એશિયા કપમાં પાકિસ્તાનને હરાવ્યા બાદ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ભારતીય સેનાને વિજય સમર્પિત કર્યો. સૂર્યા અને ટીમ ઈન્ડિયાનો સંદેશ સ્પષ્ટ હતો કે આ વિજય દેશના સૈનિકોના સન્માન માટે છે. આ પ્રસંગે દુબઈ સ્ટેડિયમ ‘ભારત માતા કી જય’ ના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું. પહેલગામ આતંકવાદી હુમલા અને ત્યારબાદ થયેલા ઓપરેશન સિંદૂર પછી પહેલીવાર ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો સામસામે હતી.
ખાસ વાત એ હતી કે મેચ જીત્યા બાદ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા ન હતા. અગાઉ સૂર્યાએ ટોસ દરમિયાન પણ પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ મિલાવ્યા ન હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટોસ દરમિયાન અને મેચ પછી હરીફ ખેલાડીઓના હાથ મિલાવ્યાને સૌજન્ય માનવામાં આવે છે. તેનો અર્થ એકબીજા પ્રત્યે આદરપૂર્ણ વર્તન થાય છે. ભારતીય ટીમે સંદેશ આપ્યો કે એશિયા કપમાં રમવું એ આ ટુર્નામેન્ટ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા છે, પરંતુ તેનો પાકિસ્તાની ખેલાડીઓ પ્રત્યે સૌજન્ય બતાવવાનો કોઈ ઈરાદો નથી. ભારતે રમતમાં પણ કોઈ સૌજન્ય દર્શાવ્યું ન હતું અને પાકિસ્તાનને એકતરફી રીતે હરાવ્યું હતું.
રવિવારે સૂર્યકુમાર યાદવનો 35મો જન્મદિવસ હતો અને સ્ટેડિયમમાં હાજર ચાહકોએ તેમને અભિનંદન આપ્યા હતા. મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં યજમાન સંજય માંજરેકરે તેમના માટે જન્મદિવસની શુભકામના માટે ગીત પણ ગાયું હતું. સૂર્યાએ આભાર માન્યો અને કહ્યું કે આ જીત ભારતને રિટર્ન ગિફ્ટ છે. પ્રેઝન્ટેશનના અંતે સૂર્યાએ કહ્યું, અમે પહેલગામ આતંકવાદી હુમલાના પીડિતોના પરિવારો સાથે ઉભા છીએ. અમે અમારી એકતા દર્શાવીએ છીએ અને આજની જીત ભારતીય સશસ્ત્ર દળોને સમર્પિત કરીએ છીએ.
સૂર્યકુમાર યાદવે 16મી ઓવરના પાંચમા બોલ પર છગ્ગો ફટકારીને મેચ જીતી લીધી હતી. તેણે સુફિયાન મુકીમના બોલ પર લોંગ ઓન પર છગ્ગો ફટકાર્યો હતો. મેચ જીત્યા પછી ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા ન હતા.
ભારતીય ચાહકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા
ભારતીય ઇનિંગ્સની 8મી ઓવર પછી ભારતીય ચાહકોએ ટીમના સમર્થનમાં ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા. આ સમયે ભારતને જીતવા માટે 57 રનની જરૂર હતી. સ્ટેડિયમમાં લગભગ 70% ચાહકો ભારતીય ટીમના સમર્થકો હતા. ભારતની જીત બાદ પણ દર્શકોએ ચિયર કરી ભારતનો ઉત્સાહ વધાર્યો હતો.