Charchapatra

ટ્રમ્પનો અહંકાર

ઘણી વ્યક્તિઓને સત્તાનો મદ ચઢયો હોય છે. ‘‘હું કહું તેમ જ થવું જોઈએ’’ એવી માનસિકતાથી તેઓ પીડાતાં હોય છે. એનું શ્રેષ્ઠ દૃષ્ટાંત અમેરિકાના પ્રમુખ ‘શ્રી ટ્રમ્પ’ છે! આખા વિશ્વના જમાદાર એમણે બનવું છે! ભારતે રશિયા સાથે ક્રુડ-ઓઈલ મામલે કેવા સંબંધ વિકસાવવા એ ટ્રમ્પે નક્કી કરવાનું? અને વેરભાવના દર્શાવવા ટેરીફમાં વધારો કરવાનો! ભારતે ચીન સાથે વ્યાપાર-વ્યવહાર નક્કી કર્યો એમાં પણ એમને ઉદરશૂળ ઉપડયું! શું આખા વિશ્વમાં ફક્ત અમેરિકા જ બુદ્ધિશાળી દેશ છે? અન્ય દેશો વિકાસશીલ નથી? પ્રગતિશીલ નથી બન્યા?

જાપાન અને ચીને ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ભરી છે એ સર્વવિદિત ઘટના છે. ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં મધ્યસ્થીએ એમણે ચલાવ્યું! જો કે ભારતે ઘટસ્ફોટ કરી દીધો! એમની માનસિકતા વાંચી ક્યારેક મહમદ તઘલખ નામનો રાજવી યાદ આવે! હવે એમને ભારતની મિત્રતા યાદ આવી! અને આપણા વડા પ્રધાનને મિત્ર ગણાવ્યા! ક્યારે શું નિવેદન કરવું એનું ‘‘જ્ઞાન’’ એમને છે ખરું? દરેક બાબતમાં અહંકાર ન જ ચાલે. એમને શાંતિ માટેનું પારિતોષિક જોઈએ છે! તઘલખીપણું સમગ્ર વિશ્વના દેશોને એમનો સામનો કરવા એકજૂટ કરે તો આશ્ચર્ય નહીં.
રાંદેર રોડ, સુરત   – નેહા શાહ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top