ભારત સામેની સુપર 4 મેચમાં અર્ધ સદી ફટકાર્યા બાદ પાકિસ્તાની બેટ્સમેન સાહિબજાદા ફરહાને ગન સેલિબ્રેશન કર્યું હતું, જેને લીધે ભારે વિવાદ થયો હતો. આ મામલે બીસીસીઆઈએ ફરિયાદ કરતા આઈસીસી દ્વારા તપાસ શરૂ કરાઈ છે. આ મામલે આજે આઈસીસીએ ફરહાનની પૂછપરછ કરી હતી. સુનાવણી દરમિયાન આશ્ચર્યજનક રીતે પાકિસ્તાની બેટ્સમેને પોતાની ચામડી બચાવવા ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલીનું નામ લીધું હતું.
સાહિબજાદા ફરહાને એશિયા કપ 2025 માં ભારત સામે પાકિસ્તાનની સુપર 4 મેચ દરમિયાન મેદાન પર ઉજવણી કરવાના મામલાને રાજકીય રીતે પ્રેરિત હોવાનો મુદ્દો ઉઠાવાયો છે. ત્યારે આજે શુક્રવારે ICC ની સુનાવણીમાં ફરહાને સ્પષ્ટતા કરી કે તેનો રાજકીય સંદેશ મોકલવાનો કોઈ ઇરાદો નથી.
ફરહાને અગાઉના ઉદાહરણો ટાંકીને કહ્યું કે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની અને વિરાટ કોહલી પણ ઉજવણી દરમિયાન ગન સેલિબ્રેશન કરતા હતા. બંદૂક ચલાવી રહ્યાં હોય તેવો હાવભાવ કરતા હતા.

ફરહાને એમ પણ ઉમેર્યું કે પઠાણ તરીકે આવા હાવભાવ તેમની સંસ્કૃતિનો ભાગ છે અને સામાન્ય રીતે લગ્ન જેવા ખુશીના પ્રસંગોમાં જોવા મળે છે.
તેણે સુનાવણીમાં હાજરી આપી હતી કારણ કે ભારતે ફરહાન અને હરિસ રૌફ વિરુદ્ધ ઉશ્કેરણીજનક હરકતો કરી હોવાની ICCમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.
નોંધનીય છે કે ભારત સામેની મેચ દરમિયાન ફરહાન અને રૌફના હાવભાવની વ્યાપક ટીકા થઈ હતી. તે વર્ષની શરૂઆતમાં પહેલગામ હુમલા અને ત્યારબાદ ભારતના ઓપરેશન સિંદૂરના સંદર્ભમાં આ ખાસ કરીને સંવેદનશીલ માનવામાં આવતું હતું. ઘણા લોકોએ ફરહાનની ઉજવણીને રાજકીય રીતે દખલગીરી ગણાવી.
ખેલાડીએ જવાબમાં કહ્યું છે કે તે ફક્ત તેની અંગત ઉજવણી હતી. તેને કોઈ પરવાહ નથી કે લોકો તેને કેવી રીતે જુએ છે. મહત્વપૂર્ણ વિકેટ લીધા પછી ‘6-0’ હાથના ઈશારા અને ફાઈટર જેટને નીચે ઉતારવાની નકલ કરવા બદલ રૌફને ટીકાનો સામનો કરવો પડ્યો હતો, જેને કેટલાક લોકોએ ઉશ્કેરણીજનક અને રાજકીય તણાવ સાથે જોડાયેલું ગણાવ્યું હતું. આ ઘટનાઓએ રમતવીરોની વ્યાવસાયિક રહેવાની અને રાજકીય સંવેદનશીલતા ઉશ્કેરતા હોય તેવા હાવભાવ ટાળવાની જવાબદારી અંગે ચર્ચા ફરી શરૂ કરી છે.

સુનાવણીમાં રૌફે શું કહ્યું?
પાકિસ્તાનના ફાસ્ટ બોલર હરિસ રૌફે ICC સુનાવણીમાં પોતાને દોષિત ન ગણાવ્યા. તેમણે કહ્યું કે તેમનો “6-0″નો ઈશારો ભારત સાથે સંબંધિત નથી. સુનાવણી દરમિયાન તેમણે પ્રશ્ન કર્યો, “6-0 નો અર્થ શું છે? તેને ભારત સાથે કેવી રીતે જોડી શકાય?” ICC અધિકારીઓએ પણ સ્વીકાર્યું કે તેઓ “6-0” ના સંકેતનો અર્થ નક્કી કરી શક્યા નથી. આના જવાબમાં રૌફે કહ્યું, “બસ, તેનો ભારત સાથે કોઈ સંબંધ નથી.”
ICC તરફથી દંડની શક્યતા
દરમિયાન સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને પાકિસ્તાની ખેલાડીઓ ફરહાન અને હરિસને ICC તરફથી દંડનો સામનો કરવો પડી શકે છે. દંડ તેમની મેચ ફીના 50% થી 100% સુધીનો હોઈ શકે છે. જોકે, સસ્પેન્શન અથવા પ્રતિબંધની શક્યતા ઓછી છે.
ફાઈનલમાં ભારત-પાક વચ્ચે ટક્કર
આ અગાઉ ગઈકાલે ગુરુવારે પાકિસ્તાને દુબઈમાં બાંગ્લાદેશને 11 રનથી હરાવીને એશિયા કપ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો. ભારત સામે સતત હાર બાદ સલમાન આગાની ટીમ 28 સપ્ટેમ્બરે ભારતનો સામનો કરતી વખતે 13 વર્ષની રાહ જોયા પછી એશિયા કપનો ખિતાબ જીતવાનો લક્ષ્ય રાખશે.