Gujarat

વલસાડમાં મોડી રાત્રે ભારે વરસાદથી નવરાત્રીના કાર્યક્રમો ખોરવાયા, ખેલૈયાઓએ રિફંડ માગ્યું

વલસાડ જિલ્લામાં ગત રોજ મોડી રાત્રે અચાનક પડેલા ભારે વરસાદ અને જોરદાર પવનથી નવરાત્રીના ઉત્સવમાં વિક્ષેપ સર્જાયો હતો. ભારે વરસાદે અનેક મંડપો ધરાશાયી કર્યા, વીજ પુરવઠો ખોરવાઈ ગયો અને ખેલૈયાઓને મુશ્કેલીમાં મૂક્યા હતા. ઘણા આયોજકોને કાર્યક્રમો વચ્ચે જ બંધ કરવા પડ્યા, જ્યારે કેટલાક સ્થળે લોકોએ રિફંડ માટે હોબાળો મચાવ્યો.

મોડી રાત્રે પડેલા વરસાદે નવરાત્રીની મજા બગાડી દીધી હતી. વલસાડના ગોકુલ ગ્રુપના કાર્યક્રમમાં ઓરકેસ્ટ્રા માટે બનાવેલો ડોમ ભારે પવનથી ઉડી ગયો હતો. જેમાં એક યુવકને ઈજા પહોંચી હતી. જોકે કેટલાક ગરબા મહોત્સવમાં વીજ પુરવઠો બંધ થતા ખેલૈયાઓ અંધારામાં ફસાઈ ગયા હતા. ઘણા સ્થળે મંડપ અને ડોમમાં પાણી ઘૂસી જતાં ખેલૈયાઓને બહાર નીકળવું પડ્યું હતું.

વરસાદ એટલો ભારે હતો કે રસ્તાઓ પરની વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી. જેના કારણે વાહનચાલકો મુશકેલીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના ધનભુરા રોડ પર વીજળીનો થાંભલો તૂટી પડ્યો, જ્યારે સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં ઝાડ ધરાશાયી થતાં બાઈકને નુકસાન થયું. શહેરની સરદાર હાઇટ્સ સોસાયટીમાં મંડપ ધરાશાયી થતા અનેક વાહનોને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

ભારે વરસાદી ઝાપટાંથી 25થી વધુ વૃક્ષો ધરાશાયી થયા અને 15થી વધુ રસ્તાઓ અવરોધાઈ ગયા હતા. જોકે ફાયર વિભાગ અને ડીજીવીસીએલની ટીમોએ તાત્કાલિક કામગીરી હાથ ધરીને રસ્તાઓ ખુલ્લા કર્યા. ખેલૈયાઓ પણ વરસાદ ધીમો પડતાં સુરક્ષિત રીતે ઘરે પરત ફરી શક્યા હતા.

આજ રાત્રે રંગતાળી ગરબા મહોત્સવમાં ખાસ વિવાદ સર્જાયો હતો. ભારે વરસાદને કારણે કાર્યક્રમ અચાનક બંધ કરવો પડ્યો હતો. જેને કારણે ખેલૈયાઓએ રિફંડની માગણી શરૂ કરી. લોકોએ હોબાળો મચાવતાં આયોજકોને ટિકિટના રિફંડ આપવા પડ્યા હતા. ખેલૈયાઓએ જણાવ્યું કે વરસાદને કારણે તેઓ ગરબા રમી શક્યા નહીં. તેથી પૈસા પાછા અપાવવા જરૂરી છે.

વલસાડમાં અચાનક થયેલા ભારે વરસાદે નવરાત્રીની મોજને થોડી અટકાવી દીધી હતી. છતાં ખેલૈયાઓનો જુસ્સો હજી યથાવત છે.

Most Popular

To Top