Godhra

ગોધરા પોલીસ સ્ટેશન પર ટોળાના હુમલામાં પોલીસે ગુનો નોંધી 17 ની ધરપકડ કરી

ગોધરા: પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં સોશિયલ મીડિયા પરની એક પોસ્ટને કારણે મોટી ગેરસમજ ઊભી થઈ. જેના પરિણામે બી ડિવિઝન પોલીસ મથક પર ટોળાએ હુમલો કર્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો અને આ ઘટના બાદ કાયદેસરની કાર્યવાહી કરીને 17 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આ ઘટના આગામી નવરાત્રિના તહેવારને અનુલક્ષીને બની હતી. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે એક સ્થાનિક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને વિવાદાસ્પદ પોસ્ટ ન કરવા માટે સમજાવવા માટે પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો હતો. જોકે, પોલીસ સ્ટેશનમાંથી બહાર આવ્યા બાદ આ ઇન્ફ્લુએન્સરે એક વિડિયો બનાવ્યો, જેમાં તેણે દાવો કર્યો કે તેને માર મારવામાં આવ્યો છે અને પોસ્ટરને લઈને ગેરસમજ ઊભી કરી હતી

આ વિડિયો ઝડપથી વાયરલ થતાં જ એક જ સમુદાયના લોકોનું મોટું ટોળું પોલીસ સ્ટેશનની બહાર એકત્ર થઈ ગયું. ટોળાએ ભારે હોબાળો મચાવ્યો અને પથ્થરમારો કરી તોડફોડ કરી હતી જેનાથી પરિસ્થિતિ તંગ બની. પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો અને ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો.જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દુધાતે જણાવ્યું કે, “અમે ઇન્ફ્લુએન્સરને ફક્ત કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બોલાવ્યો હતો. ગેરસમજને કારણે લોકો ભેગા થયા અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા લાઠીચાર્જ કરવો પડ્યો. કોઈ મોટી ઈજા થઈ નથી અને પોલીસે ટીયરગેસનો ઉપયોગ કર્યો નથી.”
ઘટના બાદ, પોલીસે તાત્કાલિક ધર્મગુરુઓ અને સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજી. એક મુસ્લિમ આગેવાને આ ગેરસમજથી થયેલા છમકલા બદલ માફી માગી અને લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી.આ સમગ્ર ઘટના બાદ પોલીસે તોફાની ટોળા સામે ગુનો નોંધી કડક કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે પથ્થરમારો અને તોડફોડમાં સામેલ અત્યાર સુધી 17 લોકોની ધરપકડ કરી છે. વધુ આરોપીઓને ઝડપી પાડવા માટે 10 જેટલી ટીમો તૈયાર કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલી રહી છે. હાલ, વિસ્તારમાં પરિસ્થિતિ શાંત છે અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Most Popular

To Top