Comments

દાદાગીરી ટ્રમ્પની નથી, દાદાગીરી અર્થતંત્રની છે, આપણને મમત છૂટતો નથી

દુનિયામાં અનેક દેશોમાં ભારતીયોને ઓન ધ સ્પોટ વિઝા મળે છે. પણ આપણાં અખબારો કે પાનના ગલ્લે અમેરિકાના વિઝા અને અમેરિકાના ટેરીફની ચિંતા અને ચર્ચા છે. ટ્રમ્પના ટેરીફના કારણે ભારતીય વસ્તુઓ અમેરિકામાં મોંઘી થશે તેની વાતો કરનારા ભારતમાં પેટ્રોલડીઝલના ઊંચા ભાવોને કારણે ,હાઈ વેના ટોલ ટેક્સના કારણે, વધતા ઉત્પાદન ખર્ચના કારણે ભાવ વધતા જાય છે તેની ચર્ચા નથી કરતા. કારણ એક જ છે મહાસત્તા અમેરિકાનો મોહ.

ભારતનાં નાગરિકોને અમેરિકાનું ઘેલું છે એટલે જ નેતાઓને પણ અમેરિકાનું ઘેલું છે એટલે જેમ મતદારોને રીઝવવા, લલચાવવા નેતાઓ ધર્મસ્થાનો અને ધાર્મિક નેતાઓની મુલાકતો લે છે તેવી જ રીતે ઉચ્ચ મધ્યમ વર્ગને ભ્રમિત કરવા વિકસિત અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે મિલન મુલાકાતો લેવાય છે એટલે અત્યારે ભારતીય અખબારો કે ચેનલો જેણે ટ્રમ્પની દાદાગીરી કહે છે તે ટ્રમ્પની દાદાગીરી નથી, અમેરિકાના અર્થતંત્રની દાદાગીરી છે. અમેરિકાના મોહ માટે ચુકવવાની કિંમત છે. આપણે વિચારવાનું એ છે દુનિયાની પાંચ મોટી આર્થિક સત્તાઓમાં આપણો સમાવેશ થયો છે.

છતાં ભારતના વિઝાની કિંમત કે ચર્ચા કેમ નથી! કેમ ફ્રાંસ કે જર્મની કે ઇંગ્લેન્ડ, અમેરિકાનાં વિદ્યાર્થીઓ ભારત ભણવા નથી આવતાં. કેમ આ દેશનાં નાગરિકોનાં ધાડેધાડાં ભારતમાં પ્રવાસન માટે ઉમટી નથી પડતાં? કેમ એક આ દેશોના નાગરિકો કે યુવાનો “આપણે તો ભારતમાં સેટ થવું છે” તેવું સપનું નથી જોતા? બાંગ્લાદેશ પાકિસ્તાનનાં નાગરિકો ભારતમાં ઘૂસે છે તે ખોટું છે તો મેક્સિકો કેનેડાની સરહદથી ભારતીયો અમેરિકામાં ઘૂસે છે તે પણ ખોટું છે. દેશમાં ગેરકાયદે બાંગલા દેશીઓ પકડાય તો આપણને ગુસ્સો આવે છે તેવો જ ગુસ્સો ભારતીયો અમેરિકામાં ગેરકાયદે ઘૂસે તે માટે આવવો જોઈએ. આપણે તો આવાં ગેરકાયદે ઘૂસણખોરો માટે ગૌરવ લઈએ છીએ.

 જો ધ્યાનથી વિચારીએ તો અમેરિકાના વિઝાની ફીમાં વધારો તે આપણી ચર્ચાનો વિષય જ ના હોવો જોઈએ. ટ્રમ્પના ટેરીફની આપણે નહિ અમેરિકનોએ ચર્ચા કરવાની હોય. ટેક્સ એમણે વધુ ચૂકવવાનો છે. જો આપણે એવી વસ્તુઓની નિકાસ કરીએ કે ગમે તે ભાવે ખરીદવી જ પડે તો ટ્રમ્પના ટેરીફ પછી પણ આપણી નિકાસ નહિ ઘટે. મૂલ્ય અનપેક્ષ વસ્તુઓ માટે આયાત વેરો નાગરિકો માટે બોજો હોય છે. નિકાસ કરનારા માટે નહિ!

હવે વિચારવું એ જોઈએ કે ભારતનાં શ્રમિકને કે ટેકનોક્રેટને ભારત છોડવું કેમ છે? કારણ નંબર એક. ઓછા વેતન દ્વારા શોષણ. અહીંયા ઉદ્યોગપતિઓ બાર બાર કલાક કામ કરવાની સલાહ આપે છે. સરકાર બાર કલાક કામ કરવાના કાયદા ઘડે છે પણ વેતન વધારવાના નિયમો નથી બનાવતી. અહીં સ્કૂલોની ફી માટે કમિટી છે પણ સ્કૂલ શિક્ષકોના વેતન માટે કમિટી નથી! જો ભારતમાં પૂરતો પગાર મળે તો કોઇને અમેરિકા નથી જવું. અક્ષયકુમાર અહીં રહે જ છે ને. ઉલટાનું જો તમે ધનિક છો, સત્તામાં છો તો તો ભારત જેવું સ્વર્ગ ક્યાંય નથી.

અમેરિકા જેવા વિકસિત દેશોનું આકર્ષણ થવાનું બીજું કારણ છે  સામાજિક શાંતિ અને વ્યવસ્થા. લગ્નના નિયમો, કપડાંના નિયમો, ખાવા-પીવાના નિયમો, ભાષા ધરમના ઝઘડા, જાહેર જીવનમાં રસ્તા પર ફટાકડા ફોડનારા કે મોડે રાત સુધી અવાજ કરનારાને સરકાર રોકી શકતી નથી. આ બધું જ નવી પેઢી જોઈ રહી છે અને માટે તક મળે તો ભારત છોડી રહી છે. માટે જો ખરેખર ચર્ચા કરવી હોય તો એ કરો કે ભારતીયો ભારતમાં સુખે થઇ રહે કેવી રીતે? તેમણે વાજબી ન્યાય, વાજબી આરોગ્ય સેવા, વાજબી શિક્ષણ અને સામાજિક સુરક્ષા મળે અને મહેનતનું યોગ્ય વેતન મળે. જો આ થાય તો કોઈ દેશના વિઝાની ફી વધે કે ઘટે તેની આપણે ચિંતા જ નહિ કરવી પડે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top