એશિયા કપ 2025માં આવતીકાલે રવિવારે 14 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાન મેચ રમાવાની છે. પરંતુ ભારતમાં આ મેચને લઈને ગુસ્સો છે. વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકો આ મેચને લઈને ગુસ્સો ઠાલવી રહ્યાં છે. હવે આ મામવે ભૂતપૂર્વ રમતગમત મંત્રી અને વર્તમાન ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે સ્પષ્ટતા કરી છે. ઠાકુરે કહ્યું કે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) અથવા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા આયોજિત ટુર્નામેન્ટમાં આવી મેચ ટાળી શકાતી નથી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લી દ્વિપક્ષીય શ્રેણી 2012/13 માં રમાઈ હતી. ત્યારથી બંને દેશો વચ્ચેની મેચો એશિયા કપ , ODI વર્લ્ડ કપ અને T20 વર્લ્ડ કપ જેવી વૈશ્વિક અથવા ખંડીય ટુર્નામેન્ટ સુધી મર્યાદિત રહી છે. વર્તમાન મેચ એવા સમયે થઈ રહી છે જ્યારે ભારતે એપ્રિલમાં પહેલગામ આતંકવાદી હુમલા પછી પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠનો સામે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ કારણે ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો અને ચાહકોએ આ મેચનો બહિષ્કાર કરવાની માંગ કરી હતી.
ભારત-પાકિસ્તાન મેચ પર અનુરાગ ઠાકુરે શું કહ્યું?
સમાચાર એજન્સી ANI દ્વારા શેર કરાયેલા એક વીડિયોમાં ઠાકુરે કહ્યું, “જ્યારે ACC અથવા ICC ટુર્નામેન્ટ હોય છે ત્યારે તમામ દેશો માટે રમવાનું ફરજિયાત બની જાય છે. જો તેઓ આમ નહીં કરે તો તેમને ટુર્નામેન્ટ છોડી દેવી પડશે અથવા મેચ ગુમાવવી પડશે અને પોઈન્ટ બીજી ટીમને મળશે. ભારત પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય શ્રેણી રમતું નથી. અમે વર્ષો પહેલા નક્કી કર્યું છે કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદ બંધ નહીં કરે, ત્યાં સુધી અમે દ્વિપક્ષીય ક્રિકેટ નહીં રમીએ.”
પૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે અભિપ્રાય આપ્યો
એક કાર્યક્રમમાં હરભજન સિંહે આ મામલે પોતાનો મત વ્યક્ત કરતા કહ્યું હતું કે, ‘ભારત-પાકિસ્તાન મેચ હંમેશા હેડલાઇન્સમાં રહે છે, પરંતુ ઓપરેશન સિંદૂર પછી, બધાએ કહ્યું કે આપણે ન તો પાકિસ્તાન સાથે રમવું જોઈએ અને ન તો વેપાર કરવો જોઈએ. અમે વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ રમી રહ્યા હતા, પરંતુ અમે પાકિસ્તાન સામે એક પણ મેચ રમી ન હતી.’
હરભજને વધુમાં કહ્યું કે વ્યક્તિગત રીતે તે પાકિસ્તાન સાથે રમતગમત કે વેપાર સંબંધોના પક્ષમાં નથી, પરંતુ બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટની વાત આવે ત્યારે સરકારની નીતિનું સન્માન કરે છે. વિવાદ હોવા છતાં એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ ફિક્સ છે. બંને ટીમોએ જીત સાથે ટુર્નામેન્ટમાં પ્રવેશ કર્યો છે, જે સુપર ફોરમાં સ્થાન મેળવવાની દ્રષ્ટિએ આ મેચને મહત્વપૂર્ણ બનાવે છે.