Charotar

ચારુસેટ હોસ્પિટલમાં ‘ડો. અરુણ એન્ડ ડો. અંજના અરુણ પટેલ સીટી સ્કેન સેન્ટર’નું લોકાર્પણ


 
દર્દીઓના હાર્ટ ડીસીસના વેળાસર નિદાન માટે ભારતમાં સૌપ્રથમ ચારુસેટ હોસ્પિટલમાં અદ્યતન કાર્ડિયાક સીટી સ્કેનર સિસ્ટમની સુવિધા
 
ચારુસેટમાં રૂ. 3 કરોડના USAસ્થિત દાતા ડો. અરૂણ પટેલ અને ડો અંજના પટેલને દાનભાસ્કર એવોર્ડ
 
ચાંગા:  ચારૂસેટ હોસ્પિટલ માટે રૂપિયા 3 કરોડથી વધુ રકમનું માતબર દાન આપનાર મૂળ ચાંગાના વતની અને હાલમાં USA સ્થિત વિખ્યાત ઇન્ટર્નીસ્ટ અને દાતા ડો. અરુણભાઈ ડાહ્યાભાઈ પટેલ અને ડેન્ટીસ્ટ ડો. અંજના અરુણભાઈ પટેલ (ચાંગા/ USA)ને 22 સપ્ટેમ્બર સોમવારે  દાનભાસ્કર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ચારુસેટ હોસ્પિટલમાં દીપ પ્રાગટ્ય અને રીબીન કટિંગ સાથે  ‘ડો. અરુણ ડાહ્યાભાઈ  પટેલ એન્ડ ડો. અંજના અરુણ પટેલ (ચાંગા/ USA) સીટી સ્કેન સેન્ટર’ નું લોકાર્પણ ઉપરાંત તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. દર્દીઓના હાર્ટડીસીસના વેળાસર નિદાન માટે ભારતમાં સૌપ્રથમ ચારુસેટ હોસ્પિટલમાં અદ્યતન કાર્ડિયાક સીટી સ્કેનર સિસ્ટમની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
સમારંભના અધ્યક્ષસ્થાને કેળવણી મંડળ-ચારુસેટના પ્રમુખ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, માતૃસંસ્થાના પ્રમુખ શ્રી કિરણભાઈ પટેલ, સોજીત્રાના ધારાસભ્ય અને CHRFના પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ, માતૃસંસ્થા–કેળવણીમંડળ–CHRFના મંત્રી ડો. એમ. સી. પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ  શ્રી સી. એ. પટેલ,   કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી વીરેન્દ્રભાઈ પટેલ,  કેળવણી મંડળના સહમંત્રી શ્રીમતી મધુબેન પટેલ, કેળવણી મંડળના સહમંત્રી શ્રી  ગીરીશભાઈ બી. પટેલ, કેળવણી મંડળના ખજાનચી શ્રી ગીરીશભાઈ સી. પટેલ,  પ્રિ. શ્રી  આર. વી. પટેલ, ચારૂસેટ યુનિવર્સીટીના પ્રોવોસ્ટ  ડો. અતુલ પટેલ,  દાતા પરિવારના સ્વજનો, માતૃસંસ્થા–કેળવણી મંડળ-ચારુસેટ-CHRFના પદાધિકારીઓ, હોદેદારો, અનુપમ મિશનના શ્રી રતિકાકા અને સંતો, શ્રી વિપુલ પટેલ (અમૂલ ડેરી), ડી. સી. પટેલ અને મેહુલ પટેલ (સંકેત સેલ્સ) , ગોરજ મુની સેવા આશ્રમના હેમંત પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.    
પ્રારંભમાં પ્રાર્થના પછી કેળવણી મંડળના સહમંત્રી શ્રી  ગીરીશભાઈ બી. પટેલે સ્વાગત પ્રવચન કરતાં  આમંત્રિતો મહેમાનો અને મહાનુભાવોને આવકાર્યા હતા.  
કેળવણી મંડળના ઉપપ્રમુખ  શ્રી સી. એ.  પટેલે મહેમાનોનો પરિચય આપ્યો હતો.  
ત્યાર બાદ ડો. અરુણભાઈ  પટેલ અને  ડો. અંજના પટેલનું બુકેથી સ્વાગત કરવામાં આવ્યું હતું. 
કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી વીરેન્દ્રભાઈ પટેલે ચારુસેટની વિકાસગાથા વર્ણવી હતી અને દાન ભાસ્કર એવોર્ડ વિશે માહિતી આપી હતી.
રજીસ્ટ્રાર ડૉ. બિનીત પટેલે દાતાના સન્માનપુષ્પનું વાંચન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે માતૃસંસ્થા, કેળવણી મંડળ અને CHRFની સહિયારી સમાજયાત્રા, સહિયારી શિક્ષણયાત્રા અને સહિયારી સ્વાસ્થ્યયાત્રામાં અત્યાર સુધીમાં 2000 થી વધુ દેશવિદેશના દાતાઓના સહયોગથી રૂ. 200 કરોડ ઉપરાંતનું ફંડ પ્રાપ્ત થયું છે. જેમાં રૂ. 1 કરોડ અને તેથી વધુ રકમનું દાન આપનારા 53 વિશિષ્ટ દાતાઓ સમાવિષ્ટ છે. જેઓને કેળવણી મંડળની પરંપરા મુજબ ‘દાનભાસ્કર’ એવોર્ડ અને સન્માનપુષ્પથી નવાજવામાં આવે છે. આ 37મો ‘દાનભાસ્કર’ એવોર્ડ છે.  
ચારુસેટ હોસ્પિટલમાં સીટી સ્કેન સેન્ટર માટે ડો. અરુણભાઈ ડાહ્યાભાઈ  પટેલ અને ડેન્ટીસ્ટ ડો. અંજના અરુણભાઈ પટેલ) તરફથી રૂ. 3.15 કરોડનું માતબર દાન પ્રાપ્ત થયું છે.  1989માં ડૉ. અરુણભાઈ યુએસએ ગયા.   ફુલર્ટન કેલિફોર્નિયામાં છેલ્લા 34 વર્ષથી ડૉ. અરુણભાઈ ખાનગી પ્રેક્ટિસ કરે છે. ડો અંજનાબેન પટેલ કેલિફોર્નિયાના ફુલર્ટનમાં ડેન્ટિસ્ટ છે અને ડેન્ટિસ્ટ્રીની પ્રેક્ટિસ કરે છે. છેલ્લા 22 વર્ષથી ડૉ. અરુણભાઈની પ્રેક્ટિસની ઓફિસમાં સીટી સ્કેન મશીન છે. તેઓએ હૃદયની ધમનીઓમાં કેલ્શિયમ સ્કોર કરીને, તેમાં રહેલા બ્લોકેજને વહેલા શોધીને, અને દર્દીઓની વહેલી સારવાર કરીને 4500 થી વધુ લોકોના જીવ બચાવ્યા છે. ચારૂસેટ હોસ્પિટલમાં અદ્યતન uCT 550 – 80 Slice Cardiac CT Scanner Systemનું દાન ડો અરુણભાઈ પટેલે કર્યું છે. જે કોરોનરી આર્ટરી કેલ્શિયમ સ્કોર અને કોરોનરી સીટી એન્જીયોગ્રામ કરી શકે અને આ રીતે ચરોતરના લોકોનો જીવ બચાવવાનું ડૉ. અરુણભાઈનું સ્વપ્ન હવે પુરૂ થશે.  
શ્રી સુરેન્દ્રભાઈ પટેલ અને ડો. એમ. સી. પટેલ  હસ્તે દાતા ડો. અરુણભાઈ-ડો. અંજનાબેનને શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું અને સન્માનપુષ્પ અર્પણ કરાયું હતું
ત્યાર બાદ દાનભાસ્કર એવોર્ડ અર્પણ થયો હતો.  
27 વર્ષથી સમાજસેવા કરી રહેલા માતૃસંસ્થાના પ્રમુખ શ્રી કિરણભાઈ પટેલે જણાવ્યું હતું કે દાતા દંપતી દ્વારા હોસ્પિટલમાં લોકાર્પણ થયેલ આ સીટી સ્કેન મશીન ભારતમાં પ્રથમ છે જેનો લાભ દર્દીઓને વેળાસર નિદાન કરવા માટે મળશે. આ મશીન હાર્ટ એટેક ના આવે તે માટે અગાઉથી નિદાન કરશે જેથી દર્દીઓને સેવાનો લાભ મળશે. ચારુસેટ   હોસ્પિટલનો ઉત્તરોત્તર વિકાસ  થાય અને દાતાઓ દ્વારા દાન પ્રાપ્ત થતું રહે તેવી આશા વ્યક્ત કરી હતી. તેમણે આણંદ-વિદ્યાનગર રોડ પર આવેલા માતૃસંસ્થાના ઉત્કર્ષ પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી.
CHRFના પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલે જણાવ્યું હતું કે હોસ્પિટલમાં અત્યાધુનિક સુવિધા શરુ કરવા બદલ દાતા દંપતીનો સમાજ વતી આભાર વ્યક્ત કરું છું. તેમણે સીટી સ્કેન કરાવવા માટે પણ ભાવમાં રાહત દરે સારવાર આપવાની ઉદાર ભાવના દર્શાવી છે. ગુજરાતમાં સામાજિક-શિક્ષણ-આરોગ્ય એમ ત્રણેય ક્ષેત્રે આપણો સમાજ કામ કરે છે તે ગૌરવની બાબત છે. આણંદ અને ખેડા જીલ્લાના દરદીઓ ચારુસેટ  હોસ્પિટલમાં સારવાર માટે આવે  અને આધુનિક સુવિધાઓનો લાભ લે તેવો અનુરોધ છે. ભવિષ્યમાં ચારુસેટ હોસ્પિટલને બ્રાન્ડ બનાવવી છે અને તે દિશામાં દાતાઓના સાથ સહકારથી આગળ વધી રહ્યા છીએ.
દાતા ડો. અરૂણભાઈએ જણાવ્યું હતું કે આ એવોર્ડ સન્માન અમારા માટે ગૌરવ છે. વેળાસર નિદાન કરવાથી રોગથી બચી શકાય છે તે ધ્યાનમાં રાખી હોસ્પીટલમાં આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. વર્લ્ડમાં સૌથી વધુ હાર્ટ એટેકના દર્દીઓ ભારતમાં છે અને એટેક ના આવે તે માટે પ્રકારની એડવાન્સ ડાયગ્નોસ્ટીક કેરથી જીવન બચાવી શકાય છે.  જરૂરિયાતમંદ દર્દીઓને રાહત દરે આ સુવિધાનો લાભ મળશે. ડો. અરુણ પટેલે ભવિષ્યમાં અહી સેન્ટર ઓફ એક્સેલન્સ બનાવી એન્જીયોગ્રામ-એન્જીયોપ્લાસ્ટી તેમજ બાયપાસ સેન્ટર પણ બનાવી શકાય તેવો વિચાર રજૂ કર્યો હતો.  દાતા ડો. અંજનાબેને જણાવ્યું હતું કે  આ એવોર્ડ બદલ અમે આનંદ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યા છીએ. અગાઉથી નિદાન કરવાથી દર્દીઓને હાર્ટ ડીસીસથી બચાવી  શકાય છે તે હેતુથી આ સુવિધા શરુ થઇ છે. મારા પરિવારમાંથી ઘણા બધા મેડીકલ ક્ષેત્રે ડોકટરો છે તેઓને પણ ભવિષ્યમાં અહી ચેરીટી કરવા માટે પ્રેરણા આપીશ.     
આ પ્રસંગે માતૃસંસ્થાના ટ્રસ્ટી પ્રિ. શ્રી આર. વી. પટેલ દ્વારા સંપાદિત, દાન ભાસ્કર એવોર્ડ પ્રાપ્ત કરનારા દાતાઓની પ્રેરણાદાયક ગાથા રજૂ કરતા પુસ્તક ‘ચારુસેટ સંહિતા’નું લોકાર્પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
કેળવણી મંડળ-ચારુસેટના પ્રમુખ શ્રી સુરેન્દ્રભાઈ પટેલે કહ્યું કે નવરાત્રીના પાવન પર્વે હોસ્પીટલમાં નવલું નજરાણું ઉપલબ્ધ થયું છે. આ લેટેસ્ટ સીટી સ્કેન મશીન ભારતમાં સૌપ્રથમ છે. હાર્ટ એટેકના સવાલ ઉભા થાય ત્યારે અગાઉથી હાર્ટ ડીસીસની ખબર પડે તે માટે આ મશીન  દ્વારા વેળાસર નિદાનથી જીવન બચી શકે તે હેતુથી આ મશીન દાન આપ્યું છે. 25 વર્ષની ગૌરવવંતી યાત્રામાં દેશવિદેશના દાતાઓના સહકારથી અમે પ્રગતિ કરી રહ્યા છીએ. તેઓએ દાતા દંપતીને ચારુસેટ સાથે હમેશા જોડાયેલા રહેવા અને હોસ્પીટલને માર્ગદર્શન આપતા રહેવા અનુરોધ કર્યો હતો.   
અંતમાં કેળવણી મંડળના સહમંત્રી શ્રીમતી મધુબેન પટેલે આભારવિધિ કરી હતી.

Most Popular

To Top