દેખાવે થોડી રીના રોય, થોડી શત્રુઘ્ન, થોડી પૂનમ સિંહ જેવી લાગતી સોનાક્ષીને દબંગે પહેલો જ ડેબ્યુ એવોર્ડ પણ અપાવ્યો. સલમાન સાથે ફિલ્મ અને એવોર્ડ બાદ તો લાગ્યું કે સોનાની ગાડી ક્યારેય ‘હોલીડે’ પર નહિ જાય
એક સમયે, બોલિવૂડ સ્ટાર્સ સાચે દૂર ચમકતા તારા જેવા હતા. તેમનું જીવન રાતે ટમટમ કરતા નાનકડા તારા જેટલી જ લાઈટમાં રહેતું. ફેન્સ તેમને જોવા કેટલાયે શુક્રવારની રાહ જોતા, સાથે કોઈક મેગેઝીન કે અખબાર તેમને કવર કરે તો રાતોરાત કોપી વેચાઈ જતી. સ્ટાર-સ્ટડેડ પાર્ટીમાં તેમના મનપસંદ સ્ટાર્સની ઝલક જોવા કેટલીયે ભીડમાં રાહ જોતા- પણ આ બધું જ હવે ભૂતકાળ છે. આજના 1.50X સ્પીડના યુટ્યુબ અને સોશ્યલ મીડિયાના સમયમાં છુપાઈને રહેતા સિતારાઓ જ હવે લાઇવ-સ્ટ્રીમ થાય છે. પાર્ટીઓ બ્લોગ કરે છે. કિચન, કપડા, વેકેશન અને પર્સનલ વ્યૂઝ પણ સામેથી જ આપે છે. આલિયા ભટ્ટ, માધીરી દીક્ષિત, કૃતિ સેનોન, નોરા ફતેહી જેવા એક્ટર કમ યુટ્યુબરની લાંબી લિસ્ટમાં એક નવું નામ જોડાયું છે.

એક સ્ટારકિડ જેણે 2010માં બ્લોકબસ્ટર ડેબ્યુ કર્યું, હાલમાં જ આ ઈન્ડસ્ટ્રીમાં આવ્યે 15 વર્ષ થયાની ઉજવણી કરી. તે ‘અસલીસોના’ (સોનાક્ષીનું ઇન્સ્ટા નામ) હવે નવી જગ્યા એ સ્પોટલાઇટમાં જોવા મળી રહી છે – તે છે ડિજિટલ મીડિયા. ફિલ્મોથી દૂર રહેલી દબંગ ગર્લ સોનાક્ષી સિંહ હવે વારતહેવારે યુટ્યુબ પર વ્લોગ કરતી જોવા મળે છે! ‘’અરે ભાઈ’સાબ યે કિસ લાઈન મેં આ ગયે આપ!’’ એવો સવાલ અત્યારે ટૉક ઓફ ધ ટાઉન છે. સોનાનાં ફેન્સને પણ થતો જ હશે. હિટફ્લોપ ફિલ્મોનો સરખો ભાર લઈ ચાલતી સોનાક્ષી હવે પોતાનું અલગ જ પ્લેટફોર્મ ઉભું કરવા માંગે છે કે?
2010માં ભાઈની ફિલ્મ આવી દબંગ- આ એ સમય હતો જ્યારે સલમાન નવોદિત કલાકરોને રોજગારી આપતો અને આ સ્કીમમાં સ્ટારકિડ સોનાક્ષીનો નંબર લાગ્યો હતો. દેખાવે થોડી રીના રોય, થોડી શત્રુઘ્ન, થોડી પૂનમ સિંહ જેવી લાગતી સોનાક્ષીને આ દબંગે પેહલો જ ડેબ્યુ એવોર્ડ પણ અપાવ્યો. સલમાન સાથે ફિલ્મ અને એવોર્ડ બાદ તો લાગ્યું કે સોનાની ગાડી ક્યારેય ‘હોલીડે’ પર નહિ જાય. એવું થયું નહિ. 15 વર્ષમાં ગણીને ઠીકઠીક ફિલ્મો કરી ચૂકેલી સોનાક્ષી પાછલા વર્ષે 5 પ્રોજેક્ટમાં દેખાયેલી (કેટલી યાદ છે?) અને 2025 તો પૂરું થવા આવ્યું છતાં એક જ ફિલ્મ ‘નિકિતા રોય’માં દેખાઈ જે તેના ભાઈ એ જ બનાવેલી (અને ભાઈ એ જ જોઈ હશે) અર્થાત લાસ્ટ 2023માં ‘દહાડ’ વેબસિરીઝ પછી કોઈ સારો પ્રોજેક્ટ તેને મળ્યો નથી અથવા તો સોનાક્ષી કરવા નથી માંગતી? 2024 જૂનમાં બોયફ્રેન્ડ ઝહિર ઈકબાલ સાથે લગ્ન બાદ કોઈ ફિલ્મ કરવાના મૂડમાં તે લગતી નથી કે કોઈ તેની સાથે ફિલ્મ કરવા નથી માગતું? લગ્ન પછી તરત હિરામંડી આવી હતી જેમાં લાગ્યું કે સોના ચમકશે પણ એવું થયું નહિ.
તો દબંગથી શરુ થયેલી સફર હિરામંડી સુધીમાં ઘણા ઉત્તર ચડાવ જોયા- થિયેટર અને પછી OTT પર પણ દેખાઈ અને હવે સમયને પરખી ચુકેલી સોનાક્ષી થિયેટરને છોડી ફોનની સ્ક્રીન પર દેખાવાનો પ્લૅન કરી રહી છે!
પતિ ઈકબાલ સાથે તેના સોશ્યલ મીડિયા પર વાયરલ વીડિયો ફેન્સને પસંદ પડી રહ્યા છે અને આ જોઈ સોનાક્ષી પણ વધારે વિડીયો બનાવી રહી છે. 2025માં તો પોતાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પણ ખોલી દીધી છે. જેમાં તે પોતાના પતિ સાથેના વ્લોગ, ટ્રાવેલ વ્લોગ, શોર્ટ્સ અપલોડ કરે છે. તેની ચેનલ પર 5.07 લાખ સબસ્ક્રાઈબર છે અને અત્યાર સુધીમાં 157 જેટલા વીડિયો પણ બનાવી ચૂકી છે.
તો હવે આટલા વિડીયો બનાવ્યા પછી તે નક્કી થતું જાય છે કે સોનાક્ષી યુટ્યુબર તરીકે પોતાને નવી ઓળખ આપવા માંગતી હશે. અને વીડિયોને મળતા વ્યૂઝ જોઈ હરખાતી તો હશે જ.
એમ જોવા જઇયે તો સિનેમાનું કરિયર ફ્રેજાઈલછે. એક શુક્રવારની ફ્લોપ તમારા વર્ષોની મહેનતને ડૂબાડી શકે છે. સોનાક્ષી માટે જે પહેલાથી બોક્સ-ઓફિસ પર સકસેસફૂલ થવા સામે લડી રહી હતી તેને ડિજિટલ દુનિયા આ બધી શરતોમાં નથી માપતું. તેના બ્યુટી ટ્યુટોરિયલ્સ, ફિટનેસ સ્નિપેટ્સ અને ઇન્સ્ટાગ્રામ પર હોમટુર્સ તેની ફિલ્મો કરતાં વધારે વ્યૂઝ મેળવે છે. અને ફેન્સ સાથેની ફની મસ્તી સોનાક્ષીને વધારે ‘કનેક્ટ’કરે છે. જે મોટા પડદા પર શક્ય નથી.
તેમાં કોઈ શંકા નથી કે યુટ્યુબ અને સોશ્યલ પ્લેટફોર્મ તમને વધુ સારી કમાણી પણ આપે છે. ત્યાં કોઈ પ્રોડ્યુસર નથી, કોઈ ક્રિટીક નથી. બસ સોનાક્ષી અને તેના ફેન્સ જ છે.
જો સોનાક્ષી આ બંને દુનિયા-બોલિવૂડ અને ડિજિટલને બેલેન્સ કરવાનું ચાલુ રાખે છે, તો તે એવી એક્ટ્રેસ માટે એક નવું ઉદાહરણ બનવાની છે જે બોક્સ-ઓફિસ નંબરો પર ટકી રહેવા નથી માંગતી. એટલે સોનાક્ષી વાયરલ થઈ તો બીજી ઘણી બધી એક્ટ્રેસ લાઈનમાં છે જેને તમે યુટ્યુબ પર જોવા લાગશો.પોતાને સૌની સામે જાહેર કરી દેવા કે પોતાનું જીવન અંગત રાખવું આ બેમાંથી શું પસંદ કરવું તે સોનાક્ષીની ઈચ્છા. બાકી બોલિવૂડે આપણને એક વાત બતાવી છે – ઑડિયન્સ સરળતાથી કંટાળી જાય છે. તેમને સતત એન્ટરટેઇન કરતા રહેવા પડશે એ પછી ફિલ્મ હોય કે વ્લોગ. •