નવરાત્રીમાં માતાજીના ગરબા ગાવામાં આવે છે. પહેલાના સમયમાં માત્ર મહિલાઓ દ્વારા ગરબા કરવામાં આવતા હતા. બહેનો માઇક વગર માતાજીની ગરબા ગાતાં હતાં. માતાજીના અર્વાચીન ગરબા અને પરંપરાગત ગરબા સુરતની શેરીઓમાં થતા હતા. વરસ ૮૦ના દાયકામાં કલ્યાણજી આનંદજીના નાના ભાઈ બાબલા દ્વારા ‘ડિસ્કો દાંડિયા’ની શરૂઆત કરવામાં આવી હતી. બાબલાની નોન સ્ટોપ ડિસ્કો દાંડિયાની કેસેટો બહાર પાડવામાં આવતી હતી, જેમાં હિન્દી ફિલ્મી ગીતોના ઇન્સ્ટ્રુમેન્ટ મ્યુઝિક પર યુવાન યુવતીઓ ડિસ્કો દાંડિયા રમતા હતા.
બાબલાની ડિસ્કો દાંડિયાની કેસેટમાં ગાયક મુકેશનું જૂનું ગીત ‘સુહાના સફર યે મોસમ હસી અને રમૈયા વસતા વૈયા.. ખૂબ લોકપ્રિય થયા હતા. નવા અને જૂના ફિલ્મી ગીતો ના ઇન્સ્ટ્રુમેન્ટ મ્યુઝિક અને ડ્રમના તાલે બાબલા દ્વારા દર વર્ષે કેસેટો બહાર પાડવામાં આવતી હતી. સુરતની શેરીઓમાં પહેલા એક કલાક ગરબા ગાવામાં આવતા હતા. ગરબા પછી બાબલાની નોન સ્ટોપ ડિસ્કો દાંડિયાની કેસેટ વગાડવામાં આવતી હતી. જેમાં દાંડિયા રસિકો મોડી રાત સુધી દાંડિયા રાસની રમઝટ બોલાવતા હતા. નવરાત્રીમાં ગરબા સાથે દાંડિયાનો ટ્રેન્ડ શરૂ કરવામાં બાબલાનું યોગદાન મુખ્ય હતું. સમય જતાં નવરાત્રીમાં ઓપન પ્લોટ પર બાબલા અને અન્ય મ્યુઝીશિયન દ્વારા લાઈવ દાંડિયા રાસના કાર્યક્રમની શરૂઆત થઈ હતી.
સુરત – કિરીટ મેઘાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
GSTમાં રાહત, કોમનસેન્સનો અભાવ
હમણાં સરકારે GSTના દરોમાં રાહત આપતી જાહેરાત કરી છે અને તેમાં હેલ્થ ઇન્શ્યોરન્સ હોય તો મુક્તિ આપવાની જાહેરાત કરી છે, પણ જો ગ્રુપ ઇન્શ્યોરન્સ હોય તો મુક્તિ આપવામાં આવી નથી. હવે જ્યાં ગ્રુપ ઇન્શ્યોરન્સ હોય પણ પ્રીમિયમ વ્યક્તિગત લેવામાં આવતું હોય તો તેમાં GSTમાંથી મુક્તિ મળવી જોઈએ. ઉદાહરણ તરીકે મારૂ બેંક ઓફ બરોડામાં ખાતુ છે.
અહીં સ્ટાફ અને રિટાયર્ડ થઈને પેન્શન મેળવનારાઓ માટે નેશનલ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા બેંક ઓફ બરોડાના નામમાં ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી ઇસ્યુ કરવામાં આવે છે અને તેમાં જેઓ અત્યારે નોકરીમાં ચાલુ છે તેમનું પ્રીમિયમ બેંક ભરે છે પણ જેઓ પેન્શનર્સ છે તેમની પાસે વ્યક્તિગત ધોરણે પ્રીમિયમ લેવામાં આવે છે. હવે બહુ સીધી વાત છે કે ભલે ગ્રુપ ઇન્શ્યોરન્સ પોલિસી હોય જો પ્રીમિયમ વ્યક્તિગત ધોરણે વસુલાતુ હોય તો તેમને GSTમાંથી મુક્તિ મળવી જોઈએ. આ કોમનસેન્સનો સવાલ છે, જેનો અહીં અભાવ વર્તાય છે. આ અંગે રજૂઆત કરવામાં આવી છે પણ આ લખાય છે ત્યાં સુધી તેનું કોઈ પરિણામ આવ્યુ નથી. આશા રાખીએ કે સરકાર આ બાબતમાં ત્વરિત યોગ્ય તે સ્પષ્ટતા કરશે.
સુરત – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.