એક દિવસ એક રાજા વેશ બદલીને પોતાના નગરમાં ફરવા નીકળ્યો. વહેલી સવારે રાજા ખેતર પાસેથી પસાર થતો હતો ત્યારે ખેડૂત પરસેવે રેબઝેબ થઈને પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો. રાજાએ તેની પાસે જઈને કહ્યું, ‘‘આટલી વહેલી સવારે તું આટલો પરસેવે રેબઝેબ છે એટલે કેટલી મહેનત કરે છે?’’ ખેડૂતે પોતાની આખી દિનચર્યા કહી કે પોતે કેવી રીતે આખો દિવસ તપતા તાપમાં ખેતરમાં માટીમાં કામ કરી પોતાના કુટુંબનું ભરણપોષણ કરે છે.
રાજાએ તેને પૂછ્યું, ‘‘ભાઈ, આટલી મહેનત કરી તું રોજ કેટલું કમાઈ લે છે?’’ખેડૂતે કહ્યું, ‘‘બહુ નહીં પણ રોજ એક સોનામહોર જેટલું તો કમાઈ લઉં છું.’’રાજાએ આગળ પૂછ્યું, ‘‘બસ એક જ સોનાનો સિક્કો …પૂરો પડે છે? તું તેનો ઉપયોગ કેવી રીતે કરે છે?’’ ખેડૂતે કહ્યું, ‘‘હું જે કમાઉં છું ને રાજાજી તેમાંથી એક પા ભાગ મારા માટે ખર્ચ કરું છું. બીજો પા ભાગ ઉધારમાં આપું છું.ત્રીજા પા ભાગમાંથી વ્યાજ ચૂકવું છું ઋણ ચૂકવું છું અને જે ચોથો પા ભાગ બચે છે ને તેને હું કૂવામાં નાખી દઉં છું.’’
રાજાને આ જવાબમાં કંઈ સમજ ન પડી. રાજાએ કહ્યું, ‘‘આમ ઉખાણાની ભાષામાં વાત ન કર. બરાબર સમજાવ. તું કહેવા શું માંગે છે?’’ ખેડૂતે કહ્યું, ‘રાજન સાવ સહેલો છે આ જીવનનો હિસાબ. હું જે કામ કરીને, જે કમાણી કરું છું તેમાંથી પા ભાગ હું મારા માટે અને મારી પત્નીના પાલનપોષણમાં વાપરું છું. બીજા પા ભાગમાંથી હું મારાં બાળકોનું પાલન પોષણ કરું છું એટલે કે એમને ઉધાર આપું છું જેથી ભવિષ્યમાં હું અને મારી પત્ની વૃદ્ધ થઈ જઈએ ત્યારે તેઓ અમારું ધ્યાન રાખે. ત્રીજા ભાગમાં હું ઋણ ચૂકવું છું, વ્યાજ ચૂકવું છું એટલે કે હું મારાં માતા-પિતાનું પાલનપોષણ કરું છું. તેમનું ધ્યાન રાખું છું, જેથી તેમણે મને જન્મ આપી, પાળીપોષીને મોટો કર્યો છે તે ઋણ હું ચૂકવવાની કોશિશ કરી રહ્યો છું.’’
આટલું સાંભળ્યા બાદ રાજા પોતાની જિજ્ઞાસા રોકી ન શક્યા અને તરત બોલ્યા, ‘‘તું આટલો પરસેવો પાડીને જે મહેનત કરે છે એનો પા ભાગ કૂવામાં નાખી દે છે. આ વળી કઈ રીત છે અને એવું શા માટે કરે છે?’’ ખેડૂત હસ્યો અને બોલ્યો,‘‘રાજન, મારી કમાણીનો ચોથો પા ભાગ હું કૂવામાં નાખું છું એટલે કંઈ સાચે હું સિક્કા કૂવામાં નથી નાખતો. એ સિક્કાઓનો હું દાન ધર્મ કરું છું. એમાંથી હું પુણ્ય કમાવાની કોશિશ કરું છું.જેથી આવતો જન્મ સુધરે.’’ એક અભણ ખેડૂતે રાજાને જીવનભરની કમાણીનો સાચો હિસાબ સમજાવી દીધો.