નેપાળમાં હિંસાની આગ હજુ શાંત થઈ નથી ત્યાં ફ્રાન્સની રાજધાની પેરિસ પણ સળગવા લાગી છે. પેરિસમાં બ્લોક એવરીથિંગ મુવમેન્ટ પછી બધે જ આગ લાગી રહી છે અને મોટી સંખ્યામાં વિરોધીઓ રસ્તાઓ પર ઊતરી આવ્યાં છે. પ્રદર્શનકારીઓએ પેરિસના રસ્તાઓ બંધ કરી દીધા છે અને ઘણી જગ્યાએ આગચંપી શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં હિંસાને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા અને ૨૦૦ થી વધુ લોકોને કસ્ટડીમાં લીધાં છે.
નેપાળની જેમ આ વિરોધ પણ સોશ્યલ મિડિયા પર શરૂ થયો હતો. ત્યાર બાદ પેરિસમાં પ્રદર્શનકારીઓની જમાવટ થઈ હતી. પેરિસમાં ૮૦,૦૦૦ થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. ફ્રાન્સના વડા પ્રધાન બાયરોએ બજેટમાં ૪૪ અબજ યુરો (લગભગ ૪ લાખ કરોડ રૂપિયા) બચાવવા માટે એક યોજના રજૂ કરી હતી, જેના માટે તેમની ભારે ટીકા થઈ હતી અને તેમને સત્તા ગુમાવવી પડી હતી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને સંરક્ષણ પ્રધાન લેકોર્નુને નવા વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા તો ઇમેન્યુઅલ મેક્રોનના નિર્ણયો સામે પેરિસમાં બળવો શરૂ થયો છે.
ફ્રાન્સમાં હિંસા ફાટી નીકળવાનું સૌથી મોટું કારણ વારંવાર સત્તાપરિવર્તન હોવાનું કહેવાય છે. દેશને લગભગ એક વર્ષમાં ચોથી વખત નવા વડા પ્રધાન મળ્યા છે. વારંવાર સરકાર બદલાવાથી લોકોમાં અસંતોષ અને અવિશ્વાસ ફેલાયો છે. હિંસા ફાટી નીકળવાનું બીજું કારણ બાયરોની નીતિ છે. તેમણે જાહેર રજાઓમાં ઘટાડો અને પેન્શન બંધ કરવા સહિત વ્યાપક કરકસરનાં પગલાંની જાહેરાત કરી હતી.
આરોગ્ય સેવાઓમાં પણ કાપ મૂકવામાં આવ્યો હતો. આનાથી મજૂર વર્ગ અને સામાન્ય લોકોમાં અસંતોષ ફેલાયો હતો. જનતાનો ગુસ્સો રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન પર પણ છે, જેમના પર વ્યાપક અસંતોષને અવગણવાનો આરોપ છે. બ્લોક એવરીથિંગ ચળવળને મળેલો અચાનક અને વ્યાપક પ્રતિસાદ ૨૦૧૮ની યલો વેસ્ટ ચળવળની યાદ અપાવે છે. તે સમયે કામદારો ટ્રાફિક વર્તુળોમાં કેમ્પ કરીને ઇંધણ કરમાં વધારા સામે વિરોધ કરી રહ્યા હતા. આ ચળવળ ઝડપથી રાજકીય, સામાજિક અને પ્રાદેશિક વિભાગોને પાર કરી ગઈ હતી અને તેણે આર્થિક અન્યાય અને મેક્રોનના નેતૃત્વ સામે રાષ્ટ્રીય આક્રોશનું સ્વરૂપ ધારણ કર્યું હતું.
ફ્રાન્સમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોનાં મૂળ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની નીતિઓમાં રહેલાં છે. વિરોધીઓનો આરોપ છે કે મેક્રોન સરકાર લોકોના જીવનધોરણને સુધારવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે અને દેશનું આર્થિક વ્યવસ્થાપન ખોરવાઈ ગયું છે. સતત વિરોધ પ્રદર્શનો અને હિંસા છતાં ઇમેન્યુઅલ મેક્રોને સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ રાજીનામું નહીં આપે. તેમણે વિપક્ષો પર પ્રહાર કરીને જનતાને સંયમ રાખવાની અપીલ કરી છે.
રાષ્ટ્રપતિ મેક્રોનના રાજીનામાની માંગણી જોર પકડી રહી છે. ઘણા દિવસોથી ફ્રાન્સમાં ૧૦ સપ્ટેમ્બરે બધું બંધ કરવાની અથવા સંપૂર્ણ હડતાળ પર જવાની ચર્ચા ચાલી રહી હતી, જેને બ્લોક એવરીથિંગ આંદોલન કહેવામાં આવતું હતું. સોશ્યલ મિડિયા પર આંદોલનની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી, જેમાં દેશવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું હતું. મતલબ કે ચુકવણી નહીં, ખરીદી અને વેચાણ નહીં.
સોશ્યલ મિડિયા પર લખ્યું હતું કે ૧૦ સપ્ટેમ્બરે આપણે ચૂકવણી નહીં કરીએ, આપણે વપરાશ નહીં કરીએ અને આપણે કામ નહીં કરીએ. બ્લોક એવરીથિંગ ચળવળ હેઠળ પેરિસના રસ્તાઓ પર ઉગ્ર વિરોધ પ્રદર્શનો થયાં હતાં. પ્રદર્શનકારીઓએ રેલવે અને વીજળીની લાઇનોને નુકસાન પહોંચાડ્યું અને જાહેર પરિવહનને અવરોધિત કર્યું હતું. આ આંદોલનને ફ્રેન્ચ સમાજમાં વ્યાપક સમર્થન મળ્યું હતું. હેશટેગ્સ સોશ્યલ મિડિયા પર વાયરલ થયા હતા. ઘણાં શહેરોમાં મીટિંગો પણ યોજાઈ હતી. ૧૦ સપ્ટેમ્બરના રોજ વિરોધીઓએ રેલવે સ્ટેશનો, એરપોર્ટ, હાઇ વે અને જાહેર સેવાઓમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કર્યો હતો. કેટલીક જગ્યાએ બસો સળગાવી દેવામાં આવી હતી, રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા હતા અને પોલીસે ટીયર ગેસનો પણ ઉપયોગ કર્યો હતો. સોશ્યલ મિડિયા પર કેટલાંક જૂથોએ લોકોને દુકાનો લૂંટવાની અપીલ પણ કરી હતી.
નેપાળમાં જેમ સોશ્યલ મિડિયા પરના પ્રતિબંધથી એક આંદોલન શરૂ થયું, તેમ ફ્રાન્સમાં પણ લોકો સોશ્યલ મિડિયા દ્વારા એક થઈ રહ્યાં છે. સરકારની નીતિઓના વિરોધીઓએ ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મ પર ઝુંબેશ શરૂ કરી હતી. સોશ્યલ મિડિયા પર હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યા છે અને લોકો ફ્રેન્ચ સરકાર સામે એકતા દર્શાવી રહ્યાં છે. યુવાનો સોશ્યલ મિડિયા પર સૌથી વધુ સક્રિય છે અને મૌન લોકશાહી સામે પોતાનો અવાજ ઉઠાવી રહ્યાં છે. ફ્રાન્સની રાજધાની પેરિસ વિશ્વનું એક મુખ્ય પર્યટન સ્થળ છે.
તેના રસ્તાઓ પર અશાંતિએ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને ડરાવી દીધાં છે. આનાથી ફ્રાન્સના પર્યટન ઉદ્યોગને મોટું નુકસાન થઈ શકે છે. નેપાળ અને ફ્રાન્સનો સામાજિક અને રાજકીય આધાર અલગ છે, પરંતુ જાહેર ગુસ્સાની રીત આશ્ચર્યજનક રીતે સમાન છે. નેપાળમાં આ ગુસ્સો રાજકીય અસ્થિરતા, ભ્રષ્ટાચાર અને લોકશાહી વ્યવસ્થાની નિષ્ફળતાઓનું પરિણામ હતું. ફ્રાન્સમાં પરિસ્થિતિ થોડી અલગ છે. અહીં વ્યવસ્થા બંધારણીય રીતે મજબૂત છે, પરંતુ જનતાને લાગે છે કે સરકાર તેમની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવામાં સક્ષમ નથી. સરકારે નિવૃત્તિ વય ૬૨ થી વધારીને ૬૪ કરી છે. મજૂર વર્ગ આને વિશ્વાસઘાત માને છે.
શિક્ષણ મોંઘું થઈ રહ્યું છે, નોકરીની તકો ઘટી રહી છે અને પોલીસ પર વંશીય ભેદભાવનો આરોપ લાગી રહ્યો છે. આવી સ્થિતિમાં યુવાનો ખૂબ ગુસ્સે છે. લોકો માને છે કે રાષ્ટ્રપતિ મેક્રોન ફક્ત કોર્પોરેટ અને ધનિકોના હિતમાં જ નિર્ણયો લે છે. મજૂર વર્ગ છેતરાયાનો અનુભવ કરી રહ્યા છે. ખાસ કરીને નાનાં શહેરોમાં જીવનનિર્વાહનો ખર્ચ એટલો વધી ગયો છે કે લોકો પોતાના દેશમાં ઉપેક્ષિત અનુભવે છે. આ જ કારણે પહેલાં યલો વેસ્ટ ચળવળ થઈ અને હવે આ નવો વિરોધ ઊભરી રહ્યો છે. ફ્રેન્ચ સમાજ પોતાને સમાનતા અને સ્વતંત્રતાનો હિમાયતી માને છે, પરંતુ સ્થળાંતર કરનારાઓ અને લઘુમતીઓ સામે ભેદભાવ એક મુખ્ય મુદ્દો બની ગયો છે.
ફ્રાન્સમાં અર્ધ-રાષ્ટ્રપતિ પ્રણાલી છે, જ્યાં રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનની અલગ-અલગ પરંતુ મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ છે. રાષ્ટ્રપતિ પાસે સંરક્ષણ, વિદેશ નીતિ અને કટોકટીના સમયે નિર્ણયો લેવાની સત્તા છે. વડા પ્રધાન નીતિઓ લાગુ કરવા અને સંસદ સાથે સંકલન કરવા માટે જવાબદાર છે. ફ્રેન્ચ સંસદમાં પણ બે ગૃહો છે. રાષ્ટ્રીય સભાના સભ્યો સીધા લોકો દ્વારા ચૂંટાય છે. સેનેટ પરોક્ષ રીતે ચૂંટાય છે. અહીં રાષ્ટ્રીય સભાને વધુ શક્તિશાળી માનવામાં આવે છે કારણ કે તે સરકારને ઉથલાવી શકે છે. રાષ્ટ્રપતિ મેક્રોન સુધારાવાદી નેતાની છબી ધરાવે છે, પરંતુ તેમની ટીકા કોર્પોરેટ ફ્રેન્ડલી નેતા તરીકે થઈ રહી છે. ડાબેરી અને જમણેરી દળો મજબૂત થઈ રહ્યાં છે.
૨૦૨૭ ની ચૂંટણીમાં મરીન લે પેન જેવા ઉગ્ર જમણેરી ચહેરાઓના ઉદ્ભવની દરેક શક્યતા છે. જો વર્તમાન કટોકટી વધુ ઘેરી થતી રહેશે તો ફક્ત ફ્રાન્સ જ નહીં, પરંતુ સમગ્ર યુરોપિયન યુનિયનની સ્થિરતા જોખમમાં મુકાઈ શકે છે અને ભારત જેવા દેશો સાથે વેપાર સંબંધો પણ પ્રભાવિત થઈ શકે છે.ફ્રેન્ચ સરકારનો પ્રસ્તાવ છે કે ૧૫ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશ્યલ મિડિયા પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવો જોઈએ. સરકાર માને છે કે ૧૫ થી ૧૮ વર્ષની વયનાં કિશોરો માટે રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૮ વાગ્યા સુધી સોશ્યલ મિડિયાનો ઉપયોગ પ્રતિબંધિત કરવો જોઈએ.
ફ્રાન્સમાં ૧૫ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો દરરોજ સરેરાશ ૩ કલાક સોશ્યલ મિડિયા પર વિતાવે છે. સમગ્ર વિશ્વમાં ૧૫ વર્ષથી ઓછી ઉંમરનાં ૭૦ ટકા બાળકો સોશ્યલ મિડિયાનો ઉપયોગ કરે છે. આનો અર્થ એ છે કે ફ્રાન્સમાં સોશ્યલ મિડિયાનો ઉપયોગ કરતાં બાળકોની સંખ્યા વધુ છે. ફ્રાન્સ સરકારના આ નિર્ણયનો સમય પણ નોંધનીય છે. રાષ્ટ્રપતિ મેક્રોનની સરકારે એવા સમયે સોશ્યલ મિડિયા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે જ્યારે ફ્રાન્સમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. નેપાળની જેમ ફ્રાન્સમાં પણ હિંસા થઈ રહી છે. તો શું ફ્રેન્ચ સરકારને ડર છે કે વિરોધની આ આગ સોશ્યલ મિડિયા દ્વારા જનરલ ઝેડ સુધી પહોંચશે? શું ફ્રાન્સની સરકાર સોશ્યલ મિડિયા પર પ્રતિબંધ મૂકીને જનરેશન ઝેડને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.