National

‘આઈ લવ મુહમ્મદ’ પોસ્ટર વિવાદ પર બરેલીમાં હોબાળો, પોલીસે લાઠીચાર્જ કર્યો

બરેલીમાં શુક્રવારની નમાઝ દરમિયાન હોબાળો મચી ગયો. “આઈ લવ મુહમ્મદ” વિવાદને લઈને લોકો રસ્તા પર ઉતરી આવ્યા. ભીડ બેકાબૂ બની ગઈ, જેના કારણે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી. આઈએમસીના વડા મૌલાના તૌકીર રઝાએ વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી જેના કારણે પોલીસ અને વહીવટીતંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું હતું.

શુક્રવારની નમાઝ પછી મુસ્લિમ સમુદાયના સભ્યોએ “આઈ લવ મુહમ્મદ” પોસ્ટર વિવાદનો વિરોધ કર્યો, પોસ્ટરો અને બેનરો સાથે રસ્તા પર ઉતરી આવ્યા. અહેવાલો અનુસાર પોલીસે ભીડને સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓએ હટવાનો ઇનકાર કર્યો. વિરોધીઓએ બેરિકેડ તોડીને આગળ વધવાનો પ્રયાસ કર્યો જેના કારણે પોલીસને બળપ્રયોગ કરવાની ફરજ પડી.

પોલીસના જણાવ્યા મુજબ ભીડને રોકવામાં આવી હતી. આ પછી તેઓએ તોડફોડ શરૂ કરી, ધાર્મિક સૂત્રોચ્ચાર કરવા લાગ્યા અને ઉશ્કેરાઈ ગયા. તેઓએ પથ્થરમારો શરૂ કર્યો. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલનો ઉપયોગ કર્યો.

બારાદરી અને પ્રેમનગર વિસ્તારોમાં પણ અશાંતિ ફેલાઈ હતી. પોલીસે શહેરના બજારો બંધ કરાવી દીધા હતા. હાલમાં પોલીસે ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલ (IMC) ના પ્રમુખ મૌલાના તૌકીર રઝાની અટકાયત કરી છે. તેમના પર 2010 માં બરેલીમાં રમખાણો ભડકાવવાનો પણ આરોપ છે. આ કેસ હાલમાં કોર્ટમાં છે.

Most Popular

To Top