સાપુતારા : ડાંગ જિલ્લામાં તોફાની વાવાઝોડા અને ગાજવીજ સાથે મુશળધાર વરસાદ તૂટી પડતા લોકમાતાઓ અંબિકા, ખાપરી, પૂર્ણા, ગીરા અને ધોધડે ભયજનક સપાટી વટાવી હતી. ડાંગ જિલ્લામાં પાંચેય નદીઓ ભયજનક સપાટી પાર કરતા નીચાણવાળા 25 થી વધુ કોઝવે પાણીમાં ગરક થઈ જતા 50 થી વધુ ગામડાઓનું જનજીવન પ્રભાવિત થયુ હતુ. જિલ્લામાં ઠેરઠેર વૃક્ષો અને ભેખડો સહીત માટીનો મલબો ધસી પડતા ફરી વાર નુકસાનીનાં અહેવાલો સાંપડી રહ્યા છે. અનરાધાર વરસાદનાં પગલે વઘઇનો ગીરાધોધ અને ગીરમાળનો ગીરાધોધ મનમોહક બની ગયા હતા. ઉપરાંત વાવાઝોડુ ફૂંકાતા ઉભા પાકો જમીન પર પડી જતા ખેડૂતોને જંગી નુકસાન થયુ હતુ.
શનિવારે મોડી સાંજથી જ વરસાદ શરૂ થતાં નવરાત્રિ મહોત્સવનાં રંગમાં ભંગ પડ્યો હતો. સાપુતારા ખાતે વરસાદી માહોલની સાથે ગાઢ ધુમ્મસીયુ વાતાવરણ છવાઈ જતા પ્રવાસી વાહન ચાલકોને વાહનોની સિગ્નલ લાઈટ ચાલુ રાખી વાહનો હંકારવાની નોબત ઉઠી હતી. સાપુતારા સહિત તળેટીય વિસ્તારમાં આભ ફાટ્યુ હાય તેમ 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને પગલે સાપુતારા પંથકમાં જનજીવન પર માઠી અસર પહોચી છે. સાપુતારા સહીત તળેટી વિસ્તારમાં આભ ફાટતા અંબિકા અને ખાપરી નદીનો નજારો ભયજનક બન્યો હતો.
ડાંગ જિલ્લામાં અનરાધાર વરસાદની સાથે તોફાની વાવાઝોડુ પણ ફૂંકાતા ઠેરઠેર વૃક્ષો, માટીનો મલબો અને ભેખડો ઘસવાનાં બનાવો બન્યા હતા. જોકે ડાંગ જિલ્લા રાજ્ય ધોરીમાર્ગ વિભાગ, જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ સહીત વન વિભાગની ટીમો દ્વારા માર્ગો પર રાઉન્ડ ધ ક્લોકની કામગીરી હાથ ધરી માર્ગો પરથી કાટમાળની સફાઈ કરી મોટા ભાગનાં માર્ગો યાતાયત માટે શરૂ થયા છે. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સુબિર પંથકમાં 111 મિમી અર્થાત 4.44 ઈંચ, વઘઇ પંથકમાં 115 મિમી અર્થાત 4.6 ઈંચ, આહવા પંથકમાં 134 મિમી અર્થાત 5.36 ઈંચ જ્યારે સૌથી વધુ સાપુતારા પંથકમાં 204 મિમી અર્થાત 8.16 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

વલસાડમાં અનેક વિસ્તારોમાં વરસાદને કારણે મોટું નુકસાન
વલસાડ : વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં શનિવારે રાત્રે અચાનક વાવાઝોડા સાથે વરસેલા ધોધમાર વરસાદના પગલે અનેકવિધ વિસ્તારોમાં મોટું નુકસાન થયું છે. જેને પગલે નવલી નવરાત્રિમાં પણ ખલેલ પડ્યું છે. વલસાડના કલેક્ટર બંગલા નજીક ઓફિસર કોલોની પાસે વૃક્ષ પડતા પાર્ક કરેલી કારોને નુકસાન પહોંચ્યું હતું. તિથલ રોડ ઉપર પાણી ભરવા સાથે વૃક્ષો પણ ધરાશાયા થયા હતા. જોકે પાલિકા અને વીજ તંત્ર આખી રાત દોડતું રહ્યું હતું. કેટલાક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ હતી. કાંઠા વિસ્તારો સેગવી, મોટા અને નાનાસુરવાડાના માંગેલવાડ ખાતે અનેક મકાનોના પતરા ઉડ્યા છે. દીવાલોમાં તિરાડ પડી છે, અનેક ઘરો ઉપર વૃક્ષો કે ડાળીઓ પડી છે. દરિયા કાંઠે પાંગરેલી હોડીઓ પણ એકબીજા સાથે અથડાતા બોટ માલિકોને મોટું નુકસાન પહોંચ્યું છે. એજ રીતે ધરમપુર-કપરાડા તાલુકામાં પણ ભારે વરસાદને લઈ નીચા કોઝવે ડૂબી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

અડધું સિંણધઈ ગામ વાવાઝોડાની ઝપેટમાં આવી ગયું
વાંસદા : વાંસદામાં વરસાદી વાવાઝોડાએ ભારે નુકસાન પહોંચાડ્યું છે. જેમાં વાંસદાના સિંણધઈ ગામમાં અનેક ઘરના પતરા ઉડ્યા હતા. ઘણા લોકોના ઘરો સંપૂર્ણ જમીનદોસ્ત થઈ જતા લોકો ઘર વિહોણા બન્યા હતા. વાવાઝોડામાં તૂટી પટેલા વૃક્ષો અને વીજપોલને લઇ કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો.
વાંસદા તાલુકામાં ૨૭ સપ્ટેમ્બરે રાત્રે ત્રાટકેલા વાવાઝોડાથી વાંસદાના સિણધઈ ગામમાં હોલીમોરા અને દુતાળા આંબા ફળિયામાં સૌથી વધુ ઘરોને નુકસાન થવા પામ્યું છે. અનેક લોકોના ઘરના પતરા ઉડ્યા હતા. લોકોએ ઘરમાં રાખેલા ગાય, ભેંસ જેવા પાલતુ પશુઓ દબાઈ જતા તેમને ઇજા થવા પામી હતી. આ વિસ્તારના ૧૦૦ જેટલા ઘરોની છત ઉડી જતા ઘરવખરીને નુકસાન થયું છે. વાવાઝોડામાં ખેડૂતોના ડાંગરના ઊભા પાકને પણ વ્યાપક નુકશાન થતા સામે દિવાળીએ ખેડૂતોએ માથે હાથ દેવાનો વારો આવ્યો છે. વીજતાર ઉપર મહાકાય વૃક્ષો ધરાશાયી થતા વીજપોલ પણ તૂટી પડ્યા હતા. જેમાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો.
કપરાડા તાલુકામાં કોઝવે ડૂબી જતા 18 માર્ગ બંધ
વલસાડ : વલસાડ જિલ્લામાં વરસી રહેલા તોફાની વરસાદના પગલે કપરાડા તાલુકાની તમામ નદીઓ કોલક, દમણ ગંગા, પાર નદી સહિત ખાડીઓમાં પૂર આવ્યા છે. મહત્તમ કોઝવે ડૂબી જતા 40થી વધુ ગામોનો સમ્પર્ક કપાયો છે. વરસાદને લઈ હલકા પ્રકારના ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે. તો શાકભાજીના પાકને પણ નુકસાન પહોંચ્યું છે. ભારે વરસાદને લઈ કોઝવે ડૂબી જતા બીજી તરફ ભારે વરસાદના પગલે કપરાડા તાલુકાના માલઘર ગામના મિકાઠી ફળિયા ખાતે માહદુ ભીખાભાઈ નામના ખેડૂતના ઘર ઉપર શનિવારે રાત્રે મોટું વૃક્ષ ધરાશાયી થઈ પડ્યું હતું, જેને લઈ ઘરને અને ઘરમાં રહેલી ઘર વખરીને મોટું નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે ઘરમાં રહેલા લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો.