દેશના રાજકારણમાં આરોપોનું સ્તર સતત નીચે જઈ રહ્યું છે અને કમનસીબે લોકશાહીની ગરિમાને ઠેસ પહોંચાડવામાં આવી રહી છે. એક સમયે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) હેક થાય છે, તેવા બિલકુલ પાયાવિહોણા આક્ષેપો કરીને વિપક્ષી નેતાઓ અને રાજકીય પક્ષોએ ભારે હોબાળો મચાવ્યો હતો. પરંતુ આ આક્ષેપોમાં કોઈ જ તથ્ય ન હોવાથી અને ચૂંટણીપંચે વૈજ્ઞાનિક રીતે આ દાવાઓ ખોટા સાબિત કરતા, લોકોમાં EVM પરનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો. જ્યારે EVM હેકિંગનું ગતકડું નિષ્ફળ ગયું, ત્યારે હવે ‘વોટચોરી’નું નવું નાટક ઊભું કરવામાં આવ્યું છે.
આ બધા આરોપો માત્ર અંધારામાં છોડવામાં આવેલા તીર જેવા છે. જો તેમની પાસે ખરેખર કોઈ પુરાવા હોય તો, તેમણે કાયદાકીય માર્ગ અપનાવવો જોઈએ. પરંતુ તેઓ જાણે છે કે કાયદાની અદાલતમાં તેમના આક્ષેપો ટકી શકે તેમ નથી, એટલે જ તેઓ લોકશાહીની અદાલતમાં માત્ર નિવેદનબાજી કરીને જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. મતદારો પણ હવે આ પ્રકારના સસ્તા રાજકારણથી વાકેફ થઈ ચૂક્યા છે. વાસ્તવિકતા એ છે કે જ્યારે રાજકીય પક્ષો લોકશાહી ઢબે ચૂંટણી જીતી શકતા નથી, ત્યારે તેઓ આવા નિરાધાર આક્ષેપો કરીને જનતામાં ભ્રમ ફેલાવવાનું કામ કરે છે. આ એક પ્રકારની નિરાશા અને હારની સ્વીકૃતિ છે, જેને તેઓ સીધી રીતે વ્યક્ત કરી શકતા નથી.
ઉમરગામ, વલસાડ – નિખિલકુમાર દરજી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.