SURAT

મા-બેનની ગાળો દેનાર મિત્રનું માથું કાપી કચરામાં ફેંકી દીધું, સુરતમાં સનસનીખેજ હત્યા

મિત્રોમાં સામાન્ય રીતે ગાળો દેવાનો વ્યવહાર હોય છે. પરંતુ ક્યારેક મજાકમાં દેવાતી ગાળો ઝઘડાનું કારણ બનતી હોય છે. દોસ્તી તૂટી જતી હોય છે, પરંતુ સુરતમાં તો એક એવો કિસ્સો બન્યો છે જે વાંચી, સાંભળીને મિત્રો એકબીજાને ગાળો દેતા પહેલાં સો વાર વિચાર કરશે.

સુરતના લસકાણા વિસ્તારમાં થોડા દિવસ પહેલાં એક શ્રમિક યુવકની હત્યાનો બનાવ બન્યો હતો. યુવકનું ધડ તેની રૂમમાંથી જ્યારે કપાયેલું માથું 500 મીટર દૂર કચરામાંથી મળ્યું હતું. પોલીસે હત્યારા આરોપીને પકડી આ કેસ ઉકેલી નાંખ્યો છે. તપાસ દરમિયાન હત્યાનું કારણ જે બહાર આવ્યું તે સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

ગઈ તા. 11 સપ્ટેમ્બર 2025ના રોજ લસકાણાના વિજય નગરમાં જે શ્રમિક યુવકની હત્યા થઈ તેનું નામ દિનેશ મહંતો હતું. દિનેશનું માથું વિજયનગરના તળાવ પાસે કચરાના ઢગલામાંથી મળ્યું હતું. પોલીસને પહેલાં માથું મળ્યું પછી 500 મીટર દૂર આવેલા એક મકાનમાંથી ધડ મળ્યું હતું. દિનેશ મૂળ બિહારનો છે. બિહારમાં પત્ની અને ત્રણ સંતાનો રહે છે. તેનો ભાઈ પિપોદરામાં રહે છે.

તપાસમાં એવી હકીકત બહાર આવી કે દિનેશની હત્યા તેની સાથે તેના રૂમમાં રહેતા તેના જ ગામના તેના મિત્ર ઈશાદ મન્સૂરી ઉર્ફે મુન્ના બિહારીએ કરી છે. દિનેશ અને મુન્નો એક જ કારખાનામાં સાથે નોકરી કરતા હતા. દિનેશ અને તેનો હત્યારો મિત્ર બંને બિહારના ગોપાલગંજના વતની છે.

મુન્નાએ હત્યાના દિવસે 8 હજાર પગાર લઈ નોકરી છોડી દીધી હતી. ત્યાર બાદ મુન્નો દિનેશ સાથે દેખાયો હતો. બંનેના સાથે ચાલતા હોવાના સીસીટીવી મળ્યા હતા. તેના આધારે પોલીસે મુન્નાની પૂછપરછ કરતા હત્યા તેણે જ કરી હોવાનો ખુલાસો થયો હતો.

મુન્નાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી કે જે રૂમમાં હત્યા થઈ તેમાં હત્યાના ઈરાદે જ દિનેશને લઈ ગયો હતો. તે ભાડે રાખી નહોતી. રૂમમાં સળિયો હતો, જે દિનેશના માથામાં ફટકાર્યું હતું, ત્યાર બાદમાં ડોકું કાપી નાંખ્યું હતું.

આરોપીએ શું કહ્યું?
બંને વચ્ચે બોલાચાલી થઈ ત્યારે દિનેશે મા-બહેનની ગાળો દીધી હતી. તેથી ઉશ્કેરાઈને પહેલાં દિનેશ પર પત્થરથી હુમલો કર્યો હતો. ત્યાર બાદ દિનેશે ગાળો દેવાનું ચાલુ રાખતા મને વધારે ગુસ્સો આવ્યો હતો. રૂમમાં પડેલા ચપ્પુથી દિનેશનું માથું ધડથી અલગ કરી દીધું હતું. પછી માથું બહાર કચરામાં ફેંકી દીધું, જેથી કોઈને ખબર ન પડે. ધડને રૂમમાં જ મુકી ભાગી ગયો.

પોલીસથી બચવા મોબાઈલ બંધ કરી દીધો હતો. પિપોદરામાં જઈ રહેવા લાગ્યો હતો. ત્યાં ઈર્શાદ મન્સુરી નામથી લુમ્સના કારખાનામાં નોકરી શરૂ કરી દીધી. પણ સુરત ક્રાઈમ બ્રાન્ચે એક જ દિવસમાં પકડી લીધો.

પોલીસે ઈશાદ ઉર્ફે મુન્ના મન્સૂરીની ધરપકડ કર્યા બાદ હત્યાનું કારણ પૂછતાં મુન્નાએ કહ્યું કે, બંને વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારે દિનેશે તેને મા-બહેન પર ગાળો દીધી હતી. તેથી પોતે દિનેશની હત્યા કરી.

Most Popular

To Top