એક યુવાન રોહન એન્જિનિયર થયાને બે વર્ષ થયાં પણ હજી તેણે કંઈ શરૂઆત કરી ન હતી. નોકરી જે મળતી તે તેને ગમતી ન હતી. બિઝનેસ કરવો હતો, વિચારો ઘણા હતા પણ સફળતા મળે તેવો વિચાર કયો તે સમજ પડતી ન હતી. હવે તો મમ્મી-પપ્પા પણ થોડાં અકળાયાં હતાં કે આમ કયાં સુધી બેસી રહેશે. ક્યારેક તેઓ રોહનને સમજાવતા, ક્યારેક ગુસ્સે પણ થતાં. હવે તો કુટુંબમાં પણ લોકો વાતો કરવા લાગ્યા કે રોહન કંઈ કરતો નથી. બેકાર બેઠો છે. આ બાબત મમ્મીને અકળાવી મૂકતી. તે રોહન પર ગુસ્સો કરતી પણ રોહન એક જ જવાબ આપતો, ‘હું આટલા ઈન્ટરવ્યુ તો આપું છું પણ મને હજી કોઈ બેસ્ટ નોકરીની ઓફર મળતી નથી તો હું શું કરું?’
એક દિવસ પપ્પાએ કહ્યું, ‘રોહન, તારે કોઈ તારા આઈડિયાથી સ્ટાર્ટ અપ શરૂ કરવું હોય તો હું ઇન્વેસ્ટ કરવા પણ તૈયાર છું.’ રોહને જવાબ આપ્યો, ‘પપ્પા, આઈડિયા તો ઘણા છે પણ જેમાં સફળતાની ૧૦૦ ટકા ગેરેંટી હોય તેવા આઈડિયા પર જ કામ કરવું જોઈએ.’ આમ રોહન બેસ્ટ નોકરી કે સફળ બિઝનેસ આઈડિયાની રાહ જોતો પોતાના જીવનનાં બેસ્ટ વર્ષો બગાડી રહ્યો હતો.
ગામમાંથી દાદા-દાદી થોડા દિવસ માટે આવ્યા. દાદાએ ચાર દિવસમાં જોયું કે રોહન કંઈ કરતો નથી. તેમણે કહ્યું, ‘રોહન, તું કેમ કંઈ કામ કરતો નથી? આટલો મોટો થયો તારે હવે પપ્પાના સાથી બનવાનું હોય, તેમનો ભાર ઓછો કરવાનો હોય, આટલો ભણેલો છે. તને સમજાતું નથી.’ રોહને જવાબ આપ્યો, ‘બધું સમજાય છે દાદા, પણ કૈંક એકદમ સારું કામ મળે તો કરું?’ અનુભવી દાદા આ જવાબ સાંભળી થોડા ગુસ્સે થઇ બોલ્યા, ‘ભાઈ, તું બહુ મોટી ભૂલ કરી રહ્યો છે. આમ ઘરે બેઠાં બેઠાં કંઈ ન થાય, બેસ્ટ તકની રાહ જોતાં બેસી રહીશ તો તે તક, તે રસ્તો કંઈ તારી પાસે નહિ આવે.
જ્યારે તું બહાર નીકળીશ અને મહેનત કરીશ, નવી તકને શોધીશ ત્યારે તને તે મળશે. તું કામ કરીશ જ નહિ તો તને શું સમજાશે કે કયું કામ બેસ્ટ છે. જો મારી એક વાત યાદ રાખજે, જીવનમાં આગળ વધવાના માર્ગ રાહ જોવાથી નથી મળતા. તે તો મહેનત કરવાથી ચાલવાથી મળે છે. તું તો ચાલવાની શરૂઆત જ નથી કરતો તો આમ જ રાહ જોતો બેસી રહીશ.’ દાદાની વઢે રોહનની આંખો ખોલી નાખી. તે બીજે જ દિવસે ઈન્ટરવ્યુ આપવા ગયો અને જે પહેલી નોકરી મળી તે સ્વીકારી કામે લાગી ગયો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.