રૂપિયા મળ્યા હોત. વિનિમયના માધ્યમ તરીકે ઉપયોગના લાંબા ઇતિહાસને કારણે, ચાંદીનાં બજારો સરકારી પગલાં અને નીતિઓથી પ્રભાવિત રહે છે.

ઉદાહરણ તરીકે, જ્યારે સોનાને અનામત તરીકે સૌથી વધુ ધ્યાન મળે છે, ત્યારે વિશ્વભરની મધ્યસ્થ બેંકો સોના-ચાંદી ખરીદે છે અને વેચે છે. યુએસ ટંકશાળ જેવી રાષ્ટ્રીય ટંકશાળ, સોના-ચાંદી અને સિક્કા-ગુણવત્તાવાળા સિક્કા બંનેનું ઉત્પાદન કરીને વિશ્વના ચાંદીના પુરવઠાનો મોટો હિસ્સો વાપરે છે. અત્યાર સુધી વિશ્વની તમામ સેન્ટ્રલ બેન્કો રિઝર્વ તરીકે સોનાનો જ સંગ્રહ કરતી હતી. હવે રશિયા અને સાઉદી અરેબિયા જેવા દેશોની સેન્ટ્રલ બેન્કો પહેલી વખત રિઝર્વ તરીકે ચાંદીની ધૂમ ખરીદી કરી રહી છે.

ચાંદીના ભાવો રોકેટની ઝડપે વધી ગયા હોવાથી કેટલાક સટોડિયાઓ પણ શેર બજારમાંથી પૈસા કાઢીને ચાંદીમાં લગાડી રહ્યા છે. કેટલાંક રોકાણકારો બિટકોઈન વેચીને ચાંદી ખરીદી રહ્યાં છે, કારણ કે તેમને ચાંદીમાં વધુ નફો દેખાઈ રહ્યો છે. વળી ચાંદીનો ૯૬ ટકા જેટલો મોટો હિસ્સો ETFના રૂપમાં છે. જો તેમાંના દસ ટકા રોકાણકારો પણ ડિલિવરી માગે તો બજારમાં તેટલી ચાંદી જ નથી. આ સંયોગોમાં કેટલાંક હોંશિયાર લોકો પોતાનું સોનાનું રોકાણ પાછું ખેંચીને પણ તેને ચાંદીમાં લગાડી રહ્યા છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top